27 June, 2016

પ્રેમ Vs પેરેન્ટ્સ


ભારતીય પ્રજા કાયર છે. એક વાર નહિ સો વાર હું આ વાત કહીશ. તમને સંતાનો પેદા કરવાનો અધિકાર છે પણ એને મારવાનો નહિ. ક્યારે સુધારીશું આપણે ?? ક્યારે ફગાવીશું જ્ઞાતિ-જાતિના બંધનો ?? ક્યારે એવું થશે કે એક ઇન્ડિયન ગર્લ પોતાના જ પસંદગીના છોકરા સાથે લગ્ન કરશે ??

વર્ષોથી આપણી ફિલ્મોમાં તમને એક કહાની સામાન્ય દેખાશે કે છોકરો છોકરી પ્રેમમાં પડે અને પછી ફેમીલી વાળાને ખબર પડે અને તોફાન આવે. માં-બાપ પોતાના જ સંતાનોનાં જ દુશ્મનો બની બેસે. સમાજની આબરૂ પ્રતિષ્ઠાના નામ પર સંતાનોને મારી નાખવા એ ક્યાંનો ન્યાય ?? અને તોયે તમે તમારી જાતને સામાંજીત અને ધાર્મક ગણાવો છો ?? ફટ છે તમારી માનવતા પર.

આ કાયરતા છે. ખુલ્લી કાયરતા. જ્ઞાતિ બહાર જઈ લગ્ન કરે , પ્રેમ કરે એમાં આટલું મોટું રીએક્શન શાનું ??  સ્ત્રી પુરુષ હંમેશા એકબીજાથ આકર્શાવાના જ. એ કોઈ પણ નો બાપ આવે તો પણ નહિ રોકી શકે. કોઈ સમાજ નહિ, કોઈ ધર્મ નહિ. તમે તો ભારતને ધર્મની ભૂમિ કહો છો, આ ધર્મ એ તો હંમેશા લોકોને પ્રેમ શિખવ્યો છે. તો હજારો વર્ષ પછી પણ તમે આટલું નાં શીખી શક્યા ???

પ્રેમના, રોમાન્સના  દેવ એવા કૃષ્ણ ની તો તમે રોજ પૂજા કરો છો. એના કીર્તન લીલા સાંભળો છો. અને જો તમારા જ સંતાનો પ્રેમ કરે તો તમે સહન નથી કરી શકતા. આ તો ખુલ્લો દંભ છે. ભારતમાં દમ્ભીઓની જરાય કમી નથી. તો ફેંકી દો કૃષ્ણની મૂર્તિને, બંધ અરી દો એના મંદિરોને , કારણ કે તમે કૃષ્ણને સમજ્યા જ નથી. તો તમને એની પૂજા કરીને દેહાડો કરવાનો કોઈ જ અધિકાર નથી. પોતાની જાતને ધાર્મિક કહેનારો માં બાપ પહેલા સંતાનોની ખુશી જુવે, પછી સમાજ માં આબરૂની પતર ખાંડે.

અને કઈ આબરૂ ભાઈ ??? દંભ દેખાડા વાળી ?? “આવું કરશ તો સમાજનાં ચાર લોકો શું કહેશે ???”  “અમારે સમાજને મોઢું બતાવા જેવું નહિ રહે.” આવું કહેતા મેં માં બાપને સાંભળ્યા છે. એટલે માં – બાપ સમાજમાં પોતાના સંતાન નાં વખાણ કરતા હંમેશા કહેશે કે “ મારી દીકરી બહુ ડાઈ, એ કદી ખોટું કામ નાં કરે. અમે કહીએ એટલું જ કરે . હે ને બેટા ??”  ખાસ  કરીને છોકરીઓને તો નાનપણ થી જ આમ કહી કહી ને મેન્ટલી તમે એવું કહી દીધું કે આવું તો નાં જ કરવું.

પ્રેમ કરવો એ પાપ છે. “અમે કહીએ ત્યાં જ લગ્ન કરવા. અમે તારા માં બાપ છીએ, તારું ખરાબ થોડા ઇચ્છીએ ??” આવું કહી કહી ને એક એક માં-બાપ પોતાના સંતાનો ને માનસિક રીતે ત્રાસ આપ્યો છે, રોજ રોજ માર્યા છે.

 Hum Aah bhi bharte hain to ho jate hain badnaam
 wo katal bhi karte hain to charcha nahi hota

ક્યારે સુધારશે આ રૂઢીવાદી માનસિકતા ??? લોકો ચંદ્ર સુધી જી આવ્યા ને તમે તમારા સંતાનોનાં દિલ સુધી પણ નથી પહોચી શકતા ??? ને કહો છો કે અમે મોડર્ન થઇ ગયા ???

સ્માર્ટફોન , જીન્સ, સારી આવક થી કોઈ મોડર્ન નથી થતું. વિચારોમાં મોડર્ન થવું પડે. કપડા બદલે કઈ નાં થાય, મન બદલવું પડે.

કેટલાય ઘરમાં તો માં બાપ એ એના સંતાનોને એટલા લાડ પ્યાર આપીને હંમેશા “ માનસિક ત્રાસ જ આપ્યો છે “ આનાં કરતા તો નફરત સારી. તમે તો થપ્પડ પણ મારો છે ને એ પણ પ્રેમ થી. પછી બિચારા સંતાનો માં બાપ સામે કઈ જ ઊંચું ઉઠીને બોલી શકતા નથી. કરી નાખે છે કોમ્પ્રોમાઈઝ.

દર વર્ષે એવા લાખો યુવક-યુવતીઓ હશે જે આ એક મુદાને લઈને અલગ થતા હશે. એ લોકોનું બ્રેકઅપ થતું હશે. છોકરીઓ પર તો માનસિક બલાત્કાર જ થાય. “ ૨૦-૨૫ વર્ષ અમે તને ઉછેરી, અમારા પ્રેમમાં શું ખોટ રહી ગઈ હતી ??” આવું કહી કહી ને. ને છોકરી બિચારી ફેમિલીના ઈમોશનલ ડ્રામા સામે હારીને હથીયારો ફેંકી દે, ને છોકરાને કહી દે “ મને ભૂલી જજે, તને મારા કરતા સારી કોઈ મળી જશે “

ને બિચારા છોકરાઓને હંમેશા દેવદાસ બનાવાનો વારો આવે. લોકોની રંગીન ઝીન્દગીને તમે પલ વાર માં ધૂળ ચાંટતી કરી દો, અરમાનોને મારી નાખો. આ હિંસા જ છે. ને લોકો વાત કરે છે આ દેશમાં ગાંધીની, અહિંસાની..... ધિકાર છે તમને ........
.
બવ ઓછી છોકરીઓ એવી હોય છે જે બધા બંધનો હટાવી ને ચિર ફાડ પ્રેમ કરે. ભાગી જાય, ક્રાંતિ કરે અને લગ્ન કરે. પણ આ સમાજ એને જીવવા દે તો ને ??? આવા વિચારથી પણ ઘણા લોકો હવે મનમાં એવું ભરવા લાગ્યા કે “ માં બાપ ની ઈચ્છા હોય તો જ લગ્ન કરવા, બાકી અપાવું બલિદાન  “
લવ સ્ટોરી તો તોજ મહાન કહેવાય ને જો ત્યાગ, બલિદાન કરવામાં આવે ?? આ ત્યાગ નહિ કાયરતા છે. તમારામાં માં બાપ ને એ તાલી કેવાની હિંમત નથી. સમજા સામે લડવાની હિમાત નથી. તમે આ દેશ કેવી રીતે ચલાવશો ?????

આ વિચારોમાં હું સંપૂર્ણ ક્રાંતીકાર છું. રીબેલીયન.......હું તો પ્રેમ માં કોઈ જ સીમા નથી માનતો. ના ધર્મ, નાં જાતી, નાં જ્ઞાતિ, નાં ઉમર.......યુવાનો એ હવે તોડવા જોઈએ બંધન. કરાવી જોઈએ વિચારોમાં ક્રાંતિ. નહીતર કાલે તમે પણ તમારા સંતાનો પર આ જ વિચારો નાખશો. ને આ ચક્ર ચાલતું રેશે. તોડો હવે દીવાલ. બોલાવી દો ભુક્કા.
અસ્તુ.

(આ લેખ માટે અડધી રાતે પ્રેરણા  From– ફિલ્મ “ સૈરાટ )

26 June, 2016

મારી અલગારી હિમાલય યાત્રા ( ભાગ ૧ )





 હિમાલય શબ્દ જ  એટલો વિશાળ છે કે એની સામે બધું જ નાનું લાગે. ખુમારી, દિલ લગી , જુસ્સા , હિમત અને આધ્યાત્મનું  જીવતું જાગતું પ્રતિક એટલે હીમાલય.

આ હિમાલયનો યાદગાર ટૂંકો પ્રવાસ મેં એક ફકીર-બાવાની જેમ અલગારી બનીને કરેલો, ના કોઈ મોબાઈલ ના,  કોઈ ટેબલેટ, ના કોઈ કેમેરા, ના વધુ  પડતા કપડા કે નાં કોઈ સામાન. માત્ર હું અને હું જ.બીજો કોઈ સાથ સંગાથ પણ નહી .

  પણ આ અચાનક હિમાલય જવાનું ભૂત મને કઈ રીતે વળગેલું ? એ કહેવા જાઉં તો સ્મૃતિ ભૂતકાળ માં જતી રહે.
  
 હિમાલય પર અલગ અલગ સંદર્ભમાં ભરપુર લખાણ લખાયું છે. ફિલોસોફી & Indian Spiritual Masters ને મેં ઘણા વાંચેલા . પણ મેં હમેશા મેં જોયું કે  સાલા આ બધાનું કનેક્શન ક્યાંક ને ક્યાંક હિમાલય સાથે જોડાયેલું હોઈ છે.એટલે મારામાં હિમાલય નું કુતુહલ જાગેલું. કઈક તો હોવું જ જોઈએ કે આધ્યાત્મિક માણસ એ તરફ ચુંબક માફક ખેચાય છે.

 આજ દરમ્યાન લાઇબ્રેરી માં મેં કુંદનિકા કાપડીયા દ્વારા અનુવાદિત પુસ્તક “હિમાલયના સિદ્ધ યોગી (Living With Himalayan Master – Swami Ram ) વાંચેલું.
  પુસ્તકના એક એક પાના વાંચતો ગયો ને અંદર થી દ્રઢ નિર્ણય થતો ગયો કે આપણે એક દિવસે તો હિમાલય જવું જ છે. ને એ પણ કોઈ મોજ મજાની યાત્રા માટે નહી પણ એક અંતર યાત્રા માટે.
 આ બુકમાં કેટલાય હિમાલયના યોગ ગુરુઓની કહાનીઓ છે. હું વાંચતા વાંચતા અવાક થઇ ગયો. મેં બુદ્ધ , મહાવીર, કૃષ્ણ, વગેરે ને વાંચ્યા પણ આવા કોઈ જીવતા માણસને કદી જોયેલ  નહી. આવા માણસ ને રૂબરૂ મળવાની મારી ઉત્કંઠા વધતી જતી હતી. ભવિષ્યમાં હિમાલય યાત્રા પાક્કી. ત્યાં કોઈ આધ્યાત્મિક પુરુષ કે જે ખુદના અનુભવનો માણસ હોય તે જરૂર મળશે જ કે જે મને મારા અંદર ચાલતા હજારો પ્રશ્નો ના જવાબ આપે.

  આ જ સમયે હું વિવેકાનંદ અને  રામકૃષ્ણ પરમહંસ ને પણ વાંચી રહ્યો હતો. પણ લાઈબ્રેરીમાં એ બુક જયારે ફરી મુકવા ગયો ત્યારે હિમાલયના એક હાલના જીવિત અને સંસારી માણસ “ SHREE M “ ( મહંમદ અલી ) ની આત્મકથા તરફ મારું ધ્યાન પડેલું. 
                       જેમાં દક્ષીણ ભારતના એક ફાર્મસી કરતા આ મુસ્લિમ યુવાનને પણ હિમાલયનું અદભુત વળગણ લાગેલું અને કઇ પણ લીધા વિના ટ્રેનમાં બેસીને એણે ખેડેલી અદભુત હિમાલય યાત્રા, કઠોર પગપાળા ચાલીને આધ્યાત્મિક ગુરુની શોધમાં એક એક આશ્રમ ફર્યાની કહાની, અને કંટાળીને આત્મહત્યા કરવા જતા ગંગોત્રી પર એક યોગ ગુરુ મહેશનાથ સાથે ની મુલાકાત અને એ પછીના તેના 3 વર્ષના હિમાલયના અદભુત અનુભવો ની કહાની વાંચતા જ દિલ બોલી ઉઠ્યું કે બસ હવેતો હમણાં જ હિમાલય જવું જ જોઈએ. 

 હિમાલય જતા પહેલા જ, પુસ્તકો ના માધ્યમ થી હું હિમાલય ની આસપાસ ના પ્રદેશોથો પૂર્ણ રીતે પરિચિત થઇ ચુક્યો હતો, કહું કે હિમાલય મય બની ગયો હતો. બસ હવે ખાલી ખુદનો અનુભવ જ બાકી હતો,

  પણ હિમાલય જવા માટે સમય કાઢવો મારા માટે ઘણો મુશ્કેલ હતો, એકબાજુ  માથા પર GPSC CLASS 1-2 ની પરીક્ષા અને બીજી બાજુ GPSC માં મારી લેકચરશીપ. મારી હિમાલય યાત્રા માં બિચારા GPSC નાં વિદ્યાર્થીઓ  તો રખડી જ પડે ને .

 પણ ત્યાં જ ‘ભાવતું તું ને વૈદે બતાવ્યું’ તેમ થયું.અચાનક સમાચાર મળ્યા , ડીસેમ્બર માં લેનારી અમારી GPS ની પરીક્ષા હાલ પુરતી મુલતવી રખાઈ છે. વાહ! માર્ગ મોકળો થયો !

  આ જ દરમ્યાન દિવાળી નો માહોલ હતો. ક્લાસમાં 8-10 દિવસ ની આમપણ રજા મળવાની જ હતી.
  આનાથી વધુ સુવર્ણ સમય શું હોઈ શકે? લોકો , મિત્રો, વિદ્યાર્થીઓ પોત પોતાના ઘરે જવાનો પ્લાન કરતા હતા અને હું હિમાલય નો . હવે તો હિમાલય ગયે જ પાર. કઈ પણ થાય આપણે જવું જ છે. પાક્કો નિર્ધાર. દ્રઢ સંકલ્પ........

  ટ્રેન વિશે મેં તમામ તપાસ કરી નાખી. પણ હું કઈ AC કે સ્લીપિંગ માં બુકિંગ કરાવીને શાંતિથી જવા માંગતો ન હતો . મારે તો એક રોમાંચિત યાત્રા જ કરવી હતી અલગારી બની ને ...
 NO PRE-BOOKING. સીધુજ ટ્રેન માં ઘુસી જવાનું. જ્યાં જગ્યા મળે ત્યાં ફકીરની જેમ બેસી જવાનું ને જગ્યા ના મળે તો દરવાજા પાસે ઉભું રહેવાનું. એક એક સ્થળોને આંખો માં ભરતા જવાના .
 લોકો & મિત્રો ના કહેવા પ્રમાણે આટલી લાંબી મુસાફરી આવી રીતે કરવી એ ભયંકર કહી શકાય , પણ મને એની કઈ જ પડી ન હતી. 

  વર્ષોથી આવી યાત્રાનું સપનું હતું . જેમાં કોઈ PRE-PLANING નહી. બસ મંઝીલ જ્યાં લઇ જાય ત્યાં, જેમ લઇ જાય તેમ નદી ની જેમ વહેતા વહેતા ચાલતું રહેવું. Total Surrender to Nature .

રવિવાર ના દિવસે સાંજે 8 વાગ્યા સુધી મારા GPSC ના લેકચરો હતા. ને એ પતાવી સીધુજ રેલ્વે સ્ટેશન તરફ જવાનું હતું. ને શરુ થવાની હતી મારી રોમાંચિત યાત્રા. 

 લેક્ચરમાં મેં મારા ઇતિહાસ ના વિદ્યાર્થી મિત્રો ને મેં જાણ કરી કે હું આવી રીતે હિમાલય જવાનો છુ. તો બધા મજાક માં કહેવા લાગ્યા. “સાહેબ, પાછા આવજો, ત્યાં જ રહી ન જતા, નહિતર અમે GPSC માં લટકી જઈશું” 

 શનિવાર સુધી માં એક મિત્ર ને બાદ કરતા બધા જ મિત્રો રૂમ છોડીને  ઘરે ભાગી ગયા હતા. પણ જતા જતા મને કહેતા ગયેલા કે, “A least  એક સાદો મોબાઈલ તો તારી સાથે લઈજ જજે . ગમે ત્યારે કામ આવી શકે” 

 પણ હું એ વાતના પણ સમર્થનમાં ન હતો, મોબાઈલ સાથે હોઈ તો તમે એમાં જ પડ્યા રહો. હિમાલય નો સંપૂર્ણ આનંદ પછી ક્યાં રહે?

    મારે તો સંપૂર્ણ રીતે હિમાલય ને નખશીખ  પી જવો તો. મોબાઈલ થી લોકો ના સંપર્ક માં રહેવું , લોકો CALL કરી કરી પૂછ્યા કરે, ફોટોગ્રાફ્સ પાડતા રહેવા, એથી  મારે દુર રહેવું હતું. 8-10 દિવસ સામાન્ય દુનિયા થી સદંતર અલગ. કોઈ જ જાણીતું નહી, કોઈ સંપર્ક નહી, ખાલી ત્યાં તમે અને પ્રકુતિ બે જ હોઈ. આ મિલન માં કોઈ જ વિધ્ન આવે તે હું ઈચ્છતો ન હતો.

  અંતે રવિવાર આવ્યો. એક બાજુ લેકચર પતી રહતા હતા ને બીજી બાજુ મારો ઉત્સાહ વધી રહ્યો હતો. હિમાલય મને બોલાવતો હતો. “ આવી જ દોસ્ત , જલ્દી આવ, મને માણી લે, નિહાળી લે”.

રવિવારે રાત્રે ૮ વાગ્યે લેકચર પતાવીને હું જલ્દીથી રૂમ પર પહોચ્યો. મારો મિત્ર મારી રાહ જોઇને બેઠો હતો, એ મને કાલુપુર રેલ્વે સ્ટેશન પર મુકવા આવવાનો હતો. મારે યાત્રાની તૈયારી કઈ ખાસ કરવાની નાં હતી, મારે તો પહેરેલા કપડે જ નીકળવાનું હતું. સામાનમાં એક નાની બેગ, એક ચાદર, ૩ પુસ્તકો બસ. બીજું કઈ જ નહિ...........

( મેં આ યાત્રા કેવી રીતે શરુ કરી ? હું કેવી રીતે હિમાલય પહોચ્યો ?ત્યાં કોને કોને મળ્યો?? હિમાલયના ચલમ ગાંજા વાળા બાવાઓ સાથે મેં કેવી મુલાકાતો કરી ??  ને ત્યાં કેવી મુશ્કેલીઓ સહન કરી તે બીજા ભાગમાં વર્ણવીશ.... )

- વિવેક ટાંક

01 June, 2016

ગઝલ – ઉદભવ, ઈતિહાસ અને પરિચય



ગઝલ મૂળ રીતે ફારસી-અરબી કાવ્ય પ્રકાર છે. અને ગુજરાત માં તે ઉર્દુ ભાષા દ્વારા પ્રવેશ્યો છે.

ગઝલ ની જન્મ ભૂમિ એટલે પર્શિયા(ઈરાન). વાસ્તવિક રીતે તો ગઝલ ની પૃષ્ઠભૂમિ અરબસ્તાનમાં તૈયાર થયેલી.  આરબોએ ગદ્યનાં પ્રારંભ બાદ ગદ્યમાં પ્રાસ વાળી રચનાની શરૂઆત કરેલી. જે હાલ શેર સુધી પહોચી છે. પણ અરબસ્તાનમાં ગઝલનો કોઈ કાયમી આકાર નાં બની શક્યો.

ઇસ્લામના નાં વિકાસના તબક્કામાં આરબો એ ઈરાન પર આક્રમણ કર્યું. આથી આરબોની સંસ્કૃતિ ઈરાનમાં વિસ્તરી. અને અરબી કાવ્ય – “કસીદા “ અને “નસીબ” ઈરાન માં પ્રખ્યાત થઇ. પણ તેના વિકાસના પગલે “નસીબ” કાવ્ય પ્રકારનાં રંગ રૂપ બદલાયા અને તેને ગઝલનું રૂપ ધારણ કર્યું.

ગઝલ નો મતલબ થાય – “પ્રિયતમા ના ગીતો “. “આશિક ની વાતો”  
મિલન ની ઝંખના , વિયોગ નું દુખ , તડપ, સ્ત્રી સૌન્દર્ય એ ગઝલ નો મુખ્ય વિષય હતો. જોકે હવે આવા બંધનો રહ્યા નથી. હવે ગઝલો કોઈ પણ વિષયો સાથે છૂટથી લખાય છે.

ગઝલને સુફીઓએ પણ ઘણું મહત્વ આપ્યું છે. ગઝલમાં સુફીવાદ ભળતા તેની સુગંધ ઓર પ્રસરી.સુફીઓએ દિવ્ય પ્રેમના અને આત્મા પરમાત્માનાં અર્થમાં આશૂક-માશૂક જેવા પ્રતીકો વ્યક્ત કરી ગઝલને નવા આભૂષણો પહેરાવ્યા. પણ બાદમાં ઈરાનમાં શિયાપંથી રજાઓ આવતા, તેઓ સુફીઓને પસંદ નાં કરતા હોવાથી સૂફીઓને  કોઈ મહત્વ મળ્યું નહિ આથી આ લોકો ભારત તરફ આવ્યા અને ઈ સ્થાયી થયા. આ રીતે ભારતમાં ગઝલનો પ્રવેશ થયો અને ભારતીય સંસ્કૃતિ તેમાં ભળતા ફારસી સાહિત્યનો અનેરા રંગમાં પ્રચાર ઘણો વધ્યો.

આમિર ખુશરોને ભારતમાં ગઝલ ના આદિસર્જક કહેવાય છે. જેને અરબી, ફારસી, વ્રજ જેવી ભાષાઓમાં ગઝલો આપી છે.  ત્યારબાદ ઉર્દુ માં “મિર્ઝા ગાલીબ”, “મીર તકી મીર” જેવા મહાન  ગઝલકારો થયો. અને ગઝલનો સુવર્ણયુગ શરુ થયો.

इश्क़   ने   'ग़ालिब  निकम्मा   कर  दिया
वर्ना   हम   भी  आदमी   थे  काम    के

उनके देखे से जो आ जाती है मुँह पे रौनक
वो समझते हैं कि बीमार का हाल अच्छा है

ગુજરાત માં ઉર્દુ ગઝલ ૧૭મી સદી ના ઉતરાર્ધ માં ગઝલકાર ‘વલી’ થી શરુ થયેલી. જેનું પછી ધીરે ધીરે ગુજરાતી કરણ થવા માંડ્યું. આમ વિદેશી બીજ ગુજરાતી જમીન માં ખેડાવા લાગ્યું.

પણ શુદ્ધ ગુજરાતી માં પ્રથમ વાર ગઝલ ને આકાર આપનાર માણસ હતા – બાલા શંકર કંથારિયા  ( ઉપનામ – બાલ ) તેણે “બોધ” નામ ની પ્રથમ ગઝલ થી  ગુજરાતી ગઝલ નો ઇતિહાસ શરુ કરીને  વ્યવસ્થિત એકડો પાડ્યો એકડો પાડ્યો.

                        “ જીગરનો યાર જુદો તો બધો  સંસાર જુદો છે
                         બધા સંસારથી એ યાર બેદરકાર જુદો છે “
                                      - બાલ 
બાદમાં કલાપી, કાન્ત, મણીલાલ, સાગર, ખબરદાર  જેવા કવિઓએ ગઝલ પર હાથ અજમાવ્યો. કેશવ નાયકથી ગુજરાતી ગઝલમાં નવો વળાંક આવ્યો. ગઝલ માટે તેણે યોગ્ય વજન વાળા શબ્દોનો  ઉપયોગ શરુ કર્યો.
તેમની એક રચના-
                      “ મને વાંધો નથી વ્હાલા, હૃદયમાં ઘર કરી બેસો
                       તમારો દેશ છે  આખો, ભલેને  સર કરી બેસો “  

 ત્યારબાદ આધુનિક યુગમાં ઘાયલ , મરીઝ, આદીલ , ચિનુંમોદી, રાજેન્દ્ર શુક્લ , મનોજ ખંડેરિયા, રમેશ પારેખ, રાજેશ વ્યાસ મિસ્કીન, રઈશ મનીયાર, શૂન્ય પાલનપુરી  જેવા કવિઓએ તેને એક નવો જ રંગ , રૂપ આપ્યા ને સારા ગુજરાતી કપડા માં સજ્જ કરી.

અને હાલના આધુનિક કાળમાં તો ગુજરાતી-અંગ્રેજીના મિશ્રણ વાળી Gujlish શબ્દોની રચના વાળી ગઝલનો પણ પ્રયોગ થઇ રહ્યો છે. 

હવે, બંધારણીય દ્રષ્ટીએ ગઝલ પરિચય -

 ગઝલ એટલે કાફિયા – રદીફ ને જાળવીને , સરખા માપ ( વજન વાળા ) ચોટદાર શેરો ના સમૂહ
ગઝલના  એક એક શેરમાં અદભુત ચોટ હોઈ છે જે લોકોને ઘાયલ થી મરીઝ બનાવી દેય છે .
શેર
શેર એટલે ગઝલ ની બે પંક્તિઓનો  સમૂહ. સાદી ભાષામાં આપણે એને શાયરી કહીએ છીએ.
ગઝલ માં શેરની પંક્તિઓને  “મિસરા”  કહેવાય છે. બે મિસરા ભેગા થઈને એક શેર બને.

                      મૌતની તાકાત શી મારી શકે ? ઝીંદગી તારો ઈશારો જોઈએ
                      જેટલે  ઉંચે જવું હો  માનવી, તેટલા  ઉન્નત વિચારો જોઈએ
                                        - શૂન્ય  પાલનપુરી

                          આપી ગયો તું આંખમાં અંધાર એટલો 
                          દરિયામાં પણ ના હોય દોસ્ત ખાર જેટલો
 - ચંદ્રેશ મકવાણા

                         તારી નજરમાં ડૂબ્યાનું હજુ મને યાદ છે
                         આપણી વચ્ચે બસ આટલો જ સંવાદ છે
      -     વિવેક ટાંક

                         ખરું  કહું તો  આ કથા  મારી  નથી, 
                         છે ખરી પણ આ વ્યથા મારી નથી.
  -     વિરલ દેસાઈ

કાફિયા – શેરની બે પંક્તિઓના અંતે આવતા શબ્દોમાં  પ્રાસ મળતો હોઈ છે. આ પ્રાસ ને કાફિયા કહેવાય છે
ઉ.દા. મરીઝના ૨ શેર જોઈએ
                       આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,
                       જે વચન દેતા નથી  તોયે  નિભાવી  જાય છે

                       ખુદા ની જ્યારથી માની લીધી ખુદાઈને ,
                       નથી  કબુલી જગત ની કોઈ મનાઈને

અહી, પ્રથમ શેર માં ‘આવી’ -નિભાવી’  ખુદાઈને –“ મનાઈને “ એકબીજાના પ્રાસ છે જેને કાફિયા કહેવાય છે .
પણ શેરમાં ક્યારેક કાફિયા બાદ વધારાના શબ્દો કોઈપણ ફેરફાર વિના આવ્યા જ કરતા હોઈ છે આવા શબ્દો ને ‘ રદીફ ’ કહેવાય .

 પ્રથમ શેર માં à ‘જાય છે’ એ રદીફ છે.

 કાફિયા વિના શેર હોઈ શકે નહી. કાફિયા એ ગઝલમાં શેરનો શૃંગાર છે એના વિના ગઝલ સાવ નીસ્વાદ થઇ જાય. જોકે એને ગઝલ કહી જ ના શકાય.

હા , ગઝલ માં શેર ક્યારેક ‘રદીફ’ વિના હોઈ શકે છે .
ઉ.દા. તરીકે બીજા શેર માં જોશો તો દેખાશે કે તેમાં માત્ર ‘કાફિયા’ જ છે , રદીફ નથી . આવા શેર ને “હમ કાફિયા” કહેવાય

મત્લા અને મક્તા-
ગઝલ ના પ્રથમ શેર ને ‘ મત્લા’  કહેવાય છે. ગઝલ માં ‘ મત્લા’ સૌથી પ્રભાવશાલી હોઈ છે. મત્લાના બોલવા સાથે જ લોકો માં વાહ ! વાહ ! ઈર્શાદ ! ઈર્શાદ !  થઇ પડે.

ગઝલનાં  અંતિમ શેર ને ‘ મક્તા’  કહેવાય છે , જે ગઝલ નો અંત સૂચવે છે, મોટા ભાગે ગઝલકારો ‘મક્તા’ માં પોતાનું નામ કે તખલ્લુસ મુકતા હોય છે. મત્લાની જેમ  ‘મક્તા’ પણ એક ધારદાર અંત સાથે વહે છે.
ઉદા.
                       જિંદગીના રસને પીવા માં કરો જલ્દી ‘મરીઝ’
                      એક તો  ઓછી મદિરા  છે  ને ગળતું જામ છે .

તખલ્લુસ રાખવાનું કારણ કોઈ વિશેષ નથી હોતું એ એક આગવી ઓળખ બતાવે છે. ઘણા કવિઓ તખલ્લુસ થી જ પ્રખ્યાત છે
ઉ.દા. તરીકે ઘાયલ , બેફામ , આદીલ , બાલ, મરીઝ , ગની, કાન્ત, કલાપી વગેરે ...

કેટલાક કવિઓના નામ ઘણા મોટા હોઈ છે ત્યારે તે નામ નો અંત તખલ્લુસ તરીકે કરે છે
 ઉ.દા. શેબાદમ  આબુવાલ à આદમ
        મહમદ ઈકબાલ  à ઈકબાલ

તો કેટલાક તખલ્લુસ માં પોતાના જન્મ સ્થળ ને પણ દર્શાવે છે
ઉ.દા. – શૂન્ય પાલન પૂરી , સાહિર લુધિયાનવી

ગઝલ સામાન્ય રીતે ઓછા માં ઓછા ૫ શેર થી લઇ ને ૧૯-૨૦ શેર સુધીની હોઈ છે ગુજરાતી ગઝલ માં સર્વ સામાન્ય લઘુતમ સંખ્યા 5 રાખવામાં આવી છે. સમગ્ર ગઝલના સૌથી સારા/ઉતમ  શેરને  ત‘ “શાહ્બેત” કહેવાય છે
ઉ.દા. તરીકે મરીઝ ની એક ગઝલ ના શાહ્બેત જોઈએ ,

નથી એ વાત કે પહેલા સમાન પ્રીત નથી ,
મળું હું તમને તો એમાં તમારું હિત નથી,

એ મારા પ્રેમમાં જોતા રહ્યા સ્વભાવિકતા,
કે મારો હાલ જુએ છે અને ચકિત  નથી

ફના  થવાની  ઘણી રીત  છે જગતમાં
તમે પસંદ કરી છે એ સારી રીત નથી.

ગઝલનું ભવિષ્ય
ગુજરાતીમાં સવા સો વર્ષમાં ગઝલ નું ખેડાણ ખુબજ થયું હોવા છતાં એટલું મહત્વ ગઝલકારો ને મળ્યું નથી , જેટલું હિન્દી-ઉર્દુ ગઝલકારો ને મળ્યું છે.

ગઝલ પ્રખ્યાત થતી હોઈ તો તેનું મુખ્ય કારણ છે “મુશાયરા” ઓનું આયોજન, જે ગુજરાત માં હજુ એટલું ખાસ પ્રચલિત નથી.

બીજું, ગુજરાતી ગઝલોને સંગીત માં ખાસ ઢાળવામાં નથી આવી , ગુજરાત માં મનહર ઉધાસ, આશિત દેસાઈ , જેવા જુજ સંગીતકારોએ ગુજરાતી ગઝલ ને સ્વર બધ્ધ કરી લોકો સુધી પહોચાડી છે. ગુજરાતી લોકો ૧%  ગઝલ થી જાણકાર છે. તેમાં મનહર ઉધાસ ની કેસેટ નો ફાળો છે.

જયારે હિન્દી, ઉર્દુ માં જોવામાં આવે તો અસંખ્ય ગઝલ ગાયકો જોવા મળશે, જેના ખુદ મોટા સંગીત કાર્યક્રમો થતા હોઈ છે.
ઉ.દા. જગજીત સિંહ, આબિદા પરવીન, ગુલામ અલી , ચિત્ર, પંકજ ઉધાસ, ગુલામ અલી ,

આવો વર્ગ ગુજરાતમાં નથી. હા પણ ગુજરાતી ગઝલનું ભવિષ્ય ઘણું જજ ઉજ્જવળ છે . એમાં કોઈ જ બે મત નથી. 
- Vivek Tank