28 September, 2016

મારી અલગારી હિમાલય યાત્રા (ભાગ -૨)


રવિવારે GPSC નાં લેકચર પતાવીને હું ઝડપથી  ઘરે પહોચ્યો. સામાનમાં મારે કઈ ખાસ લેવાનું ન હતું. એક નાની બેગ, ૨ પુસ્તકો અને એક ચાદર. બસ. બાકી પહેરેલા કપડે  હું તૈયાર જ હતો. હું અને મને મુકવા આવનાર મારો મિત્ર મારી બાઈક પર કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ જવા નીકળી પડ્યા.

મેં પહેલેથી કોઈ જ ટ્રેનમાં રીઝર્વેશન કરાવ્યું નાં હતું, એટલે જે પણ ટ્રેન મળે એમાં જ બેસી જવાનું હતું. સ્ટેશન પર પહોચીને અમે હરિદ્વાર, ઋષિકેશ તરફ જતી ટ્રેન વિષે પૂછ્યું. પણ આશ્ચર્ય હતું કે રાત્રે અમદાવાદથી એ તરફ જતી એક પણ  ટ્રેન ના હતી. અફસોસ.....પણ મારે તો ગમે તેમ જવું જ હતું. એ પાક્કો નિર્ધાર હતો. હું દિલ્હી સુધી પણ કોઈ પણ ટ્રેનમાં જવા તૈયાર હતો. કારણ કે દિલ્હી પહોચીને ઉતરાખંડ જવું ઘણું સરળ થઇ શકે. પણ રાત્રે દિલ્હી સુધી જતી કોઈ પણ  ટ્રેન ન હતી. ઘણી તપાસ પછી પણ મને નિરાશા સાંપડી. હવે તો છેક હરિદ્વાર સુધીની ડાયરેક્ટ ટ્રેન વહેલી સવારે જ હતી. એ પહેલા કોઈ પણ રીતે જવું શક્ય ન હતું. અંતે રાત્રે જવાનો પ્લાન પડતો મુકીને મેં સવારે જ જવાનો નિર્ણય કર્યો. કાર્યની શરૂઆતનું આ પહેલું જ વિધ્ન હતું. પણ એનાથી મારો ઉત્સાહ જરા પણ ઓછો ન થયો. હિમાલય જવાનો નિર્ણય હિમાલયની જેમ જ અડગ અને દ્રઢ હતો.

અમદાવાદનાં બસ સ્ટેન્ડ પર ચાની ચૂસકી લગાવી અને અમે ઘરે પહોચ્યા અને વહેલી સવારે ઉઠીને એ જ ઉત્સાહ સાથે રેલ્વે સ્ટેશન પહોચી ગયા. પ્લેટફોર્મ નંબર ૪ પર હરિદ્વાર જતી યોગએક્સ્પ્રેસ્ પહોચી ચુકી હતી. મેં જનરલની ટીકીટ લીધી અને પ્લેટફોર્મ નંબર ૪ તરફ જવા અમે દોટ મૂકી. ટ્રેનને જોતા જ મને મારી મંઝીલ નઝર સામે દેખાઈ ગઈ, એ અડીખમ હિમાલય ખાડો થતો જણાયો. આ ટ્રેન મારા ધ્યેય સુધી પહોચાડનાર માધ્યમ છે. હું મારા આ અલગારી સાહસ માટે એકદમ ઉત્સાહી હતો. અમે એક એક ડબ્બાની મુલાકાત લઇ ખાલી જગ્યા શોધી હતા પણ એ મળવી મુશ્કેલ હતી. ટ્રેન ધાર્મિક લોકોથી ખીચોખીચ ભરેલી હતી. આ મારું બીજું વિધ્ન હતું. ૨૪ કલાકની મુસાફરી કરવાની હતી પણ જગ્યા જરાય ન હતી. પણ ઉત્સાહ સામે વિધ્ન ઝાંખું પડતું હતું. એ ભાંગીને ભૂક્કો થઇ ગયું.

અંતે મેં એક સ્લીપર કોચ શોધી કાઢ્યો જેના આગળના ભાગમાં દરવાજા પાસે વિશાળ જગ્યા હતી. આ જગ્યા મને એકદમ યોગ્ય લાગી, અહી હું મારી ચાદર કે છાપું પાથરીને બેસી જઈશ એવું મનોમન નક્કી કરી નાખ્યું. અને અંતે એમ જ કર્યું, માન, મર્યાદા, પ્રતિષ્ઠાનાં જરા સરખા પણ વિચાર કર્યા વિના એક અલગારીની જેમ હું ત્યાં દરવાજા પાસે છાપું પાથરી બેસી ગયો. દિવાળીનો માહોલ હતો એટલે લોકોની ભીડ ખૂબ જ હતી. ધીરે ધીરે એ દરવાજાની મારી જગ્યા પાસે જ લોકોની ભીડ જમા થવા લાગી. મેં બીછાવેલ છાપાનું સામ્રાજ્ય સંકોચાવું લાગ્યું.

 ટ્રેન ઉપડવાને હજુ થોડી વાર હતી, હું મારા મિત્ર સાથે વાતો કરી રહ્યો હતો એટલામાં જ તેણે ખિસ્સામાંથી મારો મોબાઈલ કાઢ્યો અને મને આપતા કહ્યું “ આ સાદો મોબાઈલ લેતો જા, મુસાફરી લાંબી છે, કઈ પણ થાય તો મોબાઈલ કામ આવે “

પણ મેં એ સાદો મોબાઈલ પણ લેવાનો ઇન્કાર કર્યો. “ ભાઈ, મારે ત્યાં મોબાઈલનું કઈ જ કામ નથી, અને જે પણ થાય એ સહન કરવા હું તૈયાર છું “ એવું મેં વળતા જવાબમાં કહ્યું.

“ અલ્યા, આવો માણસ પહેલીવાર જોવ છું, જે આટલી દૂરની મોટી યાત્રા પર જાય છે,ને એ પણ પહેરેલા કપડે, કોઈ સામાન નહિ અને એમાં પણ મોબાઈલ પણ નહિ, ગજબ છો યાર તું “ એમ કહેતા કહેતા તે હસી પડ્યો.

“ સાચું કહું દોસ્ત, આજે મારું વર્ષો જુનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે, “ મેં અનેરા ઉત્સાહ સાથે કહ્યું.
“ સારું, સારું, ત્યારે કરી નાખ તારું સપનું પૂરું. હવે હું રજા લવ છું, અને તને કાઈ વધારે શિખામણ આપવાની થતી નથી, ને આપું તો પણ તું એ જ કરીશ જે તારું મન કહેશે. “ એ મલકાતા મલકાતા બોલ્યો.
“ તદન સત્ય દોસ્ત, આપણે તો ભઈ રમતા રામ “ મેં એકી શ્વાસે કઈ નાખ્યું.

મિત્ર મને ભેંટીને વિદાય થયો. હવે હતો હું એકલો. સંપૂર્ણ અપરિચિત. લોકોની ભીડનો એક ચેહરો.
ટ્રેન થોડીવારમાં ઉપાડવાની જ હતી. મારી આસપાસ ટીકીટ કન્ફર્મ ના થયેલા કેટલાય લોકોનું ટોળું બેસી ગયું હતું. ત્યાં જ ઘડી ભરમાં ૨ આર્મીમેનની એ જ ડબ્બામાં એન્ટ્રી થઇ. તેઓએ પોતાનો સમાન મુકવા માટે અમને જરા ખસવા કહ્યું. અમે લોકો ઉભા થઇ ગયા, પણ આ શું ?? એની પાસે તો ભરપુર સામાન હતો. ૪-૫ લોખંડની મોટી પેટીઓ, ૨ ગાદલાઓ, મોટા મોટા બેગ. ડબ્બાની વચ્ચેની મોટા ભાગની જગ્યા એ લોકોના સામને રોકી લીધી હતી. મારી એ દરવાજા વાળી બેઠક સંપૂર્ણ રીતે છીનવાઈ ગઈ. જાણે કોઈ ચક્રવર્તી રાજાએ મારા પર આક્રમણ કરી મારું નાનું સરખું સામ્રાજ્ય પચાવી પાડ્યું હોય એવું મને લાગતું હતું. પણ આ જ નિયતિ હતી. આપણે કરી પણ શું શકીએ ?? હવે તો ત્યાં ઉભા રહેવા કે પછી એક લોખંડની પેટી પરની થોડી જગ્યા પર બેસવા સિવાય કોઈ જ ઉપાય ન હતો.  પણ આર્મી મેન એ દયા દ્રષ્ટિ રાખીને મને એક પેટી પરની થોડી જગ્યા પર બેસવાની પરવાનગી આપી. અને મેં ત્યાં મારી બેઠક જમાવી. ૨૫-૩૦ કલાકની મુસાફરી આવી રીતે કરવી એ જરા અઘરું હતું.

પણ મેં હમેશા એક સિધ્ધાંત પર જીંદગી જીવી છે કે, “ વાંધો નહિ, બહુ ચિંતા ન કરાવી, કૈક થઇ જશે, દરેકના રસ્તા હોય જ છે “ અને અંતે થઇ પણ ગયેલ.

હું જે પેટી પર બેઠો હતો તેની પાછળની સ્લીપર સીટોમાં વડોદરાનું  વૃદ્ધોલોકોનું એક મંડળ બેસેલ હતું. તેઓ હરિદ્વારની ધાર્મિક યાત્રા પર જઈ રહ્યા હતા, એવું તેની વાતો પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું.
હવે ટ્રેન શરુ થઇ ચુકી હતી. અને મારી યાત્રા પણ. ધીરે ધીરે અમદાવાદ અદ્રશ્ય થઇ રહ્યું હતું. મન આનંદના હિલોળા લઇ રહ્યું હતું. અડધા કલાક સુધી હું દરવાજા બહારના દ્રશ્યો ને જોતો જ રહ્યો. મેં આંખો બંધ કરી દીધી અને એક ગેહરા દ્રશ્યમાં ડૂબી ગયો. પછી મેં બેગમાંથી “ રામકૃષ્ણપરમ હંસ “ નું એક પુસ્તક કાઢ્યું અને વાંચનમાં ડૂબવા લાગ્યું. ૨-૩  કલાક સુધી હું એ દક્ષિણેશ્વર, રામકૃષ્ણ અને વિવેકાનંદમાં ખોવાઈ ગયો. હું પુસ્તકમાંથી બહાર નીકળ્યો ત્યાં સુધીમાં ટ્રેન ઘણી દૂર નીકળી ચુકી હતી. અમે ગુજરાતની બોર્ડર પર હતા. અમદાવાદ છૂટ્યું એમ ગુજરાત પણ હવે છૂટશે.

મેં પાછળની બાજુ નજર નાખી તો પેલા વૃદ્ધમંડલનાં તમામ ડોસા-ડોશીઓ નીચેના બર્થ પર આવીને ધાર્મિક ચર્ચાઓ કરી રહ્યા હતા. મેં એમની વાતો તરફ જરા ધ્યાન આપ્યું, મને તો એમાં મજા પડી, કારણ કે એ લોકો કૃષ્ણનાં મહિમા વિષે વાતો કરતા હતા. મેં મનમાં કહ્યું “ આ લોકો કૃષ્ણને ભલે માનતા હોય, પણ જાણતા નથી. કૃષ્ણતો મલ્ટી ડાઈમેન્શનલ. રાજનીતિ હોય, રોમાંસ હોય, યુદ્ધ હોય કે આધ્યાત્મ હોય, કૃષ્ણ અવ્વલ નંબર પર હતા “

મેં મારી જાતને ઘણી રોકી કે હું એ લોકોની ચર્ચામાં ભાગ ન લઉં, પણ હું રોકી શક્યો નહિ. મેં એક કાકાની ચર્ચાના મુદાને ટાંકતા વાત શરુ કરી. ધીરે ધીરે વાતનો રંગ જામતો ગયો. આખી મંડળીને તો ખુબ જ મજા પાડવા લાગી. અંતે પેલા કાકા એ કહ્યું “ આવો આવો દોસ્ત, અહી અમારી પાસે આવીને બેસો, આ બધી સીટો અમારી જ છે. “

વાહ, કામ થઇ ગયું. આમ પણ હવે હું પેલી પેટીની સાંકડી જગ્યા પર બેસીને થાક્યો હતો. હું ત્યાંથી ઉભો થઇ તેઓની બારી વાળી Lower Birth પર બેસી ગયો. મારી નાં હોવા છતાં એ બધા લોકો એ મને ઢેબરા, દહીં, પૂરી આગ્રહ થી ખવડાવ્યા. અને સાથે સાથે અમે કૃષ્ણ, ગીતા, ધર્મ, અધર્મ ઉપર ઘણી ચર્ચાઓ કરી.

બપોરથી લઇ રાત સુધી હું એ સીટ પર આરામથી સુઈ શક્યો, રાત્રે મારે હવે દરવાજા પર બેસીને જાગવું પડે કે પેલી પેટી પર બેસી રહેવું પડે તો પણ હવે કોઈ જ વાંધો ન હતો. રાત્રે ભોજન બાદ મેં એ કાકાને સુવા માટે સીટ ખાલી કરી આપી અને હું ફરી પેલી પેટીનાં સિંહાસન પર બીરાજમાન થયો. પણ મોદી રાત્રે હું સીટોની વચ્ચેની જ જગ્યામાં જ ચાદર પથારીને સુઈ ગયો. અને સવારે જયારે મારી આંખ ખુલી ત્યારે અમે હિમાલયના ક્ષેત્રમાં, ઉતરાખંડમાં પ્રવેશી ચુક્યા હતા. બારી બહારનું એ દ્રશ્ય સૌથી અદભુત હતું. ઊંચા વૃક્ષો, પહાડીઓ,, શાંતિ અને હું.

“ હવે થોડાક જ કલાકમાં હરિદ્વાર આવશે, “ પેલા વૃદ્ધ કાકાએ કહ્યું.
હું આનંદથી ઝૂમી ઉઠયો. હું અમદાવાદથી ઘણા કિલોમીટર દૂર હતો. મારા ચેહરા પર અસીમ રોનક હતી, રોમાંચ હતો. કારણ કે મારી મંઝીલ હવે પગલા ભેર જ દૂર હતી.
સવારનાં ચા નાસ્તા, થોડી હળવી ચર્ચાઓ  અને બારી બહારનાં દ્રશ્યો નિહાળતા નિહાળતા હરિદ્વાર કઈ રીતે આટલું જલદી આવી ગયું તે ખબર જ નાં પડી.

“ હરિદ્વાર આવી ગયું, આવી ગયું , ચાલો, ચાલો  “ એવી બુમો ચારે તરફ સંભળાવા માંડી. લોકો સમાન તૈયાર રાખવા લાગ્યા.
હું તો તૈયાર જ હતો. પણ પેલી મંડળીનાં લોકો મને તેમની હરિદ્વારની આખી યાત્રામાં સામેલ નાં કરી લે તો સારું, મને એ વાત નો ડર હતો. અહી હું મારી રીતે એકલા અલગારી બનીને ફરવાનો હતો. કોઈ સમૂહના બંધનમાં પડવા માંગતો ન હતો. હું આઝાદ પંછી હતો. એટલે હું પેલા કાકાને છેલ્લું હળવું સ્મિત આપી, મન થી આભાર માનીને  ૩-૪ ડબ્બા આગળ જ જતો રહ્યો. ટ્રેન ધીમી પડતા જ મેં પહેલો કુદકો માર્યો. અને મારી સામે જ સ્ટેશન પર મેં પીળું બોર્ડ વાંચ્યું  “ હરિદ્વારમેં આપકા સ્વાગત હે “

વાહ, અદભુત. અંદરથી હર્ષના ફુવારાઓ છૂટી રહ્યા હતા. ઉત્સાહ સાતમાં આસમાન પર હતો. મારી અલગારી યાત્રા શરુ થઇ ચુકી હતી. અહી મને ઓળખનાર કોઈ જ ન હતું. હું કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં ન હતો. એક સાવ અજાણી જગ્યા, ઘરથી સેંકડો કિલોમીટર દૂર. એક અપરિચિત ભૂમિમાં એક અપરિચિત અલગારી માણસ. હવે હું ચાલતા ચાલતા હરિદ્વારની એક એક ગલી ફરવાનો હતો.
પણ સાચી મુસીબતો, વિધ્નો તો હવે જ આવવાના હતા. મારી પરીક્ષા અહી જ થવાની હતી. પણ હું બધા માટે તૈયાર હતો.........
ક્રમશઃ

( હરિદ્વારમાં ગંગાનાં કિનારે મેં શું શું જોયું ? હું એક યુવા સંન્યાસીનાં વેશમાં કેવી રીતે આવ્યો ??  અને પછી શું શું સહન કરવું પડ્યું તે જાણવા આગળનાં ભાગ વાંચતા રહો.)