ઋષિકેશની ભૂમિમાં એક જબરું આકર્ષણ હતું એ હું પળે પળે
અનુભવતો હતો. ગંગાના કિનારે બધા મંદિરો અને આશ્રમો લાઈનબંધ આવેલા હતા. એક બાજુ આશ્રમો
ને એક બાજુ ગંગા ને વચ્ચે સાંકડી બજાર. કેટલાય બાવાઓ આમ તેમ ફરતા હતા. ને એમાંનો એક
હું પણ.
મારે આ આશ્રમો માંથી કોઈ એકમાં રહેવું હતું. મારે એ સન્યાસી
જીવનનો અનુભવ કરવો હતો. એટલે હું એક એક આશ્રમ ફર્યો, ત્યાના મુખ્ય વ્યક્તિઓ સાથે ત્યાં રહેવા બાબતે વાત કરી અને તેઓ પૂછતાં “ કિતને આદમી હો ? ને
ત્યારે હું કહેતો “ મેં અકેલા હી “ અને તરત જ “ અકેલી આદમી કો તો નહિ રાખ સકતે “
કહી મને જાકારો મળતો. લાઈન બંધ ખડકાયેલા આશ્રમમાં હું ફર્યો પણ એકલા
માણસ (સન્યાસી) ને કોઈ રૂમ આપવા તૈયાર થતું નથી. તો કોઈ આશ્રમ વાળા “ જગાહ નહિ હે “
એવું તુચ્છ કહીને કાઢી મુકતા.
હિમાલય વિશેના પુસ્તકોમાં તો મેં વાંચેલું કે હિમાલયમાં કોઈ
પણ આશ્રમમાં કોઈ જાય એટલે રહેવા અને જમવાનું તો થઇ જ જાય. પણ અહી સ્થિતિ સાવ ઉલટી
હતી. થીયરી અને પ્રેક્ટીકલ સાવ જુદા પડ્યા.
કંટાળીને હું ચાલતા ચાલતા સાવ છેલ્લા યોગાશ્રમ પાસેના
ગંગાના કિનારે જઈ બેઠો. નક્કી તો એવું પણ કરી નાખ્યું કે કઈ નહિ મળે તો અંતે
ગંગાનો કિનારો જ મારું રાત્રી રોકાણ બનશે. પણ શિયાળાની કડકડતી ઠંડી ધ્રુજાવી દેનાર
હતી.વળી મારી પાસે માત્ર એક શાલ અને થોડા
પુસ્તકો સિવાય કઈ જ ન હતું.
ત્યાં એક પંજાબના બાવા સાથે મારો ભેટો થયો. મેં એને કોઈ
આશ્રમ વિષે પૂછ્યું. એણે તરત જ પૂછ્યું “ નયે આયે હો ? દુનિયા છોડ દી ?. મેં
કહ્યું “ હા, સત્ય કી તલાશ મેં નિકલા હું, આજ રાત રહેને કો મિલે એસા કોઈ આશ્રમ
બતાવો “, એણે ઇશારાથી ગંગાનાં કિનારે પોતાની ઝૂંપડી બતાવી અને કહ્યું કે “ હમ રોજ વહા
રાત તક ભજન કરતે હે, આપ વહા આ સકતે હે “
પછી તો વાતો માં ને વાતો માં એને અડધા કલાકમાં
પોતાનો આખો ઈતિહાસ ખોલી નાખ્યો. તેના કહેવા મુજબ તે પંજાબમાં એક ક્રિમીનલ હતો,
તેણે ખૂબ ખરાબ કામ કરેલા અને અંતે અહી ઋષિકેશમાં આવીને બાવો બન્યો અને ગંગાનાં
કિનારે ૨-૪ બાવાઓ સાથે વર્ષોથી અહી રહે છે. એણે સામેની દુકાન તરફ હાથ ચીંધતા
કહ્યું “ એ મેરી બેઠક હે, ચલમ, ભંગ યા કુછ ભી પીને કા કાર્યક્રમ કરનાં હો તો યહાં
આ જાયેગા “ તે દુકાનમાં તેના ઘણા ભક્તો બેઠા હતા. પણ તેમાં મોટા ભાગના વિદેશીઓ હતા.
જેઓ અહી આવીને ચલમનો આનંદ લૂંટતા હતા.
ઋષિકેશની એક આશ્ચર્યજનક ખાસિયત એ હતી કે ત્યાના આશ્રમમાં
રહેનારા અને ફરનારા ૧૦ લોકો માંથી 8 તો વિદેશીઓ જ જોવા મળતા. બધા વિદેશીઓ યોગા
માટે અહી જ આવતા. મને તો એવું લાગતું હતું કે જાને હું કોઈ વિદેશમાં આવી ગયો હોય.
કેટલાય તો વળી હિન્દી પણ બોલતા હોય.
હિમાલયમાં દરેક ચલમધારી બાવાઓથી સાવધ રહેવું, તેઓનો સીધો
વિશ્વાસ ના કરવો એ પણ પણ હિમાલય યાત્રાનાં પુસ્તકોમાં વાંચેલું. એટલે આ પંજાબનાં
બાવા પર વિશ્વાસ કરવાનું મને કોઈ જ કારણ ન જણાયું. એટલે તેણે પ્રણામ કરી હું ગંગા
અને આશ્રમોની સાંકડી ગલીમાં રસ્તે આગળ વધ્યો.
ત્યાં કોઈ એક જગ્યાએ “અખંડ કૃષ્ણ ધૂન “ ચાલતી હતી. “ હરે
રામા, હરે ક્રિશ્ના “ એ સાદ સતાત ગુંજી રહ્યો હતો. હું એ સાદની દિશામાં આગળ વધ્યો
ને એ આશ્રમનાં પટાંગણમાં પહોચ્યો, અંદર જઈને જોયું તો મને આશ્યર્ચ થયું કે “ એ ધૂન
તો એક વિદેશી મહિલા ગવાડાવતી હતી. “ ને કેટલાય વિદેશીઓ અને સ્થાનિક લોકો અને
બાવોનું ટોળું તાબાલા, મંજીરાઓ વગાડતા વગાડતા તે
ધૂનનાં શબ્દોને ઝીલતું હતું.
હું પણ સંગીતની મહેફિલમાં જોડાયો. મંજીરા હાથમાં લઇ
સંગીતનાં તાલે તાલે હું પણ અડધો-પોણો કલાક હું ઝૂમ્યો. ત્યાં કોઈને હું બહારનો
લાગ્યો જ નહિ. હું તેઓમાંનો જ એક હતો.
પણ હજુ મારા રાત્રી રોકાણનું કાઈ ઠેકાણું પડ્યું ન હતું.
ત્યાં કોઈને પૂછતા જાણું કે “ પરમાર્થ નિકેતન આશ્રમ ખૂબ મોટો છે , ત્યાં રહેવા
માટે રૂમ મળી જ જાય “ એક આશાએ હું ત્યાં પણ ગયો, અંદર જઈ ત્યાના મેનેજમેન્ટ વાળાને
પણ મળ્યો પણ ફરી એજ વાત . “ કિતને આદમી હો ? અને મારો એ જ જવાબ “ અકેલા હી હું
શ્રીમાન “ અને ફરી જાકારો. “ અકેલે આદમી કો રૂમ નહિ દે સકતે “ મેં
તેઓની સામે ઘણી દલીલ કરી કે અહી શાંતિ અને સત્યની શોધમાં કોઈ આખા ફેમીલી સાથે થોડી
આવે ?? માણસ તો એકલો જ આવે ને ?? આટલો મોટો આશ્રમ પણ એક માણસને જગ્યા નાં આપી શકો
??? પણ તેઓએ મારી એક દલીલ નાં સાંભળી. અને
હું ફરી નિરાશ દુખી હૃદયે પાછો ફર્યો.
પાછા ફરતી વખતે પરમાર્થનાં દરવાજા પાસે કેટલાય સાધુઓનું
ટોળું ઉભું હતું, મેં તરત જ તમની પાસે જઈ મારી ભડાશ કાઢતા કહ્યું “ સ્વામીજી, એ
કેસી જગાહ હે ? મેં તો ક્યા ક્યા સોચ કે પઢ કે આયા થા, પર યહાં તો એક યુવા સન્યાસી
કો કોઈ રહનેકી જગાહ હી નહિ દેતા ? ઇસે
આધ્યાત્મ કહેતે હે ??
ત્યાં ઉભેલા એક સાધુએ તરત જ મને પૂછ્યું “ આપ કહા સે આયે હો
?”
“ અહેમદાબાદ સે “ મેં તરત જ જવાબ આપ્યો.
મારો જવાબ સંભાળતા જ એ સાધુ બોલી ઉઠ્યા “ અરે ભાઈ, અમે પણ
ગુજરાતી જ છીએ, અમે સ્વામિનારાયણ સાધુ છીએ અને અમારી અહી એક સભા છે એટલે અમે એક દિવસ માટે અહી આવ્યા છીએ “
હિન્દી માંથી અમે આમ તરત જ ગુજરાતી વાર્તાલાપ પર આવ્યા. મેં
કહ્યું “ હું પણ ૪ વર્ષ સ્વામિનારાયણ ગુરુકુળ માં ભણેલો છું “
તરત જ સાધુએ પૂછ્યું “ ક્યા ગુરુકુળ માં “
“જુનાગઢ ગુરુકુળ “ મેં જવાબ આપ્યો.
એ સાંભળતા જ એ ખુશી થી બોલી ઉઠ્યા “ અરે રે, એમે એ જ
ગુરુકુળની મુખ્ય શાખા રાજકોટનાં સાધુ છીએ “
“ આ તો અહી ઘરનાં જ ભેગા થઇ ગયા “ એક હરિભગત બોલી ઉઠ્યા.
અંતે એક સાધુએ કહ્યું
કે “ અત્યારે અમારે અહી એક સભા છે, તમે એક કામ કરો રૂમનાં મળે તો તમે આમારી
સાથે રહી શકો છો, હું હમણા એક માણસને મોકલું છું જે તમને અમારો ઉતારાનો રૂમ
બતાવશે.
એમ કહી તેઓ સભા તરફ જવા માટે ચાલી નીકળ્યા. હું પંદર મિનીટ
ત્યાં કોઈ આવે તેની પ્રતીક્ષા કરતો રહ્યો. પણ મનમાં એક વિચાર પણ આવ્યો કે “ નાં, આ
લોકો સાથે મારે નથી રહેવું, તેની સાથે કે તેના ભક્તો સાથે રહેવાનો કોઈ મતલબ નથી, એની
સાથે રહી મારે કોઈ એના નિયમોમાં પડવું નથી, મારે તો અહી બાવાઓનું અલગારી સન્યાસી
જીવન જીવવું છે.”
એટલે હું તરત જ પરમાર્થ નિકેતન આશ્રમ છોડી ત્યાંથી નીકળી ગયો.
પણ વળી કોઈને પૂછતા જણાયું કે આગળ એક સન્યાસશ્રમનાં બાવાઓના ઉતારામાં જતા રહો,
ત્યાં તમારું બિસ્તર લાગાવીને ધૂની ધખાવી શકાય. હું તો એ માટે તૈયાર જ હતો. હું
તરત જ ત્યાં પહોચ્યો. પણ ત્યાં કોઈ જ મેનેજમેન્ટનો માણસ નાં હતો. થોડી રાહ જોયા
બાદ એક દરવાણીએ આવીને કહ્યું “ મહાત્માજી આજ તો કોઈ જગા નહિ હે, આપ લક્ષ્મીનારાયણ
આશ્રમમેં ચાલે જાયીયે સાયદ વહા જગા મિલ જાયે “
ફરી એક નિરાશા. પેલી તારીખ પે તારીખ ની જેમ અહી હું આશ્રમ
પે આશ્રમ એમ સતત ભટકી રહ્યો હતો. આટલું વિશાળ ઋષિકેશ, આધ્યાત્મનું ધામ પણ રહેવાની
જગ્યા કોઈ આપતું ન હતું.
અંતે લક્ષ્મીનારાયણ આશ્રમમાં પણ ગયો. અંદર જતા જ સામે એક
કૃષ્ણનું મંદિર હતું. વાતાવરણ શાંત હતું. હું મંદિરનાં ગર્ભગૃહ સુધી ગયો. ત્યાં એક
પુજારી એક યજ્ઞ સળગાવી કોઈ પૂજા- વિધિ કરતો હતો. તેણે નમસ્કાર કરીને મેં કહ્યું “
શ્રીમાન મુજે એક દિન કે લિયે રહને કી જગાહ દે સકતે હો યહા ?
તેણે હકારમાં માથું ધુણાવતા કહ્યું “ જરા રુકીએ, મેં આતા
હું “
હું જરા વાર મંદિરમાં જ ઉભો રહ્યો, એ પૂજા છોડીને મારી પાસે
આવ્યો ને પૂછ્યું, “ મહાત્માજી કિતને આદમી હો ?”
ફરી મારો એ જ જવાબ “ મેં અકેલા હી હું “
“અકેલે આદમી કો તો રૂમ નહિ દે સકતે “ કહી તે ફરી પૂજા
સ્થાને જઈ ચડ્યો. મેં ફરી દલીલ કરી પણ એણે કઈ નાં સાંભળ્યું. મેં કૃષ્ણની મૂર્તિ
સામે જોઈ મનમાં કહ્યું “ ઢોંગ, ઢોંગ, આ પૂજાનો શું મતલબ ? તમે સત્યની શોધમાં
નીકળેલા એક સન્યાસીને આશ્રય ન આપો ને ખોટી ખોટી પૂજા કરો એનો શું મતલબ ? હે ઈશ્વર
આવા લોકોને સદબુદ્ધિ આપ “
મનમાં એક કાઠીયાવાડી દુહો પણ ગવાઈ ગયો “ કાઠીયાવાડમાં કોક
દી’ ભૂલો પદ ભગવાન, તું થા મારો મહેમાન, તને સ્વર્ગ રે ભુલાવું શામળા “ આના કરતા
તો મારું કાઠીયાવાડ રૂડું. અહી તો એક યુવા સન્યાસીની કોઈ ઈજ્જત જ નહિ ને.
પણ આવી રાત્રે હવે ક્યા જવું ? શું કરવું ?? સતત હજારો
વિચારો આવતા હતા.
પણ હું હંમેશા એક સિધ્ધાંત પર જીંદગી જીવ્યો છું કે “ બહુ
ચિંતા નાં કરાવી, દરેક વાતનું કૈક ને કૈક તો સોલ્યુશન હોય જ, કૈક તો રસ્તે નીકળે જ
“
ને આ રસ્તા કે ઓટલા પર સુઈ જવામાં તો કોઈ નાં નહિ કહે ને ??
હું તો એ માટે પણ તૈયાર જ હતો.............
( વધુ આવતા ભાગમાં..........)