પોળો ફોરેસ્ટ - વરસાદી મૌસમ નું એક અદભુત સ્થળ
પ્રકૃતિ અને મનુષ્યનો સબંધ સદીઓ જૂનો છે. પ્રકૃતિમાં માણસને તન -મનથી રીપેર કરવાની ક્ષમતા છે.....સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર પાસે આવેલ પોળો જંગલ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 15મી સદીમાં બનેલા ઐતિહાસિક જૈન મંદિરોનું સ્થાપત્ય, જંગલ, પહાડો, નદી, ધોધ અને ઉપરથી વરસાદ પછી કહેવું જ શું ???
GPSC ની પરીક્ષાઓ સુખરૂપ પૂર્ણ થઇ ચુકી હતી. હવે હતો આનંદનો ઉત્સવ. આ સમયે હું ગાંધીનગર રહેતો હતો. પોળો ફોરેસ્ટ આ પહેલા પણ જઈ આવેલ. પણ ચોમાસું ચાલી રહ્યું હતું એટલે જંગલનું આકર્ષણ મને ખેંચતું હતું...રવિવારે વહેલી સવારે અમે મારું એવેન્જર બાઈક લઈને પોળો જવા નીકળી પડ્યા. બાઈક રાઈડીંગ ઈ પણ અનેરો એક શોખ છે. રસ્તામાં આવતા ઈડરિયાગઢની પણ અમે મુલાકાત લીધી. આ સ્થળ પણ અદભુત છે. અને અંતે ધીમા ઝરમર વરસાદમાં અમે પોળો પહોંચી ગયા..
પોળો એ સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લી ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે. અહી પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદીરો મળી આવેલા છે. આ મંદીરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોળ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ 'પ્રવેશદ્વાર' થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે
આવા કોઈ પણ સ્થળ પર જઈને હું થોડી વાર આંખ બંધ કરીને ધ્યાન કરું જ...પ્રકૃતિ સાથે કનેક્ટ થવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે...
ધર્મ અને પ્રકૃતિનું મિલન એ આ સ્થળની આગવી વિશેષતા છે.
અહી મેં જોયું કે લોકો માત્ર પીકનીક સ્થળ માનીને અહી આવે અને નીચે જ ફોટોગ્રાફ્સ પડાવીને ચાલ્યા જાય...પણ સાચો આનંદ એ નથી....અહીનાં જંગલમાં ફરવું, પહાડો પર ચડવું અને ઝરણામાં નહાવું અને પછી શાંત છીતે બેસી રહેવું અને આત્માને રીચાર્જ કરવો એ સાચી રીત છે....
એક્સ્ટ્રા શોટ્સ -
કેવી રીતે પહોંચવું ? અમદાવાદ થી પોળોનું જંગલ ૧૫૦ કિમી અંતરે આવેલ છે...બસ પણ મળી રહે છે. બાઈક કે કાર દ્વારા પણ સરતાથી પહોંચી શકાય છે...
ક્યા રોકાવું ? જે લોકોએ ખરા અર્થમાં આનંદ લેવો હોય તેમણે અહી વનવિભાગ દ્વારા ઉભા કરેલા ટેન્ટ કે રૂમમાં રોકાણ કરવું જોઈએ. એ માટે હિમતનગર ખાતેથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે....