23 August, 2019

કિલેશ્વર - બરડાની ગોદમાં

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં પોરબંદર જિલ્લાની સરહદ ઉપર આવેલ બરડા ડુંગરમાં જામ રાજવીઓના વખતમાં કિલેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું હતું. અનામત વન વિસ્તાર જાહેર કરવામાં આવેલા આ વિસ્તારમાં આવેલું શિવાલય જામ શાસનની ભવ્યતાનું દર્શન કરાવે છે. શ્રાવણ માસમાં કિલેશ્વરના દર્શને ભાવિકોની ભીડ ઉમટી પડે છે.

ચોમાસામાં આ સ્થળની મુલાકાત લેવી  એ જીવનભરનો લહાવો છે. ચારેબાજુ બરડા ડુંગરની હારમાળા , ઉપરથી વરસતો ધીમો ધીમો વરસાદ અને જંગલની વનરાઈ,તમને જાણે કે ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવતા હોય તેમ લાગે. 


કિલેશ્વર તેના સુંદર મહાદેવ મંદિર માટે જાણીતું છે, જે જામનગરથી 50 કિલોમીટર દૂર બરડા ડુંગરમાં આવેલું છે. જામનગરના રાજવી શ્રી જામ સાહેબે કીલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કર્યું છે અને આ રીતે આ સ્થળનું નામ આપવામાં આવ્યું છે. તદનુસાર પૌરાણિક કથાઓ, પાંડવો આ સ્થળે તેમના અલગ સમય દરમિયાન રહ્યા હતા.



એક સમયે મંદિરનો ભાગ જર્જરિત થયો હોય ત્રિકાળજ્ઞાની સિધ્ધ પુરૂષ ત્રિકમજી મહારાજે જામ રણજીતસિંહજીને કિલેશ્વર મહાદેવ મંદિરનો થોડો ભાગ ખુલ્લો થઇ ગયો હોય તે અંગે રજૂઆત કર્યા બાદ જીર્ણોદ્ધાર જામ શત્રુશલ્યસિંહજીએ કરાવ્યો હતો.
૧૯૭૪માં ભયંકર વાવાઝોડું થયા બાદ બરડા ડુંગરમાં રહેતા લોકોને રોજીરોટી મળી રહે તે માટે જામ ધર્માદા સંસ્થા દ્વારા વિકાસ કાર્યો કરવામાં આવ્યા હતા. જે ૧૯૭૭માં પૂરા થયા બાદ પોરબંદરના રાજવી પરિવારનાં નટવરસિંહજીના હસ્તે જામસાહેબે કળશ ચડાવ્યો હતો.

એક્સ્ટ્રા શોટ્સ -

ક્યારે જવું ? કિલેશ્વરની પ્રકૃતિનો સાચો આનંદ માણવો હોય તો ચોમાસામાં આ સ્થળની મુલાકાત લેવી. ઝરણા, ધીમો વરસાદ અને લીલોતરીનો શણગાર અનુભવાય છે...

કેવી રીતે જવું ? કિલેશ્વર પોરબંદરથી ૪૫ કિમી અને ભાણવડથી ૨૦ કિમી અંતરે આવેલ છે...તે બરડા અભયારણ્યમાં અંદર આવેલ હોય આથી ખાનગી બસ/કાર દ્વારા જ મુલાકાત લેવી હિતાવહ છે...

ક્યાં રોકાવું  ? જનાગલ વિસ્અતાર હોવાથી અહી રોકાવા પર પ્રતિબંધ છે. નજીકના મુખ્ય સ્થળ ભાણવડ,પોરબંદર પર રોકાણ કરવું જોઈએ...

નોંધ - કિલેશ્વર બરડા અભયારણ્યનો હિસ્સો હોવાથી સાંજે ૬ વાગ્યા સુધી જ આ જગ્યા પર પ્રવેશ મળે છે એટલે શક્ય હોય તો સવારે  આ સ્થળની મુલાકાત લેવી.




13 August, 2019

માધવપુર ઘેડ -

માધવપુર નામ ખુબ સંભાળેલ, અને નાયબ કલેકટર તરીકે પોરબંદર ખાતે પોસ્ટીંગ થતા જ મેં પહેલું કામ માધવપુર ફરવાનું કરેલું...માધવપુર પોરબંદરથી ૬૦ કિમી જ થાય એટલે હું અને મારી પત્ની કાર લઈને એક દિવસ  અહી પહોંચી જ ગયા... અહીનો કોસ્ટલ હાઈવે પણ અદભુત છે....એક બાજુ રોડ અને એક બાજુ દરિયો...

માધવપુરમાં પ્રવેશતા જ જાણે કૃષ્ણ અહી હોવાની ઝાંખી સતત થયા કરે. આ એ જ જગ્યા કે જ્યાં કૃષ્ણ ઘણો સમય રહ્યા હશે, અહીના દરિયામાં એને પણ પગ પલાળ્યા હશે અને આજે હું એ જ દરિયાની લહેરોને સ્પર્શું છું...જાણે આ સ્પર્શ કૃષ્ણમય છે...એ મહાપુરુષને સુક્ષ્મરૂપે મળવાનો આ લ્હાવો છે...

આ એ જ જગ્યા કે જ્યાં કૃષ્ણ -રુકમણીનાં લગ્ન થયા હતા.દર વર્ષે કૃષ્ણનાં લગ્નની યાદમાં  ૫ દિવસ સુધી અદભૂત મેળો ભરાય છે

મેળાની ઐતિહાસિક કથા - 

માધવપુર ઘેડમાં ભરાતા મેળાની કથા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી નાં લગ્ન પ્રંસંગની સાથે જોડાયેલ છે. પુરાણ કથા મુજબ વિદર્ભનાં રાજકુંવરી રૂક્ષ્મણીનું ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિ નાં દિવસે ભરાતા ભવનાથનો મેળા માંથી અપહરણ કરીને શ્રીકૃષ્ણ માધવપુર લઈ આવેલ. ત્યારબાદ અહીં માધવપુરમાં તેમના લગ્ન થયા હતાં. ત્યાર પછીથી તેમની યાદમાં દરવર્ષે અહીં ભારતીય શાસ્ત્રોકત વિધીથી લગ્નની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. આ લગ્નમાં દેશવિદેશથી દરેક જ્ઞાતિનાં લોકો જોડાય છે, જેથી અલગ અલગ ક્ષેત્રનાં લોકો આ મેળામાં આવતાં હોવાથી દરેક પ્રદેશનાં પોશાકો, ભાષા, રિતરીવાજ તેમજ કૌશલ્ય જોવા મળે છે. 


અહીનો દરિયા કિનારો ખૂબ જ સ્વચ્છ અને સુંદર છે. સળંગ ૧.૫ કી.મી. સુધીના મુખ્ય હાઈવેને પેરેલલ દરિયો છે. અહી સરકાર દ્વારા દર વર્ષે બીચ ફેસ્ટીવલનું પણ ભવ્ય આયોજન થાય છે. 

આ વિસ્તાર ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છ, કારણકે તે ખૂબ નીચાણવાળો વિસ્તાર છે. સૌરાષ્ટ્રની ઘણી બધી નદીઓ આ વિસ્તારમાં થઈને દરિયામાં વહી જાય છે. ચોમાસા દરમ્યાન તો આખો ઘેડ વિસ્તાર કેટલાય દિવસો સુધી પાણીથી ભરાઈને બેટનું રૂપ ધારાણ કરી લે છે. 

માધવપુરમાં ઓશો આશ્રમ પણ આવેલ છે. જે તેનું બીજું આકર્ષણ છે. સ્વામી બ્રહ્મવેદાંતજી ઓશોના શિષ્ય હતા જે હાલ લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે.  લોકો દૂર દૂર થી આવી અને  આશ્રમમાં રહીને આધ્યાત્મિક સાધના કરત હોય છે. 

અને થોડે ૭-૮ કિમી મોચા નામનું ગામ છે. જ્યાં હનુમાનજીનું પ્રખ્યાત મંદિર આવેલ છે. ફ્રાંસની એક મહિલા અહી ૪૦ વર્ષ પહેલા અહી આવીને વસેલી અને આધ્યાત્મિક સાધનામાં ડૂબેલી રહેતી. અને આજે પણ માતાજીના નામથી તે પ્રખ્યાત છે અને દુખી દર્દીઓની સેવા કરે છે. આશ્ચર્યતો એ  છે કે તે  વિદેશી હોવા છતાં મસ્ત કાઠિયાવાડી બોલી બોલે છે......એમને જોતા મને  પરબમાં રક્તપીતીયાની સેવા કરતા  અમરમાં  અને  મધર ટેરેસા યાદ આવી ગયેલા...માતાજીને નમન હો.....

માધવપુર ગામ પોરબંદરથી આશરે ૬૦ કિમી જેટલું દૂર છે. એક દિવસમાં ત્યાં જઈને સારો એવો લ્હાવો માણી  શકાય છે. પોરબંદરથી માધવપુરની પટ્ટી વાળો રોડ મુસાફર માટે ખૂબ આનંદદાયક છે. રસ્તામાં અન્ય નાના મોટા જોવા લાયાક સ્થળો પણ આવે છે....

પોરબંદર કે માંગરોળ આવ્યા હોય તો અચૂક જોવા જેવું સ્થળ......કદાચ કૃષ્ણ કોઈ રૂપે મળી પણ જાય.....

- વિવેક ટાંક 
એકસ્ટ્રા શોટ્સ -                                                                                                                                                                                                                                                                        
કેવી રીતે પહોચવું  ? પોરબંદર થી ૬૦ કિમી અંતરે નેશનલ હાઈવે પર  છે. આથી બસ/કાર દ્વારા સરળતાથી પહોંચી શકાય છે.... 
ક્યા રોકાવું ? અહી દરિયા કિનારે તોરણ હોટેલ આવેલ છે.. ઉપરાંત ગામમાં સ્થાનિક મધુવન હોટેલ છે. બન્ને જગ્યા પર રહેવા જમવાની ઉતમ સુવિધા ઉપલબ્ધ છે...ઓશો આશ્રમમાં પણ રોકાઈ શકાય છે... 

અન્ય માહિતી - છેલ્લા 3 વર્ષથી માધુપુરમાં રાષ્ટ્રીય કક્ષાનો મેળો યોજાય છે...તેમાં સમગ્ર દેશના અને રાજ્યના વિવિધ કલાકારો રોજ સાંજે પરફોર્મન્સ આપે છે. આમ માધવપુર નવું ઉભરાતું પ્રવાસન સ્થળ છે...