20 June, 2019

મારી અલગારી હિમાલય યાત્રા - 6







લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારીએ હું એકલો હોવાના કારણે મને રહેવા રૂમ ન આપ્યો. અંતે નિરાશા સાથે ત્યાંથી નિકળતો હતો. ત્યાં દરવાજા નજીક રહેલી પાણીની પરબ પાસે એક બાવો પાણી પીતો હતો.

હું તેની પાસે ગયો અને મેં સમગ્ર ઘટના વિશે વાત કરતાં કહ્યું કે અહીં રહેવા માટે કોઈ  આશ્રમમાં રૂમ કેમ નથી આપતું?” એ હસવા માંડ્યો.

આપ કહાં સે હો?” એણે પુછ્યું.


ગુજરાત સે મેં જવાબ આપ્યો.
મોદી કે ગુજરાત સે- વાહ ક્યા બાત હૈ....

એમ કહી તે મને મંદિરની બહારના પગથિયા પાસે લઈ ગયો. અમે બંને ત્યાં બેઠા. પછી તો તેણે આખી કથા શરૂ કરી, પહેલા ઋષિકેશ કેવું હતુ. પોતે કોણ હતો. હવે શું-શું થઈ રહ્યુ છે. પણ તેની ભાષા એકદમ ઉગ્ર અને અશ્લીલ હતી. દરેક વાતમાં તે પોતાની મૂછો પર તાવ દેતો અને એટલો ઉગ્ર બોલતો કે વાત કરતાં કરતાં તમને લાગે કે એ તમને પણ એ તમાચા મારી લેશે. શરૂઆતમાં મને જરા ડર લાગેલ. પણ મારે શું  ગુમાવવાનું હતુ?

મંદિરના પૂજારીને પણ તેણે ગાળો દિધી. હું તેની પાસે પોણી કલાક બેઠો અને તેની તમામ ભડાશ સાંભળી. ત્યારપછી ત્યાંથી વિદાઈ લઈ હું બીજા આશ્રમ તરફ આગળ વધ્યો. સાવ છેલ્લા આશ્રમે ગયો પણ ત્યાં પણ જગ્યા મળી નહીં. ત્યાંથી પાછો ફરી રામ ઝુલા તરફ આવતા એક દુકાન પાસે બીજો એક બાવો મળ્યો. મેં તેને રહેવા માટે પુછ્યુ. તેણે મને એક-બે આશ્રમના નામ આપ્યા કે ત્યાં બાવા-સાધુઓને રહેવા માટે જ છે. ત્યાં જઈ ચાદર પાથરી સુઈ જજો

થોડી-ઘણી ચર્ચા બાદ અમે એકબીજાનો પરિચય કર્યો. હું એક યુવા સંન્યાસી છું એમ જ મેં કહ્યુ. તે પોતે પંજાબનો એક ક્રિમીનલ હતો. અને બાદમાં આહીં આવી સાધુ બન્યો એ વિશે તેણે જણાવ્યું. પણ તે નશામાં હોય તેવું મને જણાતું હતુ. તેણે મને ચલમની ઓફર પણ કરી. પણ હું તેમાં ક્યાંય પડ્યો નહીં. તેણે દુર ગંગાના કિનારે પોતાની ઝુંપડી તરફ હાથનો ઈશારો કરી કહ્યુ કે અમે ત્યાં રહીએ છીએ. એવું હોય તો ત્યાં આવજો. રહેવાનું કંઈક કરીશું. પણ આવા નશાખોર બાવાઓનો ભરોસો શુ? એટલે તેમની સાથે રહેવાનો કોઈ મતલબ ન હતો. મારે તો તેમની સાથેની ચર્ચાથી અહીંના બાવાઓની માનસિકતા જાણવી હતી.

બાજુની દુકાનના પટાંગણમાં 10-12 વિદેશી પુરૂષો, મહિલાઓ અને બે-ત્રણ બાવાઓ ચલમ ફૂંકતા ફૂંકતા ચર્ચાઓ કરતાં હતાં આ બધું અજબ દ્રશ્ય હતુ. હું સતત વિચારતો હતો કે આ વિદેશીઓ આવા કેટલાય બાવાઓની ચુંગાલમાં ફસાઈ જતાં હશે અને તેઓ આવા લોકોની ઢોંગી વાતો, ચમત્કારની કહાનીઓને અધ્યાત્મ માની લેતા હશે.

આ બધું જોતા જોતા હું એવા આશ્રમે પહોચ્યો જ્યાં ભારતભરના બાવાઓ આવી, ચાદર પાથરી પડ્યા રહેતા. હું તો ત્યાં પણ સૂવા તૈયાર હતો પણ આશ્રમનો મુખ્ય સંચાલક બહાર ગયો હતો. મેં અડધી કલાક રાહ જોઈ. બાદમાં તે આવ્યો પણ ખરા પણ આશ્રમ ફુલ છે તેવું જણાવ્યુ ને, મારે ત્યાંથી પણ નિકળી જવું પડ્યું હતુ.

અંતે કંટાળીને હું 15 મિનીટ ગંગાના પગથિયે બેસીને નદીના પાણીને જોતો રહ્યો. હવે ક્યાં જવું?
 રાત ક્યાં રહેવું? હું સંન્યાસીના વેશમાં જ રૂમમાં રહેવાનો આગ્રહી હતો. 


અંતે ત્યાં ચા પીતા-પીતા એક માણસે કહ્યુ બાબાજી, આપ લક્ષ્મણ ઝુલા ચલે જાઈએ, વહાં કોઈ ખાલી આશ્રમ જરૂર મીલ જાયેગા

વળી હું ત્યાંથી ચાલતા-ચાલતા 3 કિમી દુર લક્ષ્મણ ઝુલા જવા નીકળ્યો. રસ્તામાં આવતા 2-3 આશ્રમમાં તપાસ કરી. પણ એ જ નિરાશા, એક આશ્રમ વાળાએ તો કહ્યુ કે તમે તમારૂ નામ, એડ્રેસ વગેરે ચિઠ્ઠીમાં લખી દો. અમે તમારા ઘરે પત્ર મોકલીશું તે પરવાનગી આપે તો જ અમે તમને રહેવા દઈએ. મારો તો મગજ હટી ગયો. ક્યારે તમે પત્ર મોકલો, ક્યારે પહોચે અને ક્યારે ત્યાંથી પરવાનગી મળે. ત્યાં સુધીમાં તો હું આખો હિમાલય ફરી લઉં.

મેં તેમને સમજાવ્યા કે મારે તો માત્ર 1-2 દિવસ જ રહેવું છે. પણ મારી એક પણ વાત ન સાંભળી અને મને રહેવાની જગ્યા આપવાની ના પાડી દિધી. હું ત્યાંથી નિકળી લક્ષ્મણ ઝુલાના રસ્તે આગળ વધ્યો. ઘનઘોર અંધારૂ, ઠંડી અને હું એકલો. ફરી એ જ રવિન્દ્રનાથ ટાગોરનું ગીત એકલા ચલો, એકલા ચાલો મનમાં ગુંજ્યા કરે. ને હું એકલો ચાલતો રહ્યો. 

લક્ષ્મણઝુલા પહોચતાં ખુબ મોડુ થઈ ગયેલુ. બધા આશ્રમો બંધ થઈ ચૂક્યા હતા. હવે તો રસ્તાના કિનારે કોઈ ઝાડ નીચે સારી જગ્યા જોઈ સુઈ જવા સિવાય કોઈ વિકલ્પ હતો જ નહીં. પણ ત્યાં જ હું એક ગલીમાંથી પસાર થતો હતો ત્યાં એક ગેસ્ટ હાઉસ બંધ થઈ રહ્યુ હતુ. એક આશાનું કિરણ દેખાયુ મને. હું ત્યાં પહોચ્યો ને પુછ્યુ એક રાત કે લીયે રૂમ મિલેગા?
ત્યાં રહેલા 20 વર્ષના છોકરાએ કહ્યુ, હા બાબાજી એક રૂમ હે મને ખુશી થઈ. ચલો હવે મેળ પડશે.
હજુ હું ભાવ વિશે કંઈ પુછવા જાવ તે પહેલા જ પેલાએ કહ્યુ બાબા આપકે પાસ કિતને પૈસે હે?
મેં કહ્યુ, " સો રુપયે " 
પેલાએ કહ્યુ, કોઈ બાત નહીં બાબાજી ચલેગા
અને એણે મને સો રૂપિયામાં રૂમ આપી દિધો. એના મતે હું એક યુવા સંન્યાસી જ હતો. અંતે રાત્રે 1 વાગ્યે મને રૂમ મળ્યો. રૂમમાં પહોચીને મને સમજાયું કે પુસ્તકોમાં જે વર્ણન છે તે અને અહીંની વાસ્તવિક સ્થિતિ સાવ અલગ છે. એક રૂમ મેળવવા માટે સાંજથી હું ભટકતો હતો ત્યારે રાત્રે એક વાગ્યે રૂમ મળ્યો। પણ છતાં મને આનંદ હતો. હું સન્યાંસીના વેશમાં મારી દુનિયાથી સાવ અલગ હતો.

(વધુ આવતા અંકે)

04 June, 2019

નંદીગ્રામ- (ધરમપુર)

નંદીગ્રામ-

આજે પણ આધ્યાત્મિક લોકો જીવતા જાગતા જોવા મળે છે, એનો વધુ એક પુરાવો એટલે " સાત પગલા આકાશમાં " નાં લેખિકા કુન્દનિકાબેન કાપડિયા. એક સરળ નિખાલસ આધ્યાત્મિક વ્યક્તિત્વ...
વર્ષો પહેલા મકરંદ દવેએ વલસાડ પાસેના આદિવાસીઓ માટે આ નંદીગ્રામ સંસ્થા ઉભી કરેલી. અને ધીરે ધીરે તે સરસ આધ્યાત્મિક સ્થળ બની ગયું.
અજંતા-ઈલોરાની યાત્રા વખતે દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમ્યાન આ સ્થળની મુલાકાત લીધી. કદી સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે કુન્દનિકાબેન સાથે આટલી સરસ મુલાકાત થશે...

ધારાપુર જતા અમે નંદીગ્રામ અશર્મ પર અમારી કાર ઉભી રાખી. આજુ બાજુ નજર કરી તો  એક સાધક આવ્યા અને અમને આખું નંદીગ્રામ બતાવ્યું. એક એક જગ્યા વિષે જાણકારી આપી બાદમાં અમે આશ્રમમાં એક જગ્યા બેસીને શાંતિનો અનુભવ કરી રહ્યા હતા.

કુન્પદનિકાબેન કાપડીયા ભોજનશાળામાં ભોજન લઇ રહ્યા હતા એટલે  અમે તેની રાહ જોઇને ભોજનશાળાની બહાર ઉભા હતા, એમનું જમવાનું પૂરું થયું અને એ તેના ઓરડા  તરફ જતા હતા અને મે તો એમ જ એમની સાથે થોડી આધ્યાત્મિક વાતો  કરી અને પછી એમને પણ આધ્યાત્મિક વાતોનો આનંદ આવ્યો અને અમને તેમના ઓરડા તરફ આવવા કહ્યું. અમે ત્પયાં જઈને બેઠા અને પછી તો આધ્યાત્મિકસંવાદનો ઘણો દોર ચાલ્યો. એમણે મારી ઘણી આધ્યાત્મિક શંકાનાં સમાધાન કર્યા.  અને કહ્યું કે તમને  સમય આવ્યે આધ્યાત્મમાં યોગ્ય  દિશા જરૂર મળશે....
અંતે ખુશ થઈને તેમણે મને એક અપ્રાપ્ય બૂકની બચેલી છેલી કોપી જાતે ઘરમાં શોધીને ભેંટમાં આપી અને તેમાં "આધ્યાત્મના અનંત યાત્રીને ભેંટ" એવું લખી પોતાના હસ્તાક્ષર કર્યા. આ એક  અદભુત ક્ષણ  હતી.....

તેમના પતિ સાહિત્યકાર મકરંદ દવે પણ બહુ મોટી આધ્યાત્મિક વિભૂતિ હતા.રામકૃષ્ણ  પરમહંસનો અવતાર મનાતા  ગોંડલનાં નાથાલાલ જોશી સાથે તેઓએ ઘણા વર્ષો રહીને આધ્યાત્મ સાધના કરેલી...
@ Nandigraam ( Dharampur - Valsad )


એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે જવું ? વલસાડ થી ધરમપુર જતા ( ૨૭ કિમી )  રસ્તામાં જ નંદીગ્રામ આશ્રમ આવેલ છે....બસ/કાર દ્વારા સરળતાથી પહોંચી શકાય છે.

ક્યારે જવું ? કોઈ પણ સમયે આ આધ્યાત્મિક સ્થળની મુલાકાત લઇ શકાય છે..ધરમપુરની મુલાકાત દરમ્યાન સાથે જ  મુલાકાત લઇ શકાય...

અન્ય માહિતી - આધ્યાત્મિક સાધના માટે નંદીગ્રામમાં જ રોકાઈને સાધના કરી શકાય છે....