26 February, 2020

ગીર....ગાંડી ગીર.....ખમ્મા ગીરને.....


ગીર....ગાંડી ગીર.....ખમ્મા ગીરને.....
મારો જન્મ ગિરનારભૂમિ જૂનાગઢમાં થયેલ પણ ઉછેર ગીરમાં થયેલ.....પપ્પા ગીરના તુલસીશ્યામ પાસેના ટીમ્બરવા નેસ (નાની વસાહત ) માં શિક્ષક હતા.... આ નેસમાં માત્ર -૧૫૦ લોકોની વસતી હતી. હું  નાનો હતો ત્યારે ગીરના જંગલમાં ત્યાંના માલધારી છોકરા ભેગો રખડતો, બોર વિણતો, લાકડા કાપવા જતો.....
નેસમાં વચ્ચે 2 રૂમની એક શાળા અને સામે 1 રૂમ એ અમારું ઘર. બંને વચ્ચે એક મેદાન અને ફરતે જંગલ અને ઘરની પાછળ રાવલ નદી.....વનરાજને નજરે જોયાંના ઘણા દાખલાઓ....ત્યારે બાળ માનસમાં ગીરની એટલી વેલ્યુ ન હતી. કારણ કે અમારે મન ગીર એટલે અમારું ઘર જ.....
રાત્રે 7 વાગ્યે ફોરેસ્ટનું નાકુ બંધ થઈ જતું....અને વનરાજની રાત શરૂ થતી...એવા ઘણા પ્રસંગો સ્મૃતિમાં છે જેમાં સિંહ અમારી શાળા અને ઘર વચ્ચેના મેદાનમાં બેઠા હોય....વહેલી સવારે તો કેટલાય લોકો પપ્પાને કહેવા આવતા કે સાહેબ પાછળ નદીમાં સિંહ ભેંસનું મારણ કરી રહ્યો છે...ને અમે આખો કાફલા સાથે પાછળ ઝાડીઓમાં પહોંચી જતા, ને અદભુત દ્રશ્યને આંખ રૂપી કેમેરામાં કેદ કરી લેતા...
પણ ત્યારે ડર ના હતો....એ એકદમ સ્વાભાવિક હતું.......

અમારી બાજુમાં જ ફોરેસ્ટના ક્વાર્ટર હતા. તે લોકો સાથે અમે ઘણી વાર જંગલમાં રાત્રે ગયેલ છીએ.એ  સ્મૃતિમાં હજુ પડ્યું છે...
અદભૂત ગીરની એની વાતો....સ્મૃતિ પટ પર હજુ એ કંડારાયેલ છે.....
વર્ષો બાદ આજે એ રસ્તાઓ ફરી  ખૂંદયા તો મન ભૂતકાળમાં ડોકિયું કરી આવ્યું...વાહ ગીર વાહ....તારા કારણે જ મારામાં ખુમારી આવી છે...


                                    " સોરઠ ધરા જગ જૂની, ગઢ જૂનો ગિરનાર
                                સાવજડા જેના સેંજળ પીએ, એના નમણાં નર ને નાર "

એક્સ્ટ્રા શોટ્સ -

# ગીરમાં જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લાના ઘણા વિસ્તારનો સમાવેશ થાય છે...ખાસ કરીને લોકો સાસણ, કનકાઈ, તાલાલા, ગઢડા તથા ધારી-તુલાશીશ્યામ વચ્ચેની રેંજનાં ગીરના જંગલોની મુલાકાત લેતા હોય છે...

ક્યારે જવું ? - સમાન્ય રીતે ગીરમાં કોઈ પણ સીઝનમાં જઈ શકાય. સામાન્ય રીતે ગીરઈ સુકા પાનખર જંગલ છે...એટલે વનની લીલોતરીનો અદભુત અનુભવ કરવો હોય તો ચોમાસામાં મુલાકાત લઇ શકાય....પણ ગીરનાં ઘણા સ્થળોમાં પાણી ભરેલા હોય છે આથી સાવચેતી રાખીને ભારે  વરસાદના સમયમાં જવાનું ટાળવું...

ક્યા રોકાવું ? - ગીરનાં જંગલોની આસપાસના મુખ્ય સ્થળો પર હોટલ હોય જ છે...એટલે રહેવાની કોઈ તકલીફ પડે તેવું હોતું નથી.....પણ જંગલમાં ૮ વાગ્યા પછી રોકાવા પર પ્રતિબંધ હોય છે....

અન્ય શું કરવું ? - ગીરની સાચી સંસ્કૃતિ અને લોકોને જાણવા હોય તો તેના નેસની અચૂક મુલાકાત લેવી....ધ્રુવ ભટ્ટ રચિત "અકૂપાર"  ગીર પર લખયેલ સરસ નવલકથા છે....








No comments:

Post a Comment