જૂન, ૧૯૬૫, ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ જોરશોરમાં ચાલી રહ્યું હતું.
વડાપ્રધાન શાસ્ત્રીજીના કહેવાથી ભારતની આર્મી ઘુસણખોરી કરીને છેક લાહોર સુધી પહોચી
ગઈ હતી. રાતો રાત આખો દેશ ગર્વ અને ખુશીની લહેરમાં નાચી રહ્યો હતો.
ગામે ગામના બાળકો, યુવાનો, ખેડૂતો “ ભારત ઝીન્દાબાદ, ભારત અમર રહો “ “ જય
જવાન, જય કિસાન “નાં નારા લગાડતા હતા. યુદ્ધ શા માટે થઇ રહ્યું છે એ ગામના લોકોને ખાસ ખબર ન હતી, પણ ભારત જીતી રહ્યું છે
એ એક એક માણસ રેડિયોથી સંભાળતો હતો.
આ જ ખુશીના માહોલમાં, જૂનાગઢ જિલ્લાના એક નાનકડા ગામ – પીપલાણા માં ગરીબ, અભણ
ખેડૂત કડવાભાઈના પત્ની કેસરબેન એક બાળકને જન્મ આપવાના હતા. અચાનક જ તેને પ્રસુતિ
વેદના થઇ, આ પાંચમી સુવાવડ જીવલેણ સાબિત થતી હોય એમ સુયાણીઓને લાગતું હતું, બાળક
ક્યાય મરી તો નહિ જાય ને ? ઘણો સમય થયો પણ કોઈ જ સફળતા મળતી ન હતી. ગામના પ્રખ્યાત
સુયાણી કાંતાબેન આજે જ પોતાની દીકરીના ઘેર બીજે ગામ ગયેલા. બાળકને દુનિયામાં લાવવા
માટે અન્ય સ્ત્રી સુયાણીઓ દ્વારા એક
સંઘર્ષ ખેલાતો હતો. આ જ સમયે રેડીયોમાં શાસ્ત્રીજીનું ભાષણ આવતું હતું “ આપણે પાકિસ્તાન ને હરાવી દીધું છે, ભારાતની આ
ભવ્ય આજની જયંતિ (વિજય )તમામ રાષ્ટ્રવાસીઓને સમર્પિત.”
અને એક સુયાણીએ ફળીયામાં દોડતા બહાર આવી
કડવાભાઈ અને પાડોશના પુરુષોને સમાચાર આપ્યા કે “ પુત્રનો જન્મ થયો છે. બાળક
અને કેસરબેન સહી સલામત છે “. એક બાજુ ભારતનો યુદ્ધમાં ભવ્ય વિજય થયો. અને બીજી
બાજુ બાળકનો આ દુનિયામાં સફળ રીતે આવવામાં. અંતે વિજય પરથી બાળકનું નામ પાડવામાં
આવ્યું – જયંતિ. પણ ગામમાં એ “ જેન્તી “ નાં નામથી જ ઓળખાવા લાગેલ.
સંઘર્ષ અને શિક્ષણ -
ગરીબ ખેડૂત દંપતીનું આ પાંચમું સંતાન હતું. ત્રણ પુત્ર અને ૨ મોટી પુત્રીઓ માં જયંતિ સૌથી નાનો હતો.
પણ ગરીબ માં-બાપ માટે ઘરનું ગુજરાન ચલાવાવું ખુબ જ મુશ્કેલ હતું. પિતા કડવાભાઇની
તબિયત પણ ખાસ સાથ આપી રહી ન હતી. ગામમાં મજૂરીના દામ પણ ખાસ ન હતા એટલે ઘરના તમામ
લોકો ખેતીકામ અને મજુરીકામ કરે. પરિણામે કોઈ જ સંતાન ભણી શક્યું ન હતું. બધા લોકો
કાળી મજુરી કરે. પણ જયંતિમાં નાનપણથી જ ભણવાની, નવું નવું શીખવાની અજબની લગની
રહેતી. પણ જો એ ભણવા બેસી જાય તો બધા મજુરી પર જાય તો ઘર કોણ સંભાળે ? ભેંસોને
પાણી પીવડાવવા કે નવડાવવા કોણ લઇ જાય ? આટલા નાના બાળકને પણ ઘણી જવાબદારી સોંપી
દેવાય હતી.
આ બધું જ હોવા છતાં, ગામના મગનમાસ્તરે આ બાળકનું નૂર પારખી લીધું અને તેના
સહકારથી જ જયંતિએ ભણવાનું ચાલુ કર્યું. પણ નિશાળેથી છુટ્યા બાદ તે પોતાને
સોંપાયેલું કામ બમણા વેગથી કરીને, ભણતર અને કામ બંને વચ્ચે સમતોલન રાખી લેતો.
પણ એના ભણવાનો ખર્ચ ઘરને કેમ પોસાય ? બીજા ભાઈઓ જુઓ કે અમે મજુરી કરીએ અને
નાનો તો નિશાળે જલસા કરે. એટલે જયંતિએ ભણવાનો તમામ ખર્ચ જાતે જ કાઢવાનો નિર્ધાર
કરેલ, આથી નિશાળેથી છુટ્યા પછી તે આખા ગામમાં ફરી ફરીને શાકભાજી વેંચે, બાજુના
ગામમાં પોતાની ભેંસોનું ઘી વેંચવા જાય અને ઘરની પાસે નાની દુકાન જેવું બનાવીને
સાંજે તે દુકાન ચલાવે અને સાથે પોતાનું ભણવાનું પણ કરે. રોજ સવારે વહેલો ઉઠીને
ભેંસને દોહીને તેના તાજા દૂધમાંથી ચા બનાવીને ગામના પાદરમાં રાત રોકાયેલી બસના
ડ્રાઈવર-કંડક્તર અને મુસાફરોને ચા વેંચવા પણ જયંતિ પહોચી જતો. આમાંથી તેને જે પૈસા
મળતા તે ઘર ખર્ચ, અને તેના પિતાની બીમારી માટે વાપરી શકાતા. અને ભાઈઓનાં પૈસાથી ઘર
ચાલતું અને દેવું ચૂકવાતું .
એક ગરીબ પરિવારના બાળકના શિક્ષણના
સંઘર્ષની આ પહેલી કથા હતી. પણ ઈશ્વર હજુ ઘણી આકરી પરીક્ષા લેવો બેઠો હતો.
મહાઅકસ્માત –
દર વર્ષે શાળાના વેકેશનમાં શેરડીની મોસમમાં જયંતિ શેરડીના ખેતરોના કારખાનામાં
કામે જતો. તેજીના કારણે તેમાંથી સારી એવી મજૂરી મળી રહેતી. અને ભણેલા ગણેલા
જયંતિનાં પરોપકારી સ્વભાવથી માલિકોને પણ તેના
કામનો સંતોષ થતો.
ધો.૭ નાં વેકેશન વખતે તો શેરડીમાં ખૂબ તેજી હતી. કારખાનાઓમાં શેરડીમાંથી રસ
કાઢવાના સીન્ચોડા ( રસ કાઢવાનું ફરતા પૈડા વાળું મશીન ) રાત દિવસ ચાલતા. જયંતિ પણ
આ વર્ષે અહી જ સીન્ચોડાના મુખ્ય મજુરને શેરડીઓ આપતો જાય અને પીસાયેલી શેરડીઓ અલગ
કરતો જાય. પણ એક દિવસ બપોરે સીન્ચોડામાં શેરડી પિલાતા મુખ્ય મજુરની થોડી તબિયત
બગડી, એટલે જયંતિએ તેને આરામ કરાવનું કહ્યું અને પોતે જ થોડો સમય શેરડીઓ પીલી આપશે
તેવું મજૂરને આશ્વાસન આપ્યું. હવે ૧૩
વર્ષનો આ બાળક શેરડીના મશીનમાં એક એક શેરડીઓ નાખીને પીલી રહ્યો હતો પણ આ ઘટના, આ
ઉપકાર જિંદગીની સૌથી ગોઝારી ઘટના બનવા જઈ રહી હતી. ૧૩ વર્ષના જયંતિનો જમણો હાથ શેરડીઓની સાથે સાથે
પેલા તીક્ષ્ણ દાંતાવાળા મશીનમાં ખેંચાઈ ગયો. ક્ષણભરમાં જ શેરડીના છોતાની જેમ જમણો હાથ
છુંદાઈ ગયો. મશીન રસથી નહિ પણ લોહીથી ઉભરાઈ પડ્યું. જયંતિની કરુણ ચીસો સાંભળી બધા
મજૂરો દોડી આવ્યા. મશીન બંધ થઇ ગયું હતું, પણ જયંતિની ધડકનો હજુ ચાલુ હતી. આંગળા
અને હાથના એક એક હાડકાનો ભૂકો થઇ ચુક્યો હતો.
તાત્કાલિક જ બાજુના શહેરની હોસ્પીટલમાં તેને દાખલ કરવામાં આવ્યો. ડોક્ટરોએ
ઓપરેશન તો કર્યું પણ જણાવ્યું કે બચેલો જમણો હાથ કાપવો પડશે, નહીતો ભવિષ્યમાં
ચેપના કારણે ખતરો થઇ શકે છે. આટલો મોટો નિર્ણય લેવા માટે તેના ઘર વાળા હાજર હોય તો
સારું એવું સમજી મજૂરો અને માલિકે જયંતિના
ઘરે આ બનાવની જાણ કરી, સમાચાર સાંભળતા જ માતા-પિતા દર્દ સાથે તરત જ હોસ્પિટલ પર દોડી આવ્યા.
માતા કેસરબેન તો રડી રડીને અડધા થઇ ગયા. “ સાહેબ, મારા છોકરાનો હાથ સાજો કરી
આપો, હું મારી બધી ભેંસો, ખેતર બધું વેંચીને તમને પાઈ પાઈ ચૂકવી આપીશ, પણ જયંતિને
સાજો કરો...સાહેબ.....” આ રુદનનાં
આક્રંદથી હોસ્પિટલ ગાજી ઉઠતી હતી.
આ એક મમતાની કરુણ પુકાર હતી. કડવાભાઈ, ગામજનો અને મજૂરો કેસરબેન ને સંભાળી રહ્યા
હતા. પણ શોકમાં તો તે પોતે પણ બધા ભગ્ન હતા...
કડવાભાઇએ જયંતિનો હાથ કાપવાની પરવાનગી આપી. અંતે હસતો, રમતો, ૧૩ વર્ષનો
સંઘર્શક જયંતિ એક અપંગ બની ચુક્યો હતો. તેણે હમેશ માટે પોતાનો જમણો હાથ ગુમાવી
દીધો હતો.
જયંતિની સાચી તાકાત હતી તેનુ ભણતર, તેની કલમ. પણ આ તાકાતને ઉજાગર કરતો જમણો
હાથ હવે ક્યા હતો ?? હવે લખવું કેમ ? ભણવું કેમ ? ભણવાનો ખર્ચ કાઢવો કેમ ?
બીજું બાજુ ભાઈ-બહેનોના લગ્નનો ખર્ચ,
પિતાની માંદગી. લીધેલા દેવાનું ચુકાવાવનું વ્યાજ. એક સાંધો ત્યાં તેર તૂટે એવી ગરીબ
સ્થિતિ. કારખાનાનાં માલિક તરફથી જયંતિને વળતર રૂપે મળેલા પાંચ-સાત હજાર રૂપિયા જયંતિએ પોતે ન રાખતા
ભાઈઓને લગ્ન ખર્ચ માટે આપી દીધા. પણ લગ્નબાદ ભાઈઓ તો માતા-પિતાથી અલગ થઇ ગયા, હવે
ઘરની તમામ જવાબદારી પિતા અને જયંતિ પર હતી.
હવે તેણે ભણવાનું છોડી દીધું. મગન માસ્તરે ઘણું સમજાવ્યું પણ જયંતિ હવે ભણવા
તૈયાર ન હતો.દુખ અને હતાશા માણસ પાસેથી ઘણું છીનવી લે છે એ આ હકીકત સમજાવતી હતી. હવે તો ૩ સભ્યોના ઘરનાં માળામાં આ પંખીડાઓ જેમ
તેમ દિવસો પસાર કરતા હતા. ઘર પાસેની નાની દુકાનમાં જે વ્યાપાર થતો તે અને બીમાર પિતાની
મજૂરીમાંથી બધો ઘર ખર્ચ અને કરજ ભરાતું હતું.
જયંતિ હવે એક લાચાર છોકરો થઇ ગયો હતો. જીંદગીનાં સ્વપ્નો ધૂળ-ધાણી થઇ ગયેલા
જણાયા. તે એક ઘોર નિરાશામાં સરી પડ્યો હતો. એક બચેલા ડાબા હાથથી દુનિયાનું યુદ્ધ
કેમ જીતી શકાય ? ઘરની અને પોતાની સ્થિતિ જોઈને રડતી માંને જોઈ એ રાતે ખાટલામાં પડ્યા
પડ્યા પોતાના નસીબને કોસતો રહેતો. “ આ તે કેવી સ્થિતિ ?? ગરીબ હોવું એ શા માટે
અભિશાપ છે ? મેં કોઈનું શું ખરાબ કર્યું કે હું અપંગ થઇ ગયો ?? ઈશ્વર આટલો ક્રૂર
કેમ ? “ આવા સવાલોમાં જ એ દિવસો કાઢતો.
નવી ચેતના –
રોજ સવાર સાંજ તટે ગામની નદીએ જઈને કલાકો સુધી ત્યાં બેસી રહેતો. એ સતત વહેતી
નદી એના તમામ દર્દોની સાથી હતી. એ નદીને જ ઉદેશીને પોતાનું દર્દ ઠાલવતો.
એક સાંજે નદીનાં સામે કિનારે એક અજબની ઘટના જોઈ. એક વાંદરાનું બચ્ચું ઝાડ પરથી
નીચે પડી ગયેલું. નીચે રહેલા કુતરાઓ બાળવાનરને ઘેરી વળેલા. વાંદરાની માં એ
કુતરાઓને ભગાડવાનો સતત પ્રયાસ કરી રહી હતી, અને બચ્ચાને બચાવવા માંગતી હતી. પણ
તેને એક જ હાથ હતો ( જયંતિની જેમ જ ). આથી તે કુદકા મારવામાં પોતાનું સમતુલન
ગુમાવી બેસતી હતી, આમ છતાં પોતાના બચ્ચાને બચાવા માટે તેણે જોરથી નીચે કુદકો
મારીને પોતાના બચ્ચાને એક પંજાથી ઉઠાવ્યું અને કુતરાથી ભાગવા તમામ તાકાત એક જ
હાથપર ( આગળનાં પંજા પર ) લગાવીને એક હાથે
વડની વડવાઈ પકડી લટકી ગઈ. અને પછી એક જ હાથના સહારે તે એક પછી એક ડાળી કુદતા બચીને
ભાગી ગઈ. અદભુત બચાવ .
જયંતિને આ આખી ઘટના જોઈ વિચાર આવ્યો કે આ અબુધ પ્રાણીને પણ એક જ હાથ હતો તો પણ
એક જ હાથની પ્રચંડ તાકાતથી તે બચી ગયું. અને એક હાથે પણ તે જીવી રહ્યું છે.
એક હાથથી એક પ્રાણી જીવી શકે તો હું કેમ નહિ ?? મનોમન વિચાર કર્યો કે “ મારા
જમણા હાથની ગુમાવેલી તાકાત હું ડાબા હાથમાં સીંચી દઈશ. હું ફરી ભણીશ, ડાબા હાથથી
લખવાનો પ્રયાસ કરીશ, એક વાર નહિ હજાર વાર પ્રયાસ કરીશ. માત્ર એક હાથ જવાથી કાઈ
જીંદગી ખતમ નથી થઇ જવાની. જે તમામ કામ જમણા હાથથી થતા હોય તે તમામ માટે ડાબા હાથને
ટેવ પડાવીશ. એવું કરી નાખીશ કે કદી ખુદને
એવો અહેસાસ જ નાં થાય કે મારો જમાનો હાથ છે જ નહી. “
નદીનાં કિનારે સૂરજ આથમી રહ્યો હતો. અને સૂરજનું આશાનું એક કિરણ જયંતિની
આંખમાં જઈને એના રોમે રોમને પ્રકાશિત કરી રહ્યું હતું. હવે જયંતીએ તમામ નિરશાઓને
ધકેલી દઈને અન્દરની તાકાતથી લડી લેવાનું વિચારી લીધું. હવે જયંતિનો આ નવો જન્મ થઇ ચુક્યો હતો. એ હતો
હવે ઉર્જાવાન- હિમતવાન જયંતિ.
નવી શરૂઆત-
આજે રાત્રે તે શાંતિથી સુઈ શક્યો. ઈશ્વરને દોષ દેવાનું બંધ કરીને ફરી મહેનત
કરીને ભાગ્યને ચેલેન્જ કરવાનું વિચારી લીધું. બીજા દિવસે વહેલી સવારે ઉઠીને એક જ
હાથે ભેંસને દોહીને તાજા દૂધમાંથી ચા બનાવી તે મહિનાઓ જુના પોતાના રૂટીન કાર્યક્રમ
મુજબ, ગામના પાદરમાં રાત રોકાતી બસનાં ડ્રાઈવર-કંડકટરને ચા દેવા પહોચી ગયો.
જયંતિના અકસ્માત બાદ ડ્રાઈવર-કંડકટરને પણ ઘણો આઘાત લાગેલો અને પછી તેઓને કોઈ જ
વ્યક્તિ આટલું વહેલું ચા દેવા ન આવતું. પણ આજે મહિનાઓ બાદ, અપંગ જયંતિને જમણા
હાથમાં ચાનાં કપ સાથે આવેલો જોઇને ડ્રાઈવર-કંડકટર
ચોંકી ગયા. તેણે ભાંગેલા જયંતિમાં નવો ઉત્સાહ, ઉમંગ જોયો. “ સાહેબ, હવે હું રોજ ચા
દેવા આવીશ હો, મારો એક હાથ પણ બે હાથ બરાબર છે હો... “ એવું જુસ્સાદાર જયંતિનાં
વાક્ય બોલતા જ, બંને જણા જયંતિને ભેટી પડ્યા. અને જયંતિનો ધો.૧૦ સુધી ભણવાનો તમામ
ખર્ચ એ બંને જણાએ ઉપાડી લેવાનું પણ વચન આપ્યું. ભલે કોઈ જ લોહીના સબંધ નાં હોય તો
પણ કોઈ માણસ પોતાની ખાનદાની કેવી નિભાવી જાય છે એ આ કથાએ સાબિત કરી આપ્યું.
જયંતિના અકસ્માતથી શાળામાં, શિક્ષકોમાં, મિત્રોમાં પણ દુખની-નિરાશાની લાગણીઓ વ્યાપી ગઈ હતી. એક હોશિયાર છોકરો
અકસ્માત બાદ ઘરની પરિસ્થિતિના કારણે ભણવાનું છોડી દે, તે શિક્ષકને પણ કેમ ગમે ?
મગન માસ્તરે પોતાની નજર સામે જ એક ઉગતા સિતારાને આથમતા જોયો હતો.
પણ, આજે સવારે મગન માસ્તરના ચાલુ ક્લાસમાં દરવાજા પરથી એક અવાજ રણક્યો “
સાહેબ, અંદર આવું ?? “
બધાની નજર દરવાજા પર પડી, દરવાજા પર મેલા-ઘેલા સ્કૂલ યુનિફોર્મમાં સજ્જ અને
પોતાના ડાબાહાથમાં દબાવેલી ૩ ચોપડીઓ લઈને એક હાથ વાળો જયંતી ઉભો હતો.
જયંતિને ફરી ભણવા આવેલો જોઇને આખો ક્લાસ હરખાઇ ઉઠ્યો. “ સાહેબ, હવે હું ફરી
ભણીશ, તમારી જેમ જ માસ્તર બનીશ “ એવું જયંતી બોલી ઉઠ્યો.
મગન માસ્તરની આંખ માંથી હર્ષના આંસુ સારી પડ્યા. અને તે જયંતિને ખુશીથી ક્લાસ
વચ્ચે જ ભેંટી પડ્યા અને છોકરાઓએ આ આખી ઘટનાને તાલીઓના ગડગડાટ સાથે વધાવી લીધી.
ગુરુ-શિષ્યનું આ અદભુત કરુણ મિલન હતું.
રોજના આગથ પ્રયત્નો અને સંઘર્ષથી જયંતિ હવે ડાબા હાથથી ખુબ જ સુંદર અક્ષરે લખી
શકતો, તે વર્ગમાં પ્રેરણાત્મક વક્તવ્ય પણ આપતો, તે એક હાથે બળદ ગાડું, સાઈકલ પણ ચલાવતો, અને એક જ હાથે ગીલી-દંડા જેવી રમત
પણ રમી શકતો. ફરી વર્ષો જુનું હાસ્ય જયંતિનાં ચેહરા પર આવી ગયું હતું. તેણે એક જ
ડાબાહાથમાં બંનેહાથની તાકાત સમાવી લીધી હતી અને દિલમાં અગાધ સૂર્ય સમી હિમત. એક
સમયે ગામમાં કોઈ પણ માની નાં શકે કે જયંતિને માત્ર એક જ હાથ છે. પોતે અપંગ છે એવું
દિલ-દિમાગ માંથી જ ભૂંસાઈ ગયું. એ સામાન્ય લોકોની નાતમાં ફરી ભળી ગયો હતો.
“ જે અંદરથી મજબુત બને છે તેને કોઈ પણ અકસ્માત કે ખામી કદી હરાવી શકે નહિ “તેમ
જયંતિએ ભાગ્ય સામે લડીને સાબિત કરી આપ્યું.
અંતે એક માસ્તર અને વર્તમાન –
ધો.૧૦ માં જયંતી ખુબ સારા માર્ક સાથે પાસ થયેલ. આગળનો અભ્યાસ કરવા જુનાગઢ
શહેરમાં તે આવ્યો. પણ તેની મહેનત, લગન અને સંઘર્ષ જોઇને સમાજના પ્રતિષ્ઠિત લોકો,
પ્રોફેસરોએ તેના આગળના અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવી લીધેલ. ધો.૧૨ માં જયારે હોસ્ટેલના
સારા સારા વિદ્યાર્થીઓ નાપાસ થયા ત્યારે જયંતિએ સારા માર્ક્સથી પાસ થઈને, પોતાને
અભ્યાસમાં મદદ કરનારા તમામ લોકોનું ઋણ ચૂકવી દીધું હોય એમ લાગ્યું.....
અભ્યાસ પછી તરત જ તેને શિક્ષક તરીકેની નોકરી મળી. “ હું પણ માસ્તર બનીશ અને
લોકોને ભણાવીને આગળ વધારીશ “ એ સપનું તેણે પૂર્ણ કર્યું. આખા ગામ વાળા તેની
પ્રગતીથી ખુશ ખુશ થયા. મગન માસ્તરને આજીવન આ સંઘર્શક વિદ્યાર્થી પર ગર્વ રહ્યો.
અને કેસર બેનને એક કાદવમાંથી ખીલેલા કમળને જોઇને હર્ષના આંસુ આવ્યા. કડવાબાપાને એ
ગર્વ થયો કે “ પોતાના ખાનદાનમાં કોઈ ભણેલું નહિ, અને આ એક હાથવાળો જયંતિ સંઘર્ષથી લડીને માસ્તર બની ગયો, એથી વધુ
જીવતા જીવત મોટું સુખ કયું ??”
૨ વર્ષ બાદ, લતાગૌરી નામની પ્રતિષ્ઠિત ખાનદાનની છોકરી સાથે તેના લગ્ન થયા.
લતાગૌરીને તેની સખીઓએ કહેલું કે “ એક હાથ
વાળા ઠુઠા સાથે લગ્ન ના કરીશ “
પણ લાતાગૌરીને, જયંતિએ ખેડેલા સંઘર્ષથી એટલું સમજાયું હતું કે આ માણસ દુખથી હાર
માનનાર નથી. અને આ માણસ કદી કોઈને દુખી નાં કરી શકે. અને એટલે જ હજારો લોકોના
કહેવા છતાં તેણે જયંતિ માસ્તર સાથે લગ્નની હા પાડી. પ્રેમમાં માત્ર દેખાવ નહિ,
સ્વભાવ,સંઘર્ષ ફરી અહી જીત્યો.
આજે એ લગ્નને મારી ઉમર જેટલા, એટલે કે ૨૭ વર્ષ થયા છે. અને એનો સંસાર સૌથી
સુખી ચાલે છે. સમાજમાં એના સંઘર્ષના, લગ્નના, અને લતાગૌરીના સમર્પણનાં દાખલા દેવાય
છે. આ સંઘર્શક જયંતિ માસ્તરનો પુત્ર એટલે આ કહાની લખનાર હું પોતે જ. વિવેક ટાંક.
પિતાજી આજે કેશોદની શાળામાં શિક્ષક છે. પણ આજ સુધી તેણે ઘણા વિદ્યાર્થીઓની ફી
ભરી તેને ભણાવ્યા છે, ઘણી બહેનોના લગ્ન કરાવ્યા છે. પિતાજી હંમેશા કહે છે “ વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે, કારણ કે અન્નદાનથી તો માત્રે એક
દિવસની ભૂખ મટે છે, જ્યારે વિદ્યાદાનથી આખી જિંદગીની ભૂખ માટે છે “
આજે અમે પણ એના જ પગલે છીએ. હું પણ આમ તો એક માસ્તર જ છું. અમે પણ એ જ પ્રયાસ
કરીએ છીએ કે કોઈ ગરીબ, જરૂરતમંદ બાળકને ભણાવી શકાય. કદાચ એમાંથી ફરી કોઈ એક “
જયંતિ માસ્તર “ બની જાય.
- વિવેક ટાંક ( ડેપ્યુટી કલેકટર, પોરબંદર )
તમારા પિતા ની સ્ટોરી ખુબ સરસ શબ્દો માં વર્ણન કરી.
ReplyDelete