25 December, 2019

ધોળાવીરા - સિંધુખીણ સભ્યતાનું ગુજરાતનું સૌથી મોટુ નગર...

ધોળાવીરા ( ખદીર બેટ-પૂર્વ કચ્છ )-
સિંધુ ખીણ સભ્યતાનું ગુજરાતનું સૌથી મોટુ નગર....
ઈતિહાસનાં પ્રેમી તરીકે વર્ષોથી આ સ્થળ જોવાની ઇચ્છા હતી....પણ ખૂબ દૂર હોવાથી કદી જઇ શક્યો ન હતો. અંતે પહોચી જ ગયો...ઈતિહાસ મને બોલાવે છે....આ પહેલા આ જ સભ્પયતાનું મહાબંદર એવું લોથલ હું જોઈ ચુક્યો  હતો..

આ ઈ સમય હતો કે હું કચ્છના પ્રવાસે નીકળ્યો હતો...ભુજ, માંડવી, નખત્રાણા, માતાના મધ સુધીના પ્રદેશો અમે ખુંદી વળ્યા હતા, બસ હવે આ ખડીર બેટ અને ધોળાવીરા બાકી હતું.....અને ઈ પૂરું કરીને જ કચ્છમાંથી વિદાય  લેવું તેવું મનોમન નક્કી કરેલ....

અહીનો રસ્અતો એકદમ સુમસામ છે...ભાગ્હીયે જ કોઈ માનસ રસ્તે જોવા મળે....પણ અમે તો પહોંચી જ ગયા.... પહોંચતા જ 5000 વર્ષ પહેલાનાં ઇતિહાસનું પાનુ ખુલી જાય....સિંધુખીણની એક મહાન વિકસેલી સભ્યતા....અને તેનું આ વિકસેલું  મહાનગર....જે ઈતિહાસ હું બહ્નાવું છું તે આજે નજર સમક્ષ છે....થીયરી નહિ....પ્રેક્ટીકલ.....

અહી એક બાજુ મ્આયુઝીયમ અને એક બાજુ ધોળાવીરા ઉત્ખનન સાઈટ આવેલ છે....એક ગાઈડ અમારી સાથે આવ્યો અને તેને અમને એક એક બારીકાઇ ભરી વાતો કરી....બીજા કોઈ હોય તો એને થાય કે આ ધૂળ, પથ્થર માં શું જોવાનું ???પણ મને તો આ પથરોમાં એક  મહાન સભ્યતાના દર્શન થતા હતા.....

અન્ય હડપ્પીયન નગર કરતા આ નગર થોડુ અલગ છે.... બધાં નગરો માં બાંધકામમાં ઇંટો નો ઉપયોગ થયો છે જ્યારે અહી પથ્થરો પણ જોવા મળે છે.
હડપ્પીયન નગરો મોટા ભાગે 2 ભાગમાં (Upper town, Lower town,) જોવા મળે છે જયારે આ ત્રણ ભાગમાં છે...( Upper town, Lower town, Middle town ) જે તેની આગવી વિશેષતા છે....
5000 વર્ષ પહેલા અહી પાણીને રોકીને વિશાળ ડેમ બનાવવામાં આવેલ, સૌથી મોટો અન્ડર ગ્રાઉન્ડ વોટર ટેન્ક બનાવેલ....બોલો એ સમયે કેવી એન્જિનિયરીંગ કલા વિકસાવી હશે લોકોએ.....
સફેદ રણ પણ અહીંથી માત્ર 7 km દૂર જ છે, એટલે અમે ત્યાં પણ જઈ આવ્યા....અને અગાધ દરિયાની જેમ આ સફેદ રણને આંખોમાં સમાવી લીધું....

  ઇતિહાસ, સંસ્કૃતિ રસિકો એ ખાસ જોવા જેવી આ જગ્યાચ છે......

એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે પહોંચવું ? - ધોળાવીરા ખદીર બેટમાં રાપર થી આશરે ૯૦ કિમી અને ભચાઉથી આશરે ૧૪૦ કિમી અંતરે આવેલ છે....અહી બસની સુવિધા પ્રમાણમાં ઓછી હોય છે એટલે કાર દ્વારા પહોંચવું જ સરળ છે. જેથી આજુ બાજુના સ્થળો પણ જોઈ શકાય...

ક્યા રહેવું ? - ધોળાવીરામાં ગુજરાત સરકારની તોરણ હોટેલ આવેલ છે...ત્યાં સરસ રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ છે...

ક્યારે જવું ? - કચ્છની  ગરમીને કારણે સામાન્ય રીતે કચ્છના કોઈ પણ પ્રદેશની મુલાકાત માટે નો શ્રેષ્ટ સમય શિયાળો છે....ઓક્ટોબર થી જાન્યુઆરીમાં મુલાકાત લેવી સારી...આ સમયગાળામાં સફેદ રણ પણ ખીલેલું જોવા મળે છે...

અન્ય માહિતી -  ક્ષેત્રફળની દ્રષ્ટીએ કચ્છ ખૂબ વિશાલ છે....આથી તેના  વિવિધ વિવિધ સ્થળો વચ્ચે અંતર ખૂબ વધુ હોય છે. આથી શક્ય હોય તો ખાનગી બસ/કાર દ્વારા મુસાફરી કરીએ તો ઓછા સમયમાં ઘણા સ્થળોની મુલાકાત લઇ શકાય....


હડપ્પીયન સંસ્કૃતિ " લોથલ - એક મહાબંદર "

હડપ્પીયન સંસ્કૃતિ સાથે સંવાદ - " લોથલ - એક મહાબંદર "

                    

અહીં પહોંચતા જ એવું લાગ્યું કે ઇતિહાસના લેકચરમાં માત્ર જેને ભણાવતા હતા તે સભ્યતા ખુદ જ કંઈક કહી રહી હોય.
1954-55 માં શ્રી એસ.આર.રાવ દ્વારા અહીં ઉત્ખનન થયું અને ઇતિહાસના પાનામાં 5000 હજાર વર્ષ પહેલાની કહાની ઉમેરાઈ.

વિશ્વમાં ૪ મહાન સંસ્કૃતિઓ હતી તેમાંની  સિંધુખીણની સભ્યતા ભારતમાં હતી અને તે પણ વિકસિત  નગરો વાળી. સિંધુ સભ્યતાનાં લોકો ૫૦૦૦ વર્ષ પહેલા પણ આટલા આગળ પડતા હશે તેની કલ્પના કરાવી પણ મુશ્કેલ છે. અદભુત પેન્ટિંગ, માટીના રમકડા, મૂર્તિઓ, માટી અને ધાતુના સીલ, પાકા મકાનો અને એ પણ ગટરવ્યવસ્થા વાળા આ સભ્યતાની ખાસિયત હતી.

લોથલ નગર ની ખાસિયત છે તેનું જહાજ લંગરવાનું વિશાળ " ડોકયાર્ડ". એક સમયે દરિયો લોથલ સુધી વિસ્તરેલો હતો  અને લોથલ સિંધુ સભ્યતાનું મહા બંદર હતું.  અહીંથી  છેક ઇરાક-ઈરાન સુધીની મેસોપોટેમિયા સભ્યતા સાથે વ્યાપાર થતો...

સ્ત્રી -પુરુષ ના જોડિયા કબર અને મણકાની ફેક્ટરીનાં અવશેષો આ સ્થળ પરથી મળી આવેલ છે. જે તેની સૌથી આગવી વિશેષતા છે...

ઈતિહાસ અને સંસ્કૃતિમાં રસ ધરાવાતા લોકોએ ખાસ મુલાકાત લેવી.....જાણે તમે ટાઈમ ટ્રાવેલ દ્વારા ૫૦૦૦ વર્ષ પહેલાની સફર કરતા હોય તેવું લાગશે..

એકસ્ટ્રા શોટ્સ -

કેવી રીતે પહોંચવું ? - લોથલ અમદાવાદથી આશરે ૭૦ કિમી દૂર છે. આથી બસ/કાર દ્વારા સહેલાઇથી પહોંચી શકાય છે.

ક્યા રોકાવું ? - 3-૪  કલાકમાં લોથલનાં તમામ પાસા જોઈ શકાય છે...આથી અહી રોકાવાનો ખાસ પ્રશ્ન રહેતો નથી. લોથલમાં રોકાવાની કોઈ જગ્યા ઉપલબ્ધ નથી...

અન્ય માહિતી - લોથલથી માત્ર ૨૦ કિમી નાં અંતરે ગણપતપુરામાં કોઠગણેશનું સરસ મંદિર આવેલ છે. ત્યાની કેળાની વેફર ખૂબ જ પ્રખ્યાત છે..







13 November, 2019

બરડો ડુંગર ( જિલ્લો - પોરબંદર) -

બરડો ડુંગર ( જિલ્લો - પોરબંદર) ---






મેં જીવનમાં ખૂબ અનુભવ્યું છે કે પ્રકૃતિ આપણને ખેંચાતી હોય છે..મારું પોરબંદર ખાતેનું પોસ્ટીંગ પણ કોઈ ખેચાણ જ હશે...અને એને જ મને આ બરડા ડુંગર ખુન્દવાનો લ્હાવો આપ્યો....

રજા હોય એટલે હું ક્યાય ને ક્યાય ફરવા નીકળી પડું.. કેટલા સમયથી બરડો બોલાવતો હતો એટલે આજે મે ધીમા ધીમા વરસાદમાં બરડાની ડુંગરમાળામાં જઈ ચડ્યા...મને તો બરડો મીની ગીરનાર જેવો જ લાગે...એવું જ જંગલ, એવા જ નેસ અને એવા જ લોકો....અને ઉપરથી હું પણ ગીરનાર-જુનાગઢનો વાસી....
બરડા ડુંગરને પુરાણોમાં ‘બટુકાચળ’ કહેવામાં આવ્યો છે. ‘બટુક’ શબ્દમાંથી ‘બળવો’ અને ‘બરડો’ એવા શબ્દો ઉત્પન્ન થયાં છે.
બરડોએ ચુનાનો પથ્થર અને રેતીયાળ પથ્થરનું મિશ્રણ છે. બરડાના ઘણાં ડુંગરોમાંથી વરસાદના કારણે રેતી સરી જતાં અંદરથી પોલા બન્યાં છે. બરડો વનસ્પતિનો ભંડાર છે અને તેમાં એક સમયે બિલીના વૃક્ષો ખૂબ વધારે હતાં. આ કારણે ત્યાં આવેલા જંગલને બીલીવન, શિવલીંગને બિલેશ્વર અને તેની પાસેથી વહેતી નદીને બિલેશ્વરી કહેવામાં આવે છે.

બરડા ડુંગરમાં સિંહોની વસ્તી હતી તેવા પુરાવાઓ મળે છે. કાઠિયાવાડના પોલિટીકલ એજન્ટ જે. ટી. બાર 1860માં બરડા ડુંગરમાં આવ્યા ત્યારે તેમની છાવણી પાસે સિંહોનું ટોળુ ચડી આવેલું જેને ભગાડવા માટે તોપો ફોડવી પડેલી તેવી નોંધ નવાનગરના ગેઝેટીયરમાં મળે છે. આ પછી છેલ્લે સિંહ 1903માં જોવા મળે એવી નોંધ સૌરાષ્ટ્ર રાજ્યના સિંચાઈ ખાતાના એન્જિનિયર કૃષ્ણલાલ મહેતાએ લીધી છે. છપ્પનીયા દુકાળમાં તેનો સંપૂર્ણ નાશ થયો તેમ માનવામાં આવે છે....

પોરબંદર આવ્યા અને બરડાની મુલાકાત નાં કરી તો જોયું શું ? એવું થવું જ જોઈએ....પોરબંદરનો આત્મા બરડામાં વસે છે એમ કહું તો અતિશયોક્તિ નહી થાય....

એકસ્ટ્રા શોટ્સ - 

કેવી રીતે પહોંચવું ?? - પોરબંદર જિલ્લાનાં રાણાવાવ તાલુકામાં બરડો ડુંગર પડે છે...આથી  પોરબંદર થી ૧૦ કિમી રાણાવાવ  આવીને ભાણવડ -જામનગર તરફ જવાને રસ્તે બરડાની ડુંગરમાળામાં પ્રવેશી  શકાય.....

ક્યા રોકાવું ?  પોરબંદર અહીંથી ઘણું નજીક છે આથી પોરબંદર ખાતે  રોકાણ કરી શકાય...

અન્ય માહિતી - બરડામાં ખંભાળા ડેમ, ફોદાળાડેમ, કિલેશ્વર, આશાપુરા મંદિર, ઘુમલી મહેલ, સોન-કંસારીના દેરા વગેરે  મહત્વના સ્થળો આવેલા છે...ગીરનારની પરિક્રમા પહેલા બરડાની પણ પરિક્રમા થાય છે....પોરબંદરનાં ઈતિહાસવિદ નરોતમ પલાણનાં માર્ગદર્શન હેઠળ દર વર્ષે બરડાની યાત્રા થાય છે....








23 October, 2019

ચાંપાનેર - એક ઐતિહાસિક શહેર.

ચાંપાનેર અદભુત સ્થાપત્યોનું એક ઐતિહાસિક શહેર....


ચાવડા વંશના સ્વથાપક વનરાજ ચાવડાએ ૮ મી સદીમાં પોતાના મિત્ર અને સેનાપતિ  ચાંપાનાં નામ પર થી આ શહેરની સ્થાપના કરેલ.   બાદમાં  ગુજરાત સલ્તનતના રાજા મહંમદ બેગડાએ અદભુત કલાકારીગરીથી આ શહેરને કંડાર્યું હતું અને ચાંપાનેરને પોતાની રાજધાની બનાવેલ. તેણે અહી અનેક મહેલો, મસ્જીદો, કમાનો કોતરાવી છે. ૨૦૦૪માં આ ચાંપાનેરને  યુનેસ્કોના વર્લ્ડ હેરીટેજ  સાઈટમાં મુકવામાં આવેલા. જે ગુજરાત માટે ગૌરવપૂર્ણ વાત છે.

આ સ્થળની મુલાકાત લઈએ ત્યારે એમ જ થાય કે તમે બેગડાના કાળમાં આવી ગયા છો. ચારે બાજુ જાત જાતનું સ્થાપત્ય જ નજરે પડે. એક આખો દિવસ જોઈએ ત્યારે બધા સ્થાપત્યો જોઈ  શકાય એવી ભવ્ય કારીગીરી છે. 
ઈતિહાસ, સંસ્કૃતિ અને સ્થાપત્યોના શોખીન લોકો માટે ખાસ જોવા જેવી જગ્યા.
અહી ફરતા ફરતા તમને ઈતિહાસ જીવંત થયો હોય એવું જરૂર જણાશે.

 મહાકાલી માતાનું પવિત્ર યાત્રાધામ પાવાગઢ અહીંથી ખુબજ નજીક છે...પાવાગઢની મુલાકાત દરમ્યાન ચાંપાનેરની મુમુલાકાત ખાસ લેવી. એક માન્યતા અનુસાર અકબરના દરબારના સંગીત સમ્રાટ તાનસેનને સંગીતમાં હરાવનાર  બૈજુ બાવરાનું જન્મ સ્થળ પણ આ ચાંપાનેર ગામ જ .હતું..

એકસ્ટ્રા શોટ્સ - 

કેવી રીતે પહોંચવું ?? -  પંચમહાલ જિલામાં આવેલ ચાંપાનેર વડોદરાથી  ૫૦ કિમી અને અમદાવાદથી ૧૫૦ કિમી અંતરે આવેલ છે. આમ બંને સ્થળ થી બસ/કાર દ્વારા સહેલાઈથી આ જગ્યા પર પહોંચી શકાય છે....

ક્યા રોકાવું ?  અહી રોકવાની સુવિધા ઉપલબ્ધ છે...પણ સામાન્ય રીતે લોકો વડોદરા રોકીને અહી દિવસ દરમ્યાન મુલાકાત લેવ્લેતા હોય છે...

અન્ય માહિતી -   જામ્બુઘોડા અભયારણ્ય પણ અહીંથી ૪૦ કિમી નાં અંતરે આવેલ છે....જે પણ ખૂબ જ રમણીય પ્રાકૃતિક સ્થળ  છે... આમ એક સફરમાં બે સ્થળોનો આનંદ લઇ શકાય છે....














23 August, 2019

કિલેશ્વર - બરડાની ગોદમાં

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં પોરબંદર જિલ્લાની સરહદ ઉપર આવેલ બરડા ડુંગરમાં જામ રાજવીઓના વખતમાં કિલેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું હતું. અનામત વન વિસ્તાર જાહેર કરવામાં આવેલા આ વિસ્તારમાં આવેલું શિવાલય જામ શાસનની ભવ્યતાનું દર્શન કરાવે છે. શ્રાવણ માસમાં કિલેશ્વરના દર્શને ભાવિકોની ભીડ ઉમટી પડે છે.

ચોમાસામાં આ સ્થળની મુલાકાત લેવી  એ જીવનભરનો લહાવો છે. ચારેબાજુ બરડા ડુંગરની હારમાળા , ઉપરથી વરસતો ધીમો ધીમો વરસાદ અને જંગલની વનરાઈ,તમને જાણે કે ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવતા હોય તેમ લાગે. 


કિલેશ્વર તેના સુંદર મહાદેવ મંદિર માટે જાણીતું છે, જે જામનગરથી 50 કિલોમીટર દૂર બરડા ડુંગરમાં આવેલું છે. જામનગરના રાજવી શ્રી જામ સાહેબે કીલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કર્યું છે અને આ રીતે આ સ્થળનું નામ આપવામાં આવ્યું છે. તદનુસાર પૌરાણિક કથાઓ, પાંડવો આ સ્થળે તેમના અલગ સમય દરમિયાન રહ્યા હતા.



એક સમયે મંદિરનો ભાગ જર્જરિત થયો હોય ત્રિકાળજ્ઞાની સિધ્ધ પુરૂષ ત્રિકમજી મહારાજે જામ રણજીતસિંહજીને કિલેશ્વર મહાદેવ મંદિરનો થોડો ભાગ ખુલ્લો થઇ ગયો હોય તે અંગે રજૂઆત કર્યા બાદ જીર્ણોદ્ધાર જામ શત્રુશલ્યસિંહજીએ કરાવ્યો હતો.
૧૯૭૪માં ભયંકર વાવાઝોડું થયા બાદ બરડા ડુંગરમાં રહેતા લોકોને રોજીરોટી મળી રહે તે માટે જામ ધર્માદા સંસ્થા દ્વારા વિકાસ કાર્યો કરવામાં આવ્યા હતા. જે ૧૯૭૭માં પૂરા થયા બાદ પોરબંદરના રાજવી પરિવારનાં નટવરસિંહજીના હસ્તે જામસાહેબે કળશ ચડાવ્યો હતો.

એક્સ્ટ્રા શોટ્સ -

ક્યારે જવું ? કિલેશ્વરની પ્રકૃતિનો સાચો આનંદ માણવો હોય તો ચોમાસામાં આ સ્થળની મુલાકાત લેવી. ઝરણા, ધીમો વરસાદ અને લીલોતરીનો શણગાર અનુભવાય છે...

કેવી રીતે જવું ? કિલેશ્વર પોરબંદરથી ૪૫ કિમી અને ભાણવડથી ૨૦ કિમી અંતરે આવેલ છે...તે બરડા અભયારણ્યમાં અંદર આવેલ હોય આથી ખાનગી બસ/કાર દ્વારા જ મુલાકાત લેવી હિતાવહ છે...

ક્યાં રોકાવું  ? જનાગલ વિસ્અતાર હોવાથી અહી રોકાવા પર પ્રતિબંધ છે. નજીકના મુખ્ય સ્થળ ભાણવડ,પોરબંદર પર રોકાણ કરવું જોઈએ...

નોંધ - કિલેશ્વર બરડા અભયારણ્યનો હિસ્સો હોવાથી સાંજે ૬ વાગ્યા સુધી જ આ જગ્યા પર પ્રવેશ મળે છે એટલે શક્ય હોય તો સવારે  આ સ્થળની મુલાકાત લેવી.




13 August, 2019

માધવપુર ઘેડ -

માધવપુર નામ ખુબ સંભાળેલ, અને નાયબ કલેકટર તરીકે પોરબંદર ખાતે પોસ્ટીંગ થતા જ મેં પહેલું કામ માધવપુર ફરવાનું કરેલું...માધવપુર પોરબંદરથી ૬૦ કિમી જ થાય એટલે હું અને મારી પત્ની કાર લઈને એક દિવસ  અહી પહોંચી જ ગયા... અહીનો કોસ્ટલ હાઈવે પણ અદભુત છે....એક બાજુ રોડ અને એક બાજુ દરિયો...

માધવપુરમાં પ્રવેશતા જ જાણે કૃષ્ણ અહી હોવાની ઝાંખી સતત થયા કરે. આ એ જ જગ્યા કે જ્યાં કૃષ્ણ ઘણો સમય રહ્યા હશે, અહીના દરિયામાં એને પણ પગ પલાળ્યા હશે અને આજે હું એ જ દરિયાની લહેરોને સ્પર્શું છું...જાણે આ સ્પર્શ કૃષ્ણમય છે...એ મહાપુરુષને સુક્ષ્મરૂપે મળવાનો આ લ્હાવો છે...

આ એ જ જગ્યા કે જ્યાં કૃષ્ણ -રુકમણીનાં લગ્ન થયા હતા.દર વર્ષે કૃષ્ણનાં લગ્નની યાદમાં  ૫ દિવસ સુધી અદભૂત મેળો ભરાય છે

મેળાની ઐતિહાસિક કથા - 

માધવપુર ઘેડમાં ભરાતા મેળાની કથા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી નાં લગ્ન પ્રંસંગની સાથે જોડાયેલ છે. પુરાણ કથા મુજબ વિદર્ભનાં રાજકુંવરી રૂક્ષ્મણીનું ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિ નાં દિવસે ભરાતા ભવનાથનો મેળા માંથી અપહરણ કરીને શ્રીકૃષ્ણ માધવપુર લઈ આવેલ. ત્યારબાદ અહીં માધવપુરમાં તેમના લગ્ન થયા હતાં. ત્યાર પછીથી તેમની યાદમાં દરવર્ષે અહીં ભારતીય શાસ્ત્રોકત વિધીથી લગ્નની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. આ લગ્નમાં દેશવિદેશથી દરેક જ્ઞાતિનાં લોકો જોડાય છે, જેથી અલગ અલગ ક્ષેત્રનાં લોકો આ મેળામાં આવતાં હોવાથી દરેક પ્રદેશનાં પોશાકો, ભાષા, રિતરીવાજ તેમજ કૌશલ્ય જોવા મળે છે. 


અહીનો દરિયા કિનારો ખૂબ જ સ્વચ્છ અને સુંદર છે. સળંગ ૧.૫ કી.મી. સુધીના મુખ્ય હાઈવેને પેરેલલ દરિયો છે. અહી સરકાર દ્વારા દર વર્ષે બીચ ફેસ્ટીવલનું પણ ભવ્ય આયોજન થાય છે. 

આ વિસ્તાર ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છ, કારણકે તે ખૂબ નીચાણવાળો વિસ્તાર છે. સૌરાષ્ટ્રની ઘણી બધી નદીઓ આ વિસ્તારમાં થઈને દરિયામાં વહી જાય છે. ચોમાસા દરમ્યાન તો આખો ઘેડ વિસ્તાર કેટલાય દિવસો સુધી પાણીથી ભરાઈને બેટનું રૂપ ધારાણ કરી લે છે. 

માધવપુરમાં ઓશો આશ્રમ પણ આવેલ છે. જે તેનું બીજું આકર્ષણ છે. સ્વામી બ્રહ્મવેદાંતજી ઓશોના શિષ્ય હતા જે હાલ લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે.  લોકો દૂર દૂર થી આવી અને  આશ્રમમાં રહીને આધ્યાત્મિક સાધના કરત હોય છે. 

અને થોડે ૭-૮ કિમી મોચા નામનું ગામ છે. જ્યાં હનુમાનજીનું પ્રખ્યાત મંદિર આવેલ છે. ફ્રાંસની એક મહિલા અહી ૪૦ વર્ષ પહેલા અહી આવીને વસેલી અને આધ્યાત્મિક સાધનામાં ડૂબેલી રહેતી. અને આજે પણ માતાજીના નામથી તે પ્રખ્યાત છે અને દુખી દર્દીઓની સેવા કરે છે. આશ્ચર્યતો એ  છે કે તે  વિદેશી હોવા છતાં મસ્ત કાઠિયાવાડી બોલી બોલે છે......એમને જોતા મને  પરબમાં રક્તપીતીયાની સેવા કરતા  અમરમાં  અને  મધર ટેરેસા યાદ આવી ગયેલા...માતાજીને નમન હો.....

માધવપુર ગામ પોરબંદરથી આશરે ૬૦ કિમી જેટલું દૂર છે. એક દિવસમાં ત્યાં જઈને સારો એવો લ્હાવો માણી  શકાય છે. પોરબંદરથી માધવપુરની પટ્ટી વાળો રોડ મુસાફર માટે ખૂબ આનંદદાયક છે. રસ્તામાં અન્ય નાના મોટા જોવા લાયાક સ્થળો પણ આવે છે....

પોરબંદર કે માંગરોળ આવ્યા હોય તો અચૂક જોવા જેવું સ્થળ......કદાચ કૃષ્ણ કોઈ રૂપે મળી પણ જાય.....

- વિવેક ટાંક 
એકસ્ટ્રા શોટ્સ -                                                                                                                                                                                                                                                                        
કેવી રીતે પહોચવું  ? પોરબંદર થી ૬૦ કિમી અંતરે નેશનલ હાઈવે પર  છે. આથી બસ/કાર દ્વારા સરળતાથી પહોંચી શકાય છે.... 
ક્યા રોકાવું ? અહી દરિયા કિનારે તોરણ હોટેલ આવેલ છે.. ઉપરાંત ગામમાં સ્થાનિક મધુવન હોટેલ છે. બન્ને જગ્યા પર રહેવા જમવાની ઉતમ સુવિધા ઉપલબ્ધ છે...ઓશો આશ્રમમાં પણ રોકાઈ શકાય છે... 

અન્ય માહિતી - છેલ્લા 3 વર્ષથી માધુપુરમાં રાષ્ટ્રીય કક્ષાનો મેળો યોજાય છે...તેમાં સમગ્ર દેશના અને રાજ્યના વિવિધ કલાકારો રોજ સાંજે પરફોર્મન્સ આપે છે. આમ માધવપુર નવું ઉભરાતું પ્રવાસન સ્થળ છે...                                                                                                                             










20 June, 2019

મારી અલગારી હિમાલય યાત્રા - 6







લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારીએ હું એકલો હોવાના કારણે મને રહેવા રૂમ ન આપ્યો. અંતે નિરાશા સાથે ત્યાંથી નિકળતો હતો. ત્યાં દરવાજા નજીક રહેલી પાણીની પરબ પાસે એક બાવો પાણી પીતો હતો.

હું તેની પાસે ગયો અને મેં સમગ્ર ઘટના વિશે વાત કરતાં કહ્યું કે અહીં રહેવા માટે કોઈ  આશ્રમમાં રૂમ કેમ નથી આપતું?” એ હસવા માંડ્યો.

આપ કહાં સે હો?” એણે પુછ્યું.


ગુજરાત સે મેં જવાબ આપ્યો.
મોદી કે ગુજરાત સે- વાહ ક્યા બાત હૈ....

એમ કહી તે મને મંદિરની બહારના પગથિયા પાસે લઈ ગયો. અમે બંને ત્યાં બેઠા. પછી તો તેણે આખી કથા શરૂ કરી, પહેલા ઋષિકેશ કેવું હતુ. પોતે કોણ હતો. હવે શું-શું થઈ રહ્યુ છે. પણ તેની ભાષા એકદમ ઉગ્ર અને અશ્લીલ હતી. દરેક વાતમાં તે પોતાની મૂછો પર તાવ દેતો અને એટલો ઉગ્ર બોલતો કે વાત કરતાં કરતાં તમને લાગે કે એ તમને પણ એ તમાચા મારી લેશે. શરૂઆતમાં મને જરા ડર લાગેલ. પણ મારે શું  ગુમાવવાનું હતુ?

મંદિરના પૂજારીને પણ તેણે ગાળો દિધી. હું તેની પાસે પોણી કલાક બેઠો અને તેની તમામ ભડાશ સાંભળી. ત્યારપછી ત્યાંથી વિદાઈ લઈ હું બીજા આશ્રમ તરફ આગળ વધ્યો. સાવ છેલ્લા આશ્રમે ગયો પણ ત્યાં પણ જગ્યા મળી નહીં. ત્યાંથી પાછો ફરી રામ ઝુલા તરફ આવતા એક દુકાન પાસે બીજો એક બાવો મળ્યો. મેં તેને રહેવા માટે પુછ્યુ. તેણે મને એક-બે આશ્રમના નામ આપ્યા કે ત્યાં બાવા-સાધુઓને રહેવા માટે જ છે. ત્યાં જઈ ચાદર પાથરી સુઈ જજો

થોડી-ઘણી ચર્ચા બાદ અમે એકબીજાનો પરિચય કર્યો. હું એક યુવા સંન્યાસી છું એમ જ મેં કહ્યુ. તે પોતે પંજાબનો એક ક્રિમીનલ હતો. અને બાદમાં આહીં આવી સાધુ બન્યો એ વિશે તેણે જણાવ્યું. પણ તે નશામાં હોય તેવું મને જણાતું હતુ. તેણે મને ચલમની ઓફર પણ કરી. પણ હું તેમાં ક્યાંય પડ્યો નહીં. તેણે દુર ગંગાના કિનારે પોતાની ઝુંપડી તરફ હાથનો ઈશારો કરી કહ્યુ કે અમે ત્યાં રહીએ છીએ. એવું હોય તો ત્યાં આવજો. રહેવાનું કંઈક કરીશું. પણ આવા નશાખોર બાવાઓનો ભરોસો શુ? એટલે તેમની સાથે રહેવાનો કોઈ મતલબ ન હતો. મારે તો તેમની સાથેની ચર્ચાથી અહીંના બાવાઓની માનસિકતા જાણવી હતી.

બાજુની દુકાનના પટાંગણમાં 10-12 વિદેશી પુરૂષો, મહિલાઓ અને બે-ત્રણ બાવાઓ ચલમ ફૂંકતા ફૂંકતા ચર્ચાઓ કરતાં હતાં આ બધું અજબ દ્રશ્ય હતુ. હું સતત વિચારતો હતો કે આ વિદેશીઓ આવા કેટલાય બાવાઓની ચુંગાલમાં ફસાઈ જતાં હશે અને તેઓ આવા લોકોની ઢોંગી વાતો, ચમત્કારની કહાનીઓને અધ્યાત્મ માની લેતા હશે.

આ બધું જોતા જોતા હું એવા આશ્રમે પહોચ્યો જ્યાં ભારતભરના બાવાઓ આવી, ચાદર પાથરી પડ્યા રહેતા. હું તો ત્યાં પણ સૂવા તૈયાર હતો પણ આશ્રમનો મુખ્ય સંચાલક બહાર ગયો હતો. મેં અડધી કલાક રાહ જોઈ. બાદમાં તે આવ્યો પણ ખરા પણ આશ્રમ ફુલ છે તેવું જણાવ્યુ ને, મારે ત્યાંથી પણ નિકળી જવું પડ્યું હતુ.

અંતે કંટાળીને હું 15 મિનીટ ગંગાના પગથિયે બેસીને નદીના પાણીને જોતો રહ્યો. હવે ક્યાં જવું?
 રાત ક્યાં રહેવું? હું સંન્યાસીના વેશમાં જ રૂમમાં રહેવાનો આગ્રહી હતો. 


અંતે ત્યાં ચા પીતા-પીતા એક માણસે કહ્યુ બાબાજી, આપ લક્ષ્મણ ઝુલા ચલે જાઈએ, વહાં કોઈ ખાલી આશ્રમ જરૂર મીલ જાયેગા

વળી હું ત્યાંથી ચાલતા-ચાલતા 3 કિમી દુર લક્ષ્મણ ઝુલા જવા નીકળ્યો. રસ્તામાં આવતા 2-3 આશ્રમમાં તપાસ કરી. પણ એ જ નિરાશા, એક આશ્રમ વાળાએ તો કહ્યુ કે તમે તમારૂ નામ, એડ્રેસ વગેરે ચિઠ્ઠીમાં લખી દો. અમે તમારા ઘરે પત્ર મોકલીશું તે પરવાનગી આપે તો જ અમે તમને રહેવા દઈએ. મારો તો મગજ હટી ગયો. ક્યારે તમે પત્ર મોકલો, ક્યારે પહોચે અને ક્યારે ત્યાંથી પરવાનગી મળે. ત્યાં સુધીમાં તો હું આખો હિમાલય ફરી લઉં.

મેં તેમને સમજાવ્યા કે મારે તો માત્ર 1-2 દિવસ જ રહેવું છે. પણ મારી એક પણ વાત ન સાંભળી અને મને રહેવાની જગ્યા આપવાની ના પાડી દિધી. હું ત્યાંથી નિકળી લક્ષ્મણ ઝુલાના રસ્તે આગળ વધ્યો. ઘનઘોર અંધારૂ, ઠંડી અને હું એકલો. ફરી એ જ રવિન્દ્રનાથ ટાગોરનું ગીત એકલા ચલો, એકલા ચાલો મનમાં ગુંજ્યા કરે. ને હું એકલો ચાલતો રહ્યો. 

લક્ષ્મણઝુલા પહોચતાં ખુબ મોડુ થઈ ગયેલુ. બધા આશ્રમો બંધ થઈ ચૂક્યા હતા. હવે તો રસ્તાના કિનારે કોઈ ઝાડ નીચે સારી જગ્યા જોઈ સુઈ જવા સિવાય કોઈ વિકલ્પ હતો જ નહીં. પણ ત્યાં જ હું એક ગલીમાંથી પસાર થતો હતો ત્યાં એક ગેસ્ટ હાઉસ બંધ થઈ રહ્યુ હતુ. એક આશાનું કિરણ દેખાયુ મને. હું ત્યાં પહોચ્યો ને પુછ્યુ એક રાત કે લીયે રૂમ મિલેગા?
ત્યાં રહેલા 20 વર્ષના છોકરાએ કહ્યુ, હા બાબાજી એક રૂમ હે મને ખુશી થઈ. ચલો હવે મેળ પડશે.
હજુ હું ભાવ વિશે કંઈ પુછવા જાવ તે પહેલા જ પેલાએ કહ્યુ બાબા આપકે પાસ કિતને પૈસે હે?
મેં કહ્યુ, " સો રુપયે " 
પેલાએ કહ્યુ, કોઈ બાત નહીં બાબાજી ચલેગા
અને એણે મને સો રૂપિયામાં રૂમ આપી દિધો. એના મતે હું એક યુવા સંન્યાસી જ હતો. અંતે રાત્રે 1 વાગ્યે મને રૂમ મળ્યો. રૂમમાં પહોચીને મને સમજાયું કે પુસ્તકોમાં જે વર્ણન છે તે અને અહીંની વાસ્તવિક સ્થિતિ સાવ અલગ છે. એક રૂમ મેળવવા માટે સાંજથી હું ભટકતો હતો ત્યારે રાત્રે એક વાગ્યે રૂમ મળ્યો। પણ છતાં મને આનંદ હતો. હું સન્યાંસીના વેશમાં મારી દુનિયાથી સાવ અલગ હતો.

(વધુ આવતા અંકે)