01 June, 2020

**પ્રેમ દીવાની મીરા **


મીરા શબ્દ બોલતા જ...પ્રેમ, દીવાનગી, સમર્પણ જેવા ભાવ જાગી ઉઠે...
મીરા,આંડાલ, ગૌરાંગ, રામકૃષ્ણ પરમહંસ, નરસિંહ આ બધા તો ભક્તિમાર્ગના સર્વોચ્ચ શિખર. તેઓ ભાવ જગતમાં સતત કૃષ્ણને જોઈ શકતા , મળી શકતા, વાતો કરી શકતા. રામકૃષ્ણ પરમહંસે કહેલું કે આ વાત વૈજ્ઞાનિક માનસને થોડી વિચિત્ર લાગે પણ ભાવ જગત સત્ય છે. જેમ હવા છે પણ જોઈ ના શકાય, ઇન્ફ્રારેડ કે સૂક્ષ્મ તરંગો હોય પણ આપણી આંખ થી જોઈ ના શકાય તેવું જ સૂક્ષ્મ શરિર કે ભાવ જગતનું છે..જોઈ ના શકાય એનો મતલબ એમ નથી કે એનું અસ્તિત્વ નથી...

**મીરાનું જીવન-કવન**

મીરાનું જન્મ સ્થળ રાજસ્થાનના મેડતાથી થોડું દૂર આવેલ ગામ- કુડકી
પિતા રતનસિંહ અને માતા- કુસુમકુંવરની આ પુત્રીનું બાળપણનું નામ "પેમેલ " હતું.પણ બધા તેને મીરા નામથી જ બોલાવતા. 3-4 વર્ષે માતાનું અવસાન થયેલ અને પિતા યુદ્ધો અને રાજકાજમાં વ્યસ્ત રહેતાબ હોવાથી તેના દાદા રાય દૂદા એ તેમને મેડતા બોલાવી લીધેલા।
પિતા રતનસિંહના મોટાભાઈ વિરમદેવ અને તેની પત્નીએ મીરાને સગી પુત્રીની જેમ જ પાલન પોષણ કરેલ. મીરાએ નાનપણમાં જ શ્રીમદ્દભાગવત અને ભક્તિગ્રંથોનું અધ્યયન કરેલ. મીરાએ કાવ્ય, સાહિત્ય, સંગીતનો પણ અભ્યાસ કરેલ હશે તેવું તેના પદો પરથી સ્પષ્ટ જણાઈ આવે છે..
એવું કહેવાય છે કે એક કૃષ્ણભક્ત સાધુના આગમન વખતે તેની પાસે રહેલ ગિરિધર ગોપાલની મૂર્તિના દર્શનથી મીરાને પૂર્વજન્મની કૃષ્ણપ્રીત જાગ્રત થયેલ અને પછી તો " મેરે તો ગિરિધર ગોપાલ, દુસરો ના કોઈ " એ પ્રીત આજીવન રહી...મીરાએ સાધુ પાસેથી એ મૂર્તિ મેળવવા ખાવા પીવાનો ત્યાગ કરીને બાળહઠ કરેલ અને અંતે તે મૂર્તિ મેળવી.
અંદર છુપાયેલ સંસ્કારોને માધ્યમ મળતા જ તે બહાર આવે છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે....
મીરાના દાદા રાઠોડ રાવ દુદાની ઈચ્છાથી મીરાના લગ્ન ચિતોડના સીસોદીયા વંશના રાજા મહારાણા સંગ્રામસિંહ ( રાણાસાંગા ) ના કુંવર ભોજરાજ સાથે થયેલ. પણ મીરાને તો કૃષ્ણ સાથે જનમો જન્મની પ્રીત હતી એટલે તે સંસારી ના બની શક્યા. પણ ભોજરાજ સમજુ માણસ હતા એટલે તેણે મીરાની કૃષ્ણ પ્રીતિને સન્માન આપ્યું. અને તેની પાસેથી આદર્શ ગૃહસ્થ જીવનની કોઈ અપેક્ષા ના રાખી અને તેને ભક્તિ માટે વધુ અનુકૂળતા કરી આપેલ. બાદમા ભોજરાજે મીરાની અનુમતિથી બીજા લગ્ન પણ કરેલ..
પણ ધીરે ધીરે મીરાએ એક પછી એક - પિતા, પતિ, સસરા વગેરે જેવા આધારો ગુમાવ્યા. હવે તેની સાર સંભાળ રાખે એમ કોઈ ના હતું।.
રાણાસાંગા બાદ ચિતોડની ગાદી પર રાણા રત્નસિંહ આવેલ અને તેના મૃત્યુ બાદ રાણા વિક્રમાદિત્ય ગાદી પર આવેલ કે જેણે મીરાંને ખૂબ દુઃખો આપેલ. મીરાંએ રાણાને ઉદેશીને જે અનેક પદો રચ્યાં છે તે તેમના દિયર આ રાણા વિક્રમાદિત્ય જ..
મીરા વિધવા હોવા છતાં કૃષ્ણની પતિ માનતી, મીરા નો ભક્તિ અને સાધુ સંગ તથા બધા બંધનો છોડીને કૃષ્ણ માટે નાચવું વગેરે જેવા અનેક કારણોની કારણે રાણા, તેની માતા કર્માવતી અને બહેન ઉદાએ તેને ખુબ દુઃખ આપેલ અને અંતે તો મારી નાખવા સુધીના પ્રયાસો કરેલા.
જેમાં એક વાર ઝેરનો કટોરો મોકલેલો અને મીરા તે જાણતા હોવા છતાં પી ગયેલા ( " ઝેર તો પીધા છે જાણી જાણી, નથી રે પીધા અજાણી...ઓ મેવાડના રાણા )
બાદમાં એક કરંડિયામાં સર્પ પણ મોકલાવેલો પણ કહેવાય છે ભગવત કૃપાથી તે શાલિગ્રામ બની ગયેલ.


અંતે મીરા ચિતોડ છોડીને થોડો સમય મેડતા ગયા અને ત્યાંથી વૃંદાવન જતા રહેલા....ત્યાં તેઓ અનેક સાધુ સંતોને મળેલા. ત્યાં તેઓને ચૈતન્ય મહાપ્રભુજી( ગૌરાંગ)ના છ ગોસ્વામી પૈકી બે ગોસ્વામી - જીવ ગોસ્વામી અને રઘુનાથ ગોસ્વામી મળેલા. તેઓએ મીરાને ચૈતન્યદેવના આધ્યાત્મિક પથનો પરિચય કરાવેલો. જેમ એક સમયે કૃષ્ણ વૃંદાવન-મથુરા છોડીને દ્વારિકા ગયેલા તેમ જ મીરા પણ વૃંદાવન છોડીને અંતે દ્વારીકા આવી વસેલા. વૃંદાવન વિરહ ભૂમિ છે જ્યારે દ્વારિકા મિલન ભૂમિ છે.
આ સમયે ચિતોડમાં ઉદયસિંહ નું અને મેડતા તેના ભાઈ જયમલ નું શાશન હતું..બંનેએ સાથે મળીને મીરાને પાછા બોલાવવા ખૂબ પ્રયત્નો કરેલા. પણ મીરા " પ્રિયતમની ભૂમિમાં જ મને રહેવા દો એમ કહેતા.."
એક કથા મુજબ ચિતોડના બ્રાહ્મણોએ આવીને મીરાને કહેલું કે તમે આમારી સાથે ચિતોડ પધારો બાકી અમે અનશન કરીને દેહનો ત્યાગ કરીશું।...પણ આપણે લીધા વિના અમને પછ નહિ ફરીએ "
મીરા કહે છે દ્વારિકાનાથને પૂછ્યા વિના હું એક ડગલું પણ ના માંડું એટલે બ્રાહ્મણો એ કહ્યું તો તમે એમને પૂછી લો...
મીરા એ દિવસે સોળે શણગાર સજીને હાથમાં તાનપુરો, મંજીરા લઈને મંદિરમાં પ્રવેશ્યા...અને પદો ગાવાના શરૂ કર્યા.લોકોની ભીડ જામી હતી, મીરા એક પછી એક પદ અને રાગ છેડતા જાય છે....મીરા ભાવ જગતમાં પ્રવેશી ગયા કંઈ ભાન નથી...બસ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ....અને દોડીને દ્વારિકાધીશની મૂર્તિને ભેટી પડયા...એ અદભૂત અલૌકિક મિલન....કહેવાય છે કે મીરા એ દિવસે એ મૂર્તિમાં સમાઈ ગયા....એક બિંદુ સાગરમાં ભળી ગયું...ખુદ સાગર થઇ ગયું....સચ્ચિદાનંદ....
આવી હતી દીવાની મીરા....
મીરાના જીવનમાં પ્રેમ, ભક્તિ, મધુરભાવ, આધ્યાત્મ, યોગ, વેદાંત આ બધાનું મિશ્રણ જોવા મળે છે....

ऐ री मैं तो प्रेम-दिवानी,
मेरो दर्द न जाणै कोय ।

** આધ્યાત્મિક વિભૂતિ- ભાણદેવ **



મોરબીના ભાણદેવનો મારા મગજમાં એક માત્ર પ્રથમ પરિચય એક લેખક તરીકેનો હતો.. અધ્યાત્મમાર્ગના યાત્રીને માર્ગદર્શક એવા તેમના ઘણા પુસ્તકો મેં ભૂતકાળમાં વાંચેલા....

હિમાલયની યાત્રા અને સ્વામી સચ્ચિદાનંદને મળ્યા બાદ ભાણદેવજી ને પણ મળવાની ઈચ્છા ખૂબ જ હતી....પણ બધું તેમના સમયે જ થાય...સમય થાય તો એ તમને સામેથી ખેંચી લે...ને જ્યારે યોગ્ય સમય થયો એટલે એણે ખેંચી પણ લીધા....

આ જ અરસામાં મેં ભાણદેવે ગોંડલના પૂ.ભાઈશ્રી નાથાલાલ જોશી પર લખેલ 4 પુસ્તકો ( રામનાથ કથામૃત) વાંચ્યા ત્યારે મને ખબર પડી કે પૂ.ભાઈ એ તો ભાણદેવના ગુરુ થાય અને ભાણદેવ 10 વર્ષ તમની સાથે રહેલા...અહા....એક ને વાંચતા વાંચતા હું પૂ.ભાઈ સુધી પહોંચી ગયો, આ પૂ. ભાઈમાં માં જગદંબાનું પ્રાગટય થયેલ. નાથાલાલ જોશી બહુ મોટી વિભૂતિ હતા. મકરંદદવે અને બીજા અસંખ્ય લોકોના ગુરુ એટલે નાથાલાલ જોશી....એના વિશે લખીએ એટલું ઓછું....

ગોંડલના પૂ. ભાઈશ્રીના ઘરની મુલાકાત પણ અમે લીધેલી અને તેની સમાધિના દર્શન પણ કરેલા..ત્યારે ત્યાંના લોકોએ ભાણદેવને યાદ કરેલા કે એ તો અહીં ઘણીવાર આવે, એ પૂ.ભાઈના શિષ્ય હતા...

કેવું આશ્ચર્ય ?? જે ભાણદેવને હું ઘણા સમયથી મળવા માંગતો હતો તેને મળતા પહેલા નિયતીએ મને તેના ગુરુને જ પહેલાં મળાવી દીધા....ધન્ય ધન્ય.....

માર્ચ-2020 શરૂઆતમાં હું અને મારી પત્ની મોરબી ગયેલા. ભાણદેવને મળવા...મોરબી પાસે જોધપર(નદી) ગામે આ આઘ્યાત્મિક વિભૂતિ ભાણદેવનો આશ્રમ આવેલો છે...

હું અને મારી પત્ની તેમેના આશ્રમને શોધતા શોધતા બપોરના સમયે તેના આશ્રમ પર પહોંચેલ, બપોરનો સમય એટલે બધું સુમસામ હતું. આશ્રમમાં કોઈ જણાતું ન હતું, અમે આમ તેમ આંટા માર્યા અને થોડા નિરાશ થયા કે ભાણદેવ નહીં મળે તો ? કારણ કે આશ્રમનો સમય 4 વાગ્યા પછીનો હતો અને અમે બપોરે આવ્યા હતા....
પણ ત્યાં જ કોઈ દાઢી વાળા સફેદ વસ્ત્રો માં સજ્જ એક પુરુષ બહાર આવ્યો, અમને પૂછ્યું કે બોલો શુ કામ છે ? આમ તો મેં કદી ભાણદેવને જોયેલા નહીં, બસ એમને વાંચ્યા જ હતા, પણ આ સજ્જનને જોઈને મને અંદર થી લાગ્યું કે આ જ ભાણદેવ હોવા જોઈએ....એટલે મેં કહ્યું આપને ખાસ મળવા માટે આવ્યા છીએ, ત્યારે એ અમને તેના રૂમમાં લઇ ગયેલા અને પછી આધ્યાત્મિક સંવાદ થયો.

મને મૂંઝવતા ઘણા આધ્યાત્મિક પ્રશ્નોના જવાબ એમણે આપેલા. તેણે અમને તેની વિશાળ લાઈબ્રેરી બતાવેલી અને અમને ચાવી સોંપીને કહ્યું કે શાંતિ થી બધા પુસ્તકો જુવો અને જે પુસ્તકો ગમેતે લઈ લો.....

એ દિવસે એમણે મને મહર્ષિ અરવિંદને વાંચવાનું કહેલ. ભાણદેવજી એ જ મહર્ષિ અરવિંદ પર લખેલ પુસ્તક મેં તેમની લાઈબ્રેરી માંથી લીધેલું અને ઘરે આવીને વાંચેલ...

અરવિંદ વિશે ઘણું સાંભળેલ પણ તેમને કદી વાંચેલ નહીં....ત્યારબાદ મહર્ષિ અરવિંદનું બૃહદ જીવનચરિત્ર પણ વાંચ્યું. ખૂબ જ મજા પડી ગઈ...

જાણે ગંગાના વિશાળ ફલોમાં વહેતા હોઈએ એવું લાગે......

મહર્ષિ અરવિંદને હું માત્ર ઇતિહાસના ભાગ રૂપે એક ક્રાંતિકારી તરીકે ઓળખાતો હતો પણ એની ગહન આધ્યાત્મિક સાધના વિશે હમણાં જ જાણ્યું...

એ ખૂબ જ બુદ્ધિશાળી હતા એમા કોઈ જ શક ના હતો. તે સ્વાતંત્રસેનાની, લેખક અને કવિ પણ ઉચ્ચ કોટિના હતા...

પણ એણે અધ્યાત્મમાં એક નવો જ આયામ આપેલ. પૂર્ણયોગ...અતિમનસની સાધના...


આધ્યાત્મના યાત્રીઓએ તેમને જરૂર વાંચવા... જોઈએ.....


**અહંકાર / અભિમાન શાનું ?**


આ સૃષ્ટિ અનંત છે. જરા કલ્પના કરીએ તો ખબર પડે કે,
આ બ્રહમાંડમાં અગણિત ગેલેકસીઓ છે.
હજારો, લાખો, કરોડો જેવા મોટા,આંકડાથી ૫ણ ગણી નથી શકાતી એટલે infinites, અગણિતની કેટેગરીમાં મુકવી પડે છે.
અને તેમા અગણિત તારા મંડળો,
એમાની માત્ર એક આ૫ણી ગેલેકસી અને
તેના અગણિત તારા મંડળોનું આ૫ણું તારામંડળ
અને તેમાં આ૫ણી એક પૃથ્વી.
આ પૃથ્વીમાં કયાં આ૫ણા ખંડ, દેશ, રાજય, શહેર,
ને આપણી શેરી..ને આ૫ણે ?
હવે જરા વિચારીએ કે આ અનંત બ્રહમાંડ સામે આ૫ણું અસ્તિત્વ શું ?
સાવ નગણ્ય.

જાણે વિશાળ સમુહના એક બૂંદનો લાખમો ભાગ,
તો સતા, પૈસા, શકિત, ૫દનું અભિમાન શાનું ?
અનંત બ્રહમાંડ પાસે આ૫ણે ભિખારી જ કહેવાઇએને ?
અભિમાન કરવું એટલે બૂંદ દરીયાને ચેલેન્જ કરે તેના જેવુ,
જે તેને ક્ષણમાં ખતમ કરી નાખે.

આતો એવું થાય કે એક અંનત ૫હાડના તળીયે એક કીડી બેઠી હોય,
ને તે પોતની મોટાઇની, પોતાના રૂ૫, રંગ વૈભવ, સતા,શક્તિનું
અભિમાન પહાડ સામે કરે....પહાડ સામે કીડીનું મૂલ્ય શું ?
કીડી પહાડને જોઇ પણ ન શકે,
આ૫ણે ૫ણ આ કીડી જેવા છીએ.
અભિમાન & અહંકાર વિસર્જન થાય તો,
બૂંદ સાગરમાં ભળી જાય તે બોલી ઉઠે કે,
હું પણ સાગરનો જ ભાગ છું.

હું કર્તા છુ તેનો , અહંકાર જ આ૫ણને ખતમ કરી નાખે છે. આ અહંકાર જ,આગળ જઇને અભિમાનમાં પરીણમે છે.
૫ણ જો ખરૂ જ્ઞાન મળે તો જાણી શકાય કે,
અરેરે ! હું તો અનંત સામે કઇ જ નથી,
હું તો કશુ જ જાણતો નથી,
હું તો ૫રમતત્વની રજ માત્ર છુ..
એટલે બઘુ જ ઓગળી જાય..
કરનાર તો એ એક...
પછી માત્ર બચે તે હશે સમર્પણ..
બઘુ એ જ કરે છે, આ૫ણે માત્ર માઘ્યમ....
પછી નદીના ફલોમાં વહેતા હોઇએ એમ લાગે....
પછી આપણે પણ અનંતમાં ભળી જઈએ અને તેનો ભાગ બની જઈએ..
પછી આનંદ જ આનંદ.....