01 June, 2020

**પ્રેમ દીવાની મીરા **


મીરા શબ્દ બોલતા જ...પ્રેમ, દીવાનગી, સમર્પણ જેવા ભાવ જાગી ઉઠે...
મીરા,આંડાલ, ગૌરાંગ, રામકૃષ્ણ પરમહંસ, નરસિંહ આ બધા તો ભક્તિમાર્ગના સર્વોચ્ચ શિખર. તેઓ ભાવ જગતમાં સતત કૃષ્ણને જોઈ શકતા , મળી શકતા, વાતો કરી શકતા. રામકૃષ્ણ પરમહંસે કહેલું કે આ વાત વૈજ્ઞાનિક માનસને થોડી વિચિત્ર લાગે પણ ભાવ જગત સત્ય છે. જેમ હવા છે પણ જોઈ ના શકાય, ઇન્ફ્રારેડ કે સૂક્ષ્મ તરંગો હોય પણ આપણી આંખ થી જોઈ ના શકાય તેવું જ સૂક્ષ્મ શરિર કે ભાવ જગતનું છે..જોઈ ના શકાય એનો મતલબ એમ નથી કે એનું અસ્તિત્વ નથી...

**મીરાનું જીવન-કવન**

મીરાનું જન્મ સ્થળ રાજસ્થાનના મેડતાથી થોડું દૂર આવેલ ગામ- કુડકી
પિતા રતનસિંહ અને માતા- કુસુમકુંવરની આ પુત્રીનું બાળપણનું નામ "પેમેલ " હતું.પણ બધા તેને મીરા નામથી જ બોલાવતા. 3-4 વર્ષે માતાનું અવસાન થયેલ અને પિતા યુદ્ધો અને રાજકાજમાં વ્યસ્ત રહેતાબ હોવાથી તેના દાદા રાય દૂદા એ તેમને મેડતા બોલાવી લીધેલા।
પિતા રતનસિંહના મોટાભાઈ વિરમદેવ અને તેની પત્નીએ મીરાને સગી પુત્રીની જેમ જ પાલન પોષણ કરેલ. મીરાએ નાનપણમાં જ શ્રીમદ્દભાગવત અને ભક્તિગ્રંથોનું અધ્યયન કરેલ. મીરાએ કાવ્ય, સાહિત્ય, સંગીતનો પણ અભ્યાસ કરેલ હશે તેવું તેના પદો પરથી સ્પષ્ટ જણાઈ આવે છે..
એવું કહેવાય છે કે એક કૃષ્ણભક્ત સાધુના આગમન વખતે તેની પાસે રહેલ ગિરિધર ગોપાલની મૂર્તિના દર્શનથી મીરાને પૂર્વજન્મની કૃષ્ણપ્રીત જાગ્રત થયેલ અને પછી તો " મેરે તો ગિરિધર ગોપાલ, દુસરો ના કોઈ " એ પ્રીત આજીવન રહી...મીરાએ સાધુ પાસેથી એ મૂર્તિ મેળવવા ખાવા પીવાનો ત્યાગ કરીને બાળહઠ કરેલ અને અંતે તે મૂર્તિ મેળવી.
અંદર છુપાયેલ સંસ્કારોને માધ્યમ મળતા જ તે બહાર આવે છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે....
મીરાના દાદા રાઠોડ રાવ દુદાની ઈચ્છાથી મીરાના લગ્ન ચિતોડના સીસોદીયા વંશના રાજા મહારાણા સંગ્રામસિંહ ( રાણાસાંગા ) ના કુંવર ભોજરાજ સાથે થયેલ. પણ મીરાને તો કૃષ્ણ સાથે જનમો જન્મની પ્રીત હતી એટલે તે સંસારી ના બની શક્યા. પણ ભોજરાજ સમજુ માણસ હતા એટલે તેણે મીરાની કૃષ્ણ પ્રીતિને સન્માન આપ્યું. અને તેની પાસેથી આદર્શ ગૃહસ્થ જીવનની કોઈ અપેક્ષા ના રાખી અને તેને ભક્તિ માટે વધુ અનુકૂળતા કરી આપેલ. બાદમા ભોજરાજે મીરાની અનુમતિથી બીજા લગ્ન પણ કરેલ..
પણ ધીરે ધીરે મીરાએ એક પછી એક - પિતા, પતિ, સસરા વગેરે જેવા આધારો ગુમાવ્યા. હવે તેની સાર સંભાળ રાખે એમ કોઈ ના હતું।.
રાણાસાંગા બાદ ચિતોડની ગાદી પર રાણા રત્નસિંહ આવેલ અને તેના મૃત્યુ બાદ રાણા વિક્રમાદિત્ય ગાદી પર આવેલ કે જેણે મીરાંને ખૂબ દુઃખો આપેલ. મીરાંએ રાણાને ઉદેશીને જે અનેક પદો રચ્યાં છે તે તેમના દિયર આ રાણા વિક્રમાદિત્ય જ..
મીરા વિધવા હોવા છતાં કૃષ્ણની પતિ માનતી, મીરા નો ભક્તિ અને સાધુ સંગ તથા બધા બંધનો છોડીને કૃષ્ણ માટે નાચવું વગેરે જેવા અનેક કારણોની કારણે રાણા, તેની માતા કર્માવતી અને બહેન ઉદાએ તેને ખુબ દુઃખ આપેલ અને અંતે તો મારી નાખવા સુધીના પ્રયાસો કરેલા.
જેમાં એક વાર ઝેરનો કટોરો મોકલેલો અને મીરા તે જાણતા હોવા છતાં પી ગયેલા ( " ઝેર તો પીધા છે જાણી જાણી, નથી રે પીધા અજાણી...ઓ મેવાડના રાણા )
બાદમાં એક કરંડિયામાં સર્પ પણ મોકલાવેલો પણ કહેવાય છે ભગવત કૃપાથી તે શાલિગ્રામ બની ગયેલ.


અંતે મીરા ચિતોડ છોડીને થોડો સમય મેડતા ગયા અને ત્યાંથી વૃંદાવન જતા રહેલા....ત્યાં તેઓ અનેક સાધુ સંતોને મળેલા. ત્યાં તેઓને ચૈતન્ય મહાપ્રભુજી( ગૌરાંગ)ના છ ગોસ્વામી પૈકી બે ગોસ્વામી - જીવ ગોસ્વામી અને રઘુનાથ ગોસ્વામી મળેલા. તેઓએ મીરાને ચૈતન્યદેવના આધ્યાત્મિક પથનો પરિચય કરાવેલો. જેમ એક સમયે કૃષ્ણ વૃંદાવન-મથુરા છોડીને દ્વારિકા ગયેલા તેમ જ મીરા પણ વૃંદાવન છોડીને અંતે દ્વારીકા આવી વસેલા. વૃંદાવન વિરહ ભૂમિ છે જ્યારે દ્વારિકા મિલન ભૂમિ છે.
આ સમયે ચિતોડમાં ઉદયસિંહ નું અને મેડતા તેના ભાઈ જયમલ નું શાશન હતું..બંનેએ સાથે મળીને મીરાને પાછા બોલાવવા ખૂબ પ્રયત્નો કરેલા. પણ મીરા " પ્રિયતમની ભૂમિમાં જ મને રહેવા દો એમ કહેતા.."
એક કથા મુજબ ચિતોડના બ્રાહ્મણોએ આવીને મીરાને કહેલું કે તમે આમારી સાથે ચિતોડ પધારો બાકી અમે અનશન કરીને દેહનો ત્યાગ કરીશું।...પણ આપણે લીધા વિના અમને પછ નહિ ફરીએ "
મીરા કહે છે દ્વારિકાનાથને પૂછ્યા વિના હું એક ડગલું પણ ના માંડું એટલે બ્રાહ્મણો એ કહ્યું તો તમે એમને પૂછી લો...
મીરા એ દિવસે સોળે શણગાર સજીને હાથમાં તાનપુરો, મંજીરા લઈને મંદિરમાં પ્રવેશ્યા...અને પદો ગાવાના શરૂ કર્યા.લોકોની ભીડ જામી હતી, મીરા એક પછી એક પદ અને રાગ છેડતા જાય છે....મીરા ભાવ જગતમાં પ્રવેશી ગયા કંઈ ભાન નથી...બસ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ....અને દોડીને દ્વારિકાધીશની મૂર્તિને ભેટી પડયા...એ અદભૂત અલૌકિક મિલન....કહેવાય છે કે મીરા એ દિવસે એ મૂર્તિમાં સમાઈ ગયા....એક બિંદુ સાગરમાં ભળી ગયું...ખુદ સાગર થઇ ગયું....સચ્ચિદાનંદ....
આવી હતી દીવાની મીરા....
મીરાના જીવનમાં પ્રેમ, ભક્તિ, મધુરભાવ, આધ્યાત્મ, યોગ, વેદાંત આ બધાનું મિશ્રણ જોવા મળે છે....

ऐ री मैं तो प्रेम-दिवानी,
मेरो दर्द न जाणै कोय ।

1 comment:

  1. khub saras and adbhut sir. and "Mari Algari Himalay Yatra" par pan aagad lakho sir, aa story pan aakhi puri karo.

    ReplyDelete