મોરબીના ભાણદેવનો મારા મગજમાં એક માત્ર પ્રથમ પરિચય એક લેખક તરીકેનો હતો.. અધ્યાત્મમાર્ગના યાત્રીને માર્ગદર્શક એવા તેમના ઘણા પુસ્તકો મેં ભૂતકાળમાં વાંચેલા....
હિમાલયની યાત્રા અને સ્વામી સચ્ચિદાનંદને મળ્યા બાદ ભાણદેવજી ને પણ મળવાની ઈચ્છા ખૂબ જ હતી....પણ બધું તેમના સમયે જ થાય...સમય થાય તો એ તમને સામેથી ખેંચી લે...ને જ્યારે યોગ્ય સમય થયો એટલે એણે ખેંચી પણ લીધા....
આ જ અરસામાં મેં ભાણદેવે ગોંડલના પૂ.ભાઈશ્રી નાથાલાલ જોશી પર લખેલ 4 પુસ્તકો ( રામનાથ કથામૃત) વાંચ્યા ત્યારે મને ખબર પડી કે પૂ.ભાઈ એ તો ભાણદેવના ગુરુ થાય અને ભાણદેવ 10 વર્ષ તમની સાથે રહેલા...અહા....એક ને વાંચતા વાંચતા હું પૂ.ભાઈ સુધી પહોંચી ગયો, આ પૂ. ભાઈમાં માં જગદંબાનું પ્રાગટય થયેલ. નાથાલાલ જોશી બહુ મોટી વિભૂતિ હતા. મકરંદદવે અને બીજા અસંખ્ય લોકોના ગુરુ એટલે નાથાલાલ જોશી....એના વિશે લખીએ એટલું ઓછું....
ગોંડલના પૂ. ભાઈશ્રીના ઘરની મુલાકાત પણ અમે લીધેલી અને તેની સમાધિના દર્શન પણ કરેલા..ત્યારે ત્યાંના લોકોએ ભાણદેવને યાદ કરેલા કે એ તો અહીં ઘણીવાર આવે, એ પૂ.ભાઈના શિષ્ય હતા...
કેવું આશ્ચર્ય ?? જે ભાણદેવને હું ઘણા સમયથી મળવા માંગતો હતો તેને મળતા પહેલા નિયતીએ મને તેના ગુરુને જ પહેલાં મળાવી દીધા....ધન્ય ધન્ય.....
માર્ચ-2020 શરૂઆતમાં હું અને મારી પત્ની મોરબી ગયેલા. ભાણદેવને મળવા...મોરબી પાસે જોધપર(નદી) ગામે આ આઘ્યાત્મિક વિભૂતિ ભાણદેવનો આશ્રમ આવેલો છે...
હું અને મારી પત્ની તેમેના આશ્રમને શોધતા શોધતા બપોરના સમયે તેના આશ્રમ પર પહોંચેલ, બપોરનો સમય એટલે બધું સુમસામ હતું. આશ્રમમાં કોઈ જણાતું ન હતું, અમે આમ તેમ આંટા માર્યા અને થોડા નિરાશ થયા કે ભાણદેવ નહીં મળે તો ? કારણ કે આશ્રમનો સમય 4 વાગ્યા પછીનો હતો અને અમે બપોરે આવ્યા હતા....
પણ ત્યાં જ કોઈ દાઢી વાળા સફેદ વસ્ત્રો માં સજ્જ એક પુરુષ બહાર આવ્યો, અમને પૂછ્યું કે બોલો શુ કામ છે ? આમ તો મેં કદી ભાણદેવને જોયેલા નહીં, બસ એમને વાંચ્યા જ હતા, પણ આ સજ્જનને જોઈને મને અંદર થી લાગ્યું કે આ જ ભાણદેવ હોવા જોઈએ....એટલે મેં કહ્યું આપને ખાસ મળવા માટે આવ્યા છીએ, ત્યારે એ અમને તેના રૂમમાં લઇ ગયેલા અને પછી આધ્યાત્મિક સંવાદ થયો.
મને મૂંઝવતા ઘણા આધ્યાત્મિક પ્રશ્નોના જવાબ એમણે આપેલા. તેણે અમને તેની વિશાળ લાઈબ્રેરી બતાવેલી અને અમને ચાવી સોંપીને કહ્યું કે શાંતિ થી બધા પુસ્તકો જુવો અને જે પુસ્તકો ગમેતે લઈ લો.....
એ દિવસે એમણે મને મહર્ષિ અરવિંદને વાંચવાનું કહેલ. ભાણદેવજી એ જ મહર્ષિ અરવિંદ પર લખેલ પુસ્તક મેં તેમની લાઈબ્રેરી માંથી લીધેલું અને ઘરે આવીને વાંચેલ...
અરવિંદ વિશે ઘણું સાંભળેલ પણ તેમને કદી વાંચેલ નહીં....ત્યારબાદ મહર્ષિ અરવિંદનું બૃહદ જીવનચરિત્ર પણ વાંચ્યું. ખૂબ જ મજા પડી ગઈ...
જાણે ગંગાના વિશાળ ફલોમાં વહેતા હોઈએ એવું લાગે......
મહર્ષિ અરવિંદને હું માત્ર ઇતિહાસના ભાગ રૂપે એક ક્રાંતિકારી તરીકે ઓળખાતો હતો પણ એની ગહન આધ્યાત્મિક સાધના વિશે હમણાં જ જાણ્યું...
એ ખૂબ જ બુદ્ધિશાળી હતા એમા કોઈ જ શક ના હતો. તે સ્વાતંત્રસેનાની, લેખક અને કવિ પણ ઉચ્ચ કોટિના હતા...
પણ એણે અધ્યાત્મમાં એક નવો જ આયામ આપેલ. પૂર્ણયોગ...અતિમનસની સાધના...
No comments:
Post a Comment