23 August, 2019

કિલેશ્વર - બરડાની ગોદમાં

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં પોરબંદર જિલ્લાની સરહદ ઉપર આવેલ બરડા ડુંગરમાં જામ રાજવીઓના વખતમાં કિલેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું હતું. અનામત વન વિસ્તાર જાહેર કરવામાં આવેલા આ વિસ્તારમાં આવેલું શિવાલય જામ શાસનની ભવ્યતાનું દર્શન કરાવે છે. શ્રાવણ માસમાં કિલેશ્વરના દર્શને ભાવિકોની ભીડ ઉમટી પડે છે.

ચોમાસામાં આ સ્થળની મુલાકાત લેવી  એ જીવનભરનો લહાવો છે. ચારેબાજુ બરડા ડુંગરની હારમાળા , ઉપરથી વરસતો ધીમો ધીમો વરસાદ અને જંગલની વનરાઈ,તમને જાણે કે ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવતા હોય તેમ લાગે. 


કિલેશ્વર તેના સુંદર મહાદેવ મંદિર માટે જાણીતું છે, જે જામનગરથી 50 કિલોમીટર દૂર બરડા ડુંગરમાં આવેલું છે. જામનગરના રાજવી શ્રી જામ સાહેબે કીલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કર્યું છે અને આ રીતે આ સ્થળનું નામ આપવામાં આવ્યું છે. તદનુસાર પૌરાણિક કથાઓ, પાંડવો આ સ્થળે તેમના અલગ સમય દરમિયાન રહ્યા હતા.



એક સમયે મંદિરનો ભાગ જર્જરિત થયો હોય ત્રિકાળજ્ઞાની સિધ્ધ પુરૂષ ત્રિકમજી મહારાજે જામ રણજીતસિંહજીને કિલેશ્વર મહાદેવ મંદિરનો થોડો ભાગ ખુલ્લો થઇ ગયો હોય તે અંગે રજૂઆત કર્યા બાદ જીર્ણોદ્ધાર જામ શત્રુશલ્યસિંહજીએ કરાવ્યો હતો.
૧૯૭૪માં ભયંકર વાવાઝોડું થયા બાદ બરડા ડુંગરમાં રહેતા લોકોને રોજીરોટી મળી રહે તે માટે જામ ધર્માદા સંસ્થા દ્વારા વિકાસ કાર્યો કરવામાં આવ્યા હતા. જે ૧૯૭૭માં પૂરા થયા બાદ પોરબંદરના રાજવી પરિવારનાં નટવરસિંહજીના હસ્તે જામસાહેબે કળશ ચડાવ્યો હતો.

એક્સ્ટ્રા શોટ્સ -

ક્યારે જવું ? કિલેશ્વરની પ્રકૃતિનો સાચો આનંદ માણવો હોય તો ચોમાસામાં આ સ્થળની મુલાકાત લેવી. ઝરણા, ધીમો વરસાદ અને લીલોતરીનો શણગાર અનુભવાય છે...

કેવી રીતે જવું ? કિલેશ્વર પોરબંદરથી ૪૫ કિમી અને ભાણવડથી ૨૦ કિમી અંતરે આવેલ છે...તે બરડા અભયારણ્યમાં અંદર આવેલ હોય આથી ખાનગી બસ/કાર દ્વારા જ મુલાકાત લેવી હિતાવહ છે...

ક્યાં રોકાવું  ? જનાગલ વિસ્અતાર હોવાથી અહી રોકાવા પર પ્રતિબંધ છે. નજીકના મુખ્ય સ્થળ ભાણવડ,પોરબંદર પર રોકાણ કરવું જોઈએ...

નોંધ - કિલેશ્વર બરડા અભયારણ્યનો હિસ્સો હોવાથી સાંજે ૬ વાગ્યા સુધી જ આ જગ્યા પર પ્રવેશ મળે છે એટલે શક્ય હોય તો સવારે  આ સ્થળની મુલાકાત લેવી.




13 August, 2019

માધવપુર ઘેડ -

માધવપુર નામ ખુબ સંભાળેલ, અને નાયબ કલેકટર તરીકે પોરબંદર ખાતે પોસ્ટીંગ થતા જ મેં પહેલું કામ માધવપુર ફરવાનું કરેલું...માધવપુર પોરબંદરથી ૬૦ કિમી જ થાય એટલે હું અને મારી પત્ની કાર લઈને એક દિવસ  અહી પહોંચી જ ગયા... અહીનો કોસ્ટલ હાઈવે પણ અદભુત છે....એક બાજુ રોડ અને એક બાજુ દરિયો...

માધવપુરમાં પ્રવેશતા જ જાણે કૃષ્ણ અહી હોવાની ઝાંખી સતત થયા કરે. આ એ જ જગ્યા કે જ્યાં કૃષ્ણ ઘણો સમય રહ્યા હશે, અહીના દરિયામાં એને પણ પગ પલાળ્યા હશે અને આજે હું એ જ દરિયાની લહેરોને સ્પર્શું છું...જાણે આ સ્પર્શ કૃષ્ણમય છે...એ મહાપુરુષને સુક્ષ્મરૂપે મળવાનો આ લ્હાવો છે...

આ એ જ જગ્યા કે જ્યાં કૃષ્ણ -રુકમણીનાં લગ્ન થયા હતા.દર વર્ષે કૃષ્ણનાં લગ્નની યાદમાં  ૫ દિવસ સુધી અદભૂત મેળો ભરાય છે

મેળાની ઐતિહાસિક કથા - 

માધવપુર ઘેડમાં ભરાતા મેળાની કથા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી નાં લગ્ન પ્રંસંગની સાથે જોડાયેલ છે. પુરાણ કથા મુજબ વિદર્ભનાં રાજકુંવરી રૂક્ષ્મણીનું ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિ નાં દિવસે ભરાતા ભવનાથનો મેળા માંથી અપહરણ કરીને શ્રીકૃષ્ણ માધવપુર લઈ આવેલ. ત્યારબાદ અહીં માધવપુરમાં તેમના લગ્ન થયા હતાં. ત્યાર પછીથી તેમની યાદમાં દરવર્ષે અહીં ભારતીય શાસ્ત્રોકત વિધીથી લગ્નની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. આ લગ્નમાં દેશવિદેશથી દરેક જ્ઞાતિનાં લોકો જોડાય છે, જેથી અલગ અલગ ક્ષેત્રનાં લોકો આ મેળામાં આવતાં હોવાથી દરેક પ્રદેશનાં પોશાકો, ભાષા, રિતરીવાજ તેમજ કૌશલ્ય જોવા મળે છે. 


અહીનો દરિયા કિનારો ખૂબ જ સ્વચ્છ અને સુંદર છે. સળંગ ૧.૫ કી.મી. સુધીના મુખ્ય હાઈવેને પેરેલલ દરિયો છે. અહી સરકાર દ્વારા દર વર્ષે બીચ ફેસ્ટીવલનું પણ ભવ્ય આયોજન થાય છે. 

આ વિસ્તાર ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છ, કારણકે તે ખૂબ નીચાણવાળો વિસ્તાર છે. સૌરાષ્ટ્રની ઘણી બધી નદીઓ આ વિસ્તારમાં થઈને દરિયામાં વહી જાય છે. ચોમાસા દરમ્યાન તો આખો ઘેડ વિસ્તાર કેટલાય દિવસો સુધી પાણીથી ભરાઈને બેટનું રૂપ ધારાણ કરી લે છે. 

માધવપુરમાં ઓશો આશ્રમ પણ આવેલ છે. જે તેનું બીજું આકર્ષણ છે. સ્વામી બ્રહ્મવેદાંતજી ઓશોના શિષ્ય હતા જે હાલ લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે.  લોકો દૂર દૂર થી આવી અને  આશ્રમમાં રહીને આધ્યાત્મિક સાધના કરત હોય છે. 

અને થોડે ૭-૮ કિમી મોચા નામનું ગામ છે. જ્યાં હનુમાનજીનું પ્રખ્યાત મંદિર આવેલ છે. ફ્રાંસની એક મહિલા અહી ૪૦ વર્ષ પહેલા અહી આવીને વસેલી અને આધ્યાત્મિક સાધનામાં ડૂબેલી રહેતી. અને આજે પણ માતાજીના નામથી તે પ્રખ્યાત છે અને દુખી દર્દીઓની સેવા કરે છે. આશ્ચર્યતો એ  છે કે તે  વિદેશી હોવા છતાં મસ્ત કાઠિયાવાડી બોલી બોલે છે......એમને જોતા મને  પરબમાં રક્તપીતીયાની સેવા કરતા  અમરમાં  અને  મધર ટેરેસા યાદ આવી ગયેલા...માતાજીને નમન હો.....

માધવપુર ગામ પોરબંદરથી આશરે ૬૦ કિમી જેટલું દૂર છે. એક દિવસમાં ત્યાં જઈને સારો એવો લ્હાવો માણી  શકાય છે. પોરબંદરથી માધવપુરની પટ્ટી વાળો રોડ મુસાફર માટે ખૂબ આનંદદાયક છે. રસ્તામાં અન્ય નાના મોટા જોવા લાયાક સ્થળો પણ આવે છે....

પોરબંદર કે માંગરોળ આવ્યા હોય તો અચૂક જોવા જેવું સ્થળ......કદાચ કૃષ્ણ કોઈ રૂપે મળી પણ જાય.....

- વિવેક ટાંક 
એકસ્ટ્રા શોટ્સ -                                                                                                                                                                                                                                                                        
કેવી રીતે પહોચવું  ? પોરબંદર થી ૬૦ કિમી અંતરે નેશનલ હાઈવે પર  છે. આથી બસ/કાર દ્વારા સરળતાથી પહોંચી શકાય છે.... 
ક્યા રોકાવું ? અહી દરિયા કિનારે તોરણ હોટેલ આવેલ છે.. ઉપરાંત ગામમાં સ્થાનિક મધુવન હોટેલ છે. બન્ને જગ્યા પર રહેવા જમવાની ઉતમ સુવિધા ઉપલબ્ધ છે...ઓશો આશ્રમમાં પણ રોકાઈ શકાય છે... 

અન્ય માહિતી - છેલ્લા 3 વર્ષથી માધુપુરમાં રાષ્ટ્રીય કક્ષાનો મેળો યોજાય છે...તેમાં સમગ્ર દેશના અને રાજ્યના વિવિધ કલાકારો રોજ સાંજે પરફોર્મન્સ આપે છે. આમ માધવપુર નવું ઉભરાતું પ્રવાસન સ્થળ છે...                                                                                                                             










20 June, 2019

મારી અલગારી હિમાલય યાત્રા - 6







લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારીએ હું એકલો હોવાના કારણે મને રહેવા રૂમ ન આપ્યો. અંતે નિરાશા સાથે ત્યાંથી નિકળતો હતો. ત્યાં દરવાજા નજીક રહેલી પાણીની પરબ પાસે એક બાવો પાણી પીતો હતો.

હું તેની પાસે ગયો અને મેં સમગ્ર ઘટના વિશે વાત કરતાં કહ્યું કે અહીં રહેવા માટે કોઈ  આશ્રમમાં રૂમ કેમ નથી આપતું?” એ હસવા માંડ્યો.

આપ કહાં સે હો?” એણે પુછ્યું.


ગુજરાત સે મેં જવાબ આપ્યો.
મોદી કે ગુજરાત સે- વાહ ક્યા બાત હૈ....

એમ કહી તે મને મંદિરની બહારના પગથિયા પાસે લઈ ગયો. અમે બંને ત્યાં બેઠા. પછી તો તેણે આખી કથા શરૂ કરી, પહેલા ઋષિકેશ કેવું હતુ. પોતે કોણ હતો. હવે શું-શું થઈ રહ્યુ છે. પણ તેની ભાષા એકદમ ઉગ્ર અને અશ્લીલ હતી. દરેક વાતમાં તે પોતાની મૂછો પર તાવ દેતો અને એટલો ઉગ્ર બોલતો કે વાત કરતાં કરતાં તમને લાગે કે એ તમને પણ એ તમાચા મારી લેશે. શરૂઆતમાં મને જરા ડર લાગેલ. પણ મારે શું  ગુમાવવાનું હતુ?

મંદિરના પૂજારીને પણ તેણે ગાળો દિધી. હું તેની પાસે પોણી કલાક બેઠો અને તેની તમામ ભડાશ સાંભળી. ત્યારપછી ત્યાંથી વિદાઈ લઈ હું બીજા આશ્રમ તરફ આગળ વધ્યો. સાવ છેલ્લા આશ્રમે ગયો પણ ત્યાં પણ જગ્યા મળી નહીં. ત્યાંથી પાછો ફરી રામ ઝુલા તરફ આવતા એક દુકાન પાસે બીજો એક બાવો મળ્યો. મેં તેને રહેવા માટે પુછ્યુ. તેણે મને એક-બે આશ્રમના નામ આપ્યા કે ત્યાં બાવા-સાધુઓને રહેવા માટે જ છે. ત્યાં જઈ ચાદર પાથરી સુઈ જજો

થોડી-ઘણી ચર્ચા બાદ અમે એકબીજાનો પરિચય કર્યો. હું એક યુવા સંન્યાસી છું એમ જ મેં કહ્યુ. તે પોતે પંજાબનો એક ક્રિમીનલ હતો. અને બાદમાં આહીં આવી સાધુ બન્યો એ વિશે તેણે જણાવ્યું. પણ તે નશામાં હોય તેવું મને જણાતું હતુ. તેણે મને ચલમની ઓફર પણ કરી. પણ હું તેમાં ક્યાંય પડ્યો નહીં. તેણે દુર ગંગાના કિનારે પોતાની ઝુંપડી તરફ હાથનો ઈશારો કરી કહ્યુ કે અમે ત્યાં રહીએ છીએ. એવું હોય તો ત્યાં આવજો. રહેવાનું કંઈક કરીશું. પણ આવા નશાખોર બાવાઓનો ભરોસો શુ? એટલે તેમની સાથે રહેવાનો કોઈ મતલબ ન હતો. મારે તો તેમની સાથેની ચર્ચાથી અહીંના બાવાઓની માનસિકતા જાણવી હતી.

બાજુની દુકાનના પટાંગણમાં 10-12 વિદેશી પુરૂષો, મહિલાઓ અને બે-ત્રણ બાવાઓ ચલમ ફૂંકતા ફૂંકતા ચર્ચાઓ કરતાં હતાં આ બધું અજબ દ્રશ્ય હતુ. હું સતત વિચારતો હતો કે આ વિદેશીઓ આવા કેટલાય બાવાઓની ચુંગાલમાં ફસાઈ જતાં હશે અને તેઓ આવા લોકોની ઢોંગી વાતો, ચમત્કારની કહાનીઓને અધ્યાત્મ માની લેતા હશે.

આ બધું જોતા જોતા હું એવા આશ્રમે પહોચ્યો જ્યાં ભારતભરના બાવાઓ આવી, ચાદર પાથરી પડ્યા રહેતા. હું તો ત્યાં પણ સૂવા તૈયાર હતો પણ આશ્રમનો મુખ્ય સંચાલક બહાર ગયો હતો. મેં અડધી કલાક રાહ જોઈ. બાદમાં તે આવ્યો પણ ખરા પણ આશ્રમ ફુલ છે તેવું જણાવ્યુ ને, મારે ત્યાંથી પણ નિકળી જવું પડ્યું હતુ.

અંતે કંટાળીને હું 15 મિનીટ ગંગાના પગથિયે બેસીને નદીના પાણીને જોતો રહ્યો. હવે ક્યાં જવું?
 રાત ક્યાં રહેવું? હું સંન્યાસીના વેશમાં જ રૂમમાં રહેવાનો આગ્રહી હતો. 


અંતે ત્યાં ચા પીતા-પીતા એક માણસે કહ્યુ બાબાજી, આપ લક્ષ્મણ ઝુલા ચલે જાઈએ, વહાં કોઈ ખાલી આશ્રમ જરૂર મીલ જાયેગા

વળી હું ત્યાંથી ચાલતા-ચાલતા 3 કિમી દુર લક્ષ્મણ ઝુલા જવા નીકળ્યો. રસ્તામાં આવતા 2-3 આશ્રમમાં તપાસ કરી. પણ એ જ નિરાશા, એક આશ્રમ વાળાએ તો કહ્યુ કે તમે તમારૂ નામ, એડ્રેસ વગેરે ચિઠ્ઠીમાં લખી દો. અમે તમારા ઘરે પત્ર મોકલીશું તે પરવાનગી આપે તો જ અમે તમને રહેવા દઈએ. મારો તો મગજ હટી ગયો. ક્યારે તમે પત્ર મોકલો, ક્યારે પહોચે અને ક્યારે ત્યાંથી પરવાનગી મળે. ત્યાં સુધીમાં તો હું આખો હિમાલય ફરી લઉં.

મેં તેમને સમજાવ્યા કે મારે તો માત્ર 1-2 દિવસ જ રહેવું છે. પણ મારી એક પણ વાત ન સાંભળી અને મને રહેવાની જગ્યા આપવાની ના પાડી દિધી. હું ત્યાંથી નિકળી લક્ષ્મણ ઝુલાના રસ્તે આગળ વધ્યો. ઘનઘોર અંધારૂ, ઠંડી અને હું એકલો. ફરી એ જ રવિન્દ્રનાથ ટાગોરનું ગીત એકલા ચલો, એકલા ચાલો મનમાં ગુંજ્યા કરે. ને હું એકલો ચાલતો રહ્યો. 

લક્ષ્મણઝુલા પહોચતાં ખુબ મોડુ થઈ ગયેલુ. બધા આશ્રમો બંધ થઈ ચૂક્યા હતા. હવે તો રસ્તાના કિનારે કોઈ ઝાડ નીચે સારી જગ્યા જોઈ સુઈ જવા સિવાય કોઈ વિકલ્પ હતો જ નહીં. પણ ત્યાં જ હું એક ગલીમાંથી પસાર થતો હતો ત્યાં એક ગેસ્ટ હાઉસ બંધ થઈ રહ્યુ હતુ. એક આશાનું કિરણ દેખાયુ મને. હું ત્યાં પહોચ્યો ને પુછ્યુ એક રાત કે લીયે રૂમ મિલેગા?
ત્યાં રહેલા 20 વર્ષના છોકરાએ કહ્યુ, હા બાબાજી એક રૂમ હે મને ખુશી થઈ. ચલો હવે મેળ પડશે.
હજુ હું ભાવ વિશે કંઈ પુછવા જાવ તે પહેલા જ પેલાએ કહ્યુ બાબા આપકે પાસ કિતને પૈસે હે?
મેં કહ્યુ, " સો રુપયે " 
પેલાએ કહ્યુ, કોઈ બાત નહીં બાબાજી ચલેગા
અને એણે મને સો રૂપિયામાં રૂમ આપી દિધો. એના મતે હું એક યુવા સંન્યાસી જ હતો. અંતે રાત્રે 1 વાગ્યે મને રૂમ મળ્યો. રૂમમાં પહોચીને મને સમજાયું કે પુસ્તકોમાં જે વર્ણન છે તે અને અહીંની વાસ્તવિક સ્થિતિ સાવ અલગ છે. એક રૂમ મેળવવા માટે સાંજથી હું ભટકતો હતો ત્યારે રાત્રે એક વાગ્યે રૂમ મળ્યો। પણ છતાં મને આનંદ હતો. હું સન્યાંસીના વેશમાં મારી દુનિયાથી સાવ અલગ હતો.

(વધુ આવતા અંકે)

04 June, 2019

નંદીગ્રામ- (ધરમપુર)

નંદીગ્રામ-

આજે પણ આધ્યાત્મિક લોકો જીવતા જાગતા જોવા મળે છે, એનો વધુ એક પુરાવો એટલે " સાત પગલા આકાશમાં " નાં લેખિકા કુન્દનિકાબેન કાપડિયા. એક સરળ નિખાલસ આધ્યાત્મિક વ્યક્તિત્વ...
વર્ષો પહેલા મકરંદ દવેએ વલસાડ પાસેના આદિવાસીઓ માટે આ નંદીગ્રામ સંસ્થા ઉભી કરેલી. અને ધીરે ધીરે તે સરસ આધ્યાત્મિક સ્થળ બની ગયું.
અજંતા-ઈલોરાની યાત્રા વખતે દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમ્યાન આ સ્થળની મુલાકાત લીધી. કદી સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે કુન્દનિકાબેન સાથે આટલી સરસ મુલાકાત થશે...

ધારાપુર જતા અમે નંદીગ્રામ અશર્મ પર અમારી કાર ઉભી રાખી. આજુ બાજુ નજર કરી તો  એક સાધક આવ્યા અને અમને આખું નંદીગ્રામ બતાવ્યું. એક એક જગ્યા વિષે જાણકારી આપી બાદમાં અમે આશ્રમમાં એક જગ્યા બેસીને શાંતિનો અનુભવ કરી રહ્યા હતા.

કુન્પદનિકાબેન કાપડીયા ભોજનશાળામાં ભોજન લઇ રહ્યા હતા એટલે  અમે તેની રાહ જોઇને ભોજનશાળાની બહાર ઉભા હતા, એમનું જમવાનું પૂરું થયું અને એ તેના ઓરડા  તરફ જતા હતા અને મે તો એમ જ એમની સાથે થોડી આધ્યાત્મિક વાતો  કરી અને પછી એમને પણ આધ્યાત્મિક વાતોનો આનંદ આવ્યો અને અમને તેમના ઓરડા તરફ આવવા કહ્યું. અમે ત્પયાં જઈને બેઠા અને પછી તો આધ્યાત્મિકસંવાદનો ઘણો દોર ચાલ્યો. એમણે મારી ઘણી આધ્યાત્મિક શંકાનાં સમાધાન કર્યા.  અને કહ્યું કે તમને  સમય આવ્યે આધ્યાત્મમાં યોગ્ય  દિશા જરૂર મળશે....
અંતે ખુશ થઈને તેમણે મને એક અપ્રાપ્ય બૂકની બચેલી છેલી કોપી જાતે ઘરમાં શોધીને ભેંટમાં આપી અને તેમાં "આધ્યાત્મના અનંત યાત્રીને ભેંટ" એવું લખી પોતાના હસ્તાક્ષર કર્યા. આ એક  અદભુત ક્ષણ  હતી.....

તેમના પતિ સાહિત્યકાર મકરંદ દવે પણ બહુ મોટી આધ્યાત્મિક વિભૂતિ હતા.રામકૃષ્ણ  પરમહંસનો અવતાર મનાતા  ગોંડલનાં નાથાલાલ જોશી સાથે તેઓએ ઘણા વર્ષો રહીને આધ્યાત્મ સાધના કરેલી...
@ Nandigraam ( Dharampur - Valsad )


એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે જવું ? વલસાડ થી ધરમપુર જતા ( ૨૭ કિમી )  રસ્તામાં જ નંદીગ્રામ આશ્રમ આવેલ છે....બસ/કાર દ્વારા સરળતાથી પહોંચી શકાય છે.

ક્યારે જવું ? કોઈ પણ સમયે આ આધ્યાત્મિક સ્થળની મુલાકાત લઇ શકાય છે..ધરમપુરની મુલાકાત દરમ્યાન સાથે જ  મુલાકાત લઇ શકાય...

અન્ય માહિતી - આધ્યાત્મિક સાધના માટે નંદીગ્રામમાં જ રોકાઈને સાધના કરી શકાય છે....








14 March, 2019

Naida Cave - દીવ

Naida Cave -



આમ તો દીવ કેન્દ્રશાષિત પ્રદેશ છે. પણ અહીના લોકોની રહેણી કહેણી તદન ગુજરાતી જ છે..વર્ષો પહેલા ગુજરાત સલાત્નતનાં રાજાઓ પાસે દીવ હતું. પણ ગુજરાત પર મોઘલ શાશક હુમાયુના આક્રમણ વખતે ગુજરાતના રાજાઓએ હુમાયુ સામે લડવા માટે પોર્ટુગલ સેનાની મદદ માંગી અને બદલામાં દીવ પોર્ટુગલોની આપ્યું..ત્યારથી લઈને છેક આઝાદી સુધી દીવનો કબજો પોર્ટુગલ પ્રજા પાસે રહેલો. આથી ત્યાના સ્થાપત્યો પર પોર્ટુગીઝ છાપ સ્પષ્ટ જોવા મળશે...

દીવમાં ફરવા જેવા ઘણા ઘણા સ્થળો છે.. જેમકે  બીચ, કિલ્લો, ચર્ચ, મ્યુઝીયમ વગેરે આવેલ છે...ઓછામાં ઓછો એક આખો દિવસ તો દીવ માટે જોઈએ જ.

પણ  દીવમાં આવેલ સૌથી મહત્વની જગ્યા એટલે નાઈડા કેવ....વિશાળ ચૂનાના પત્થરોની વિશાલ ગુફા....અહી પ્રવેશતા જ એવું લાગે જાણે તમે કોઈ ખજાનાની શોધમાં કોઈ ગુફામાં જઈ પડ્યા છો. તેનું સૌન્દર્ય એટલું છે કે તમને દિલમાં આનંદ આનંદ જ લાગ્યા કરે...મેં ગુજરાતમાં આવી વિશાળ ગુફા બીજી કોઈ જોઈ નથી...

ગુફાનો ઈતિહાસ સ્પષ્ટ નથી. ઘણા એવું કહે છે કે પોર્ટુગીઝોએ કિલ્લો બંધાવા પથ્થરો અહીંથી કાઢેલા અને ઘણા લોકો આ ગુફા પ્રાકૃતિક હોવાનું કહે છે. ગુફા અને વચ્ચે ઉગી નીકળેલા વૃક્ષો ગુફાને ચાર ચાંદ લગાવી દે છે...એવું કહેવાય છે કે ફોટોગ્રાફરો માટે આ પેરેડાઇઝ છે....

જો તમે શાંતિનાં, પ્રકૃતિના, માણસ છો તો આ જગ્યા ચોક્કસ ગમશે...

એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે જવું ? દીવ  ગીર સોમનાથ જીલ્લાનાં ઊના થી એકદમ નજીક ( ૧૫ કિમી અંતરે ) આવેલ છે...અમદાવાદ/રાજકોટ/જુનાગઢ વગરે સ્થળોથી સીધી બસ મળી રહે છે...

ક્યારે જવું ? વર્ષમાં કોઈ પણ સમયે આ સ્થળની મુલાકાત લઇ શકાય છે....










05 March, 2019

અજંતાની ગુફાઓ -

અજંતાની ગુફાઓ -




ઈતિહાસના લેકચર તરીકે અને કળા રસિક તરીકે આ જગ્યા જોવી એ મારું એક સપનું હતું. સ્પીપા -અમદાવાદ  ખાતે ડેપ્યુટી  કલેકટરની અમારી ટ્રેનીંગ ચાલુ હતી એ સમય ગાળામાં 3 દિવસની રજા આવી રહી હતી. એટલે મેં અજંતા ઈલોરા જવાનું નક્કી કરેલ. અમદાવાદથી ઔરંગાબાદ આશરે ૬૫૦  કિમી અંતર થાય. અની ત્યાંથી ૧૦૦ કિમી અંતરે અજંતાની ગુફાઓ આવેલ છે. કાર ચલાવવી ઈ મારે માન ધ્યાન કરવા જેવુ છે આથી અમદાવાદથી  મેં એકલા હાથે સળંગ ૬૦૦ કિમી  સુધી કાર ચલાવીને અમે ઔરંગાબાદ પહોંચ્યા. ત્યાં સર્કીટ હાઉસમાં રોકાણ કરીને અમે વહેલી સવારે અજંતાની ગુફાઓ જવા નીકળેલા...

અજંતા એટલે ભારતીય સંસ્કૃતિનાં ઈતિહાસ,  આર્ટ અને કલ્ચરનો ભવ્ય વૈભવ  દર્શાવતું અદભુત સ્થળ.....
ઇ.સ.પૂ. 2 થી ઇ.સ. 5મી સદીમાં વિવિધ વંશના રાજાઓએ આ ગુફાઓ બનાવેલી. અહી કુલ  29 બૌદ્ધ ગુફાઓ કોતરવામાં આવેલી છે..
માત્ર પુસ્તકોમાં વાંચેલ આ ગુફાઓ નજરે જોયા બાદ વખાણ કરતા થાકીએ નહીં...આજ પણ મારી આંખોના કેમેરામાં આ ગુફાના દ્રશ્યો કોતરાઈને સમાયેલ છે...આટલી કળા કારીગીરી આજથી ૧૫૦૦ વર્ષ પહેલા કેવી રીતે વિકસાવી હશે ઈ આશ્ચર્ય જેવું જ લાગે..અને આ ગુફા કોતારનારા અને તેમાં વિવિધ પેન્ટિંગ કરનારા લોકો કોઈ કારીગરો નહિ પણ બૌદ્ધ સાધુઓ હતા....ધન્ય છે આ સાધુઓને.....

ફ્રેસ્કૉ પેઇન્ટિંગ આ ગુફાઓની  સૌથી મોટી ખાસિયત છે. એટલે કે તેમાં દીવાલ પર પહેલા લીપણ કરવામાં આવે અને પછી ચિત્મારો દોરીને રંગ પુરાવામા આવે એટલે દીવાલ કલર શોષી લે અને ચિત્નીરો વર્ષો સુધી ટકી રહે. માની  ના શકીયે કે હજારો વર્ષ પહેલા કોઈએ આવા ચિત્રો બનાવ્યા હશે. ઇતિહાસ અને આર્ટ-કલ્ચર નાં શોખીન અને એક ભારતીય તરીકે આ સ્થળ ખાસ જોવા જેવું છે. તમામ ભારતીયો માટે આ  ગર્વની વાત છે....

બધી ગુફામોમાં બૌદ્ધ શિલ્પો અને બુદ્ધનાં સમગ્ર જીવનની કહાની રંગોથી સજાવામાં આવી છે....

કહેવાય છે કે એક અંગ્રેજ અહીના જંગલમાં વાઘનો શિકાર કરવા નીકળેલ ત્યારે વાઘ ભાગીને આ ગુફામાં છુપયી ગયેલ અને તેનો પીછો કરતો કરતો પેલો અંગ્રેજ આ ગુફા સુધી પહોંચ્યો. અને આ જોઇને તે મંત્ર મુગ્ધ થઇ ગયેલ આ રીતે આકસ્મિક રીતે આ પ્રાચીન ગુફાઓની શોધ થયેલ.

અજંતા અને ઈલોરામાં મુખ્ય તફાવત ઈ છે કે અજંતાની ગુફાઓ માત્ર બૌદ્ધ ધર્મને પ્રદર્શિત કરે છે જ્યારે ઈલોરા હિંદુ,બૌદ્ધ, જૈન ત્રણેય ધર્મને પ્રદર્શિત કરે છે.. અજંતાની ગુફા તેના પેઇન્ટિંગ માટે પ્રખ્યાત છે જ્યારે ઈલોરા તેના સ્થાપત્યો માટે પ્રખ્યાત છે. બંને સ્થાનો યુનેસ્કોના વર્લ્ડ હેરીટેજ સાઈટની યાદીમાં સ્થાન ધરાવે છે....

આ ગુફા બનાવનાર રાજાઓ અને કલાકાર સાધુઓને ને દિલથી સલામ.....

એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે જવું ? અમદાવાદ/વડોદરાથી સૌ પ્રથમ મહારાષ્ટ્રના ઔરંગાબાદ બસ/કાર દ્વારા પહોંચવું. ત્યાંથી ૧૦૦ કિમીના અંતરે અજંતાની ગુફાઓ અને ૩૫ કિમીના અંતરે ઈલોરાની ગુફાઓ આવેલ છે.....

ક્યારે જવું ? વર્ષ દરમ્યાન કોઈ પણ સીઝનમાં અહી જી શકાય છે.....

અન્ય માહિતી - સારી રીતે એક્સ્પ્લોર કરવા માટે ઓછામાં ઓછા 3 દિવસ જોઈએ...એક દિવસ અજંતા, એક દિવસ ઈલોરા અને એક દિવસ  ઔરંગાબાદ....