26 February, 2020

*ઓસમ ડુંગર - એક અદ્દભૂત પ્રાકૃતિક સ્થળ*

*ઓસમ ડુંગર - એક અદ્દભૂત પ્રાકૃતિક સ્થળ*
-------------------------------------------------------
 


પહાડો પ્રત્યે મને પહેલેથી જ લગાવ છે...એટલે જ  હિમાલય, ગીરનાર, બરડો હું ફરી આવ્યો છું અને ફરી જઈશ ....હવે વારો હતો ઓસમ ડુંગરનો....હું પ્રાંત અધિકારી અને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે કુતિયાણા હતો એટલે તરત જ મગજમાં ઓસમ ડુંગર આવ્યો....

રવિવારની સવારે અમે પોરબંદરથી ધોરાજી તાલુકાના "પાટણવાવ" ખાતે  પહોંચી ગયા, કે જ્યાં ઓસમ ડુંગર આવેલ છે. તેનું  બાહ્ય સૌન્દર્ય  જોતા જ દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું....મોઢા માંથી જ શબ્દો નીકળ્યા .....ઓસમ.....ઓસમ.....ઓસમ.....

 ઓસમ ડુંગર પુરાણોમાં માખણીયા ડુંગર તરીકે ઓળખાતો હતો.
એક કથા મુજબ પાટણના સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના માતા રાજમાતા મીનળદેવી આ રસ્તેથી દ્વારકા-સોમનાથ જતા હતા અને તેઓએ આ સ્થળ પર રાતવાસો કરેલ, આ રમણીય સ્થળ પર બાદમાં તેઓએ મહાદેવનું મંદિર અને વાવ બનાવેલ આથી ગામનું નામ "પાટણવાવ" પડી ગયેલ.
ગોંડલના મહારાજા ભગવતસિંહજીના અનેક મહાલો પૈકીનું એક મહાલ પાટણવાવ હતું...
પ્રકૃતિની દ્રષ્ટિએ ખૂબ સુંદર પહાડી છે....
તેના પર ઘણા ધાર્મિક-પ્રાચીન સ્થળો આવેલ છે...
-ટપકેશ્વર મહાદેવ મંદિર
-ગૌમુખી ગંગા
-માત્રી માતા મંદિર
-ધર્મનાથ મહાદેવ
-ભીમનાથ મહાદેવ, ભીમકુંડ, ભીમ કોઠો
- જૈન મંદિરો
-શાંતિ વીરડો, ભીમથાળી, કોઠારીઓના દેવશી બાપાનું મંદિર
અને અન્ય પણ ઘણા નાના સ્થળો આવેલ છે...
-અહીં ઘણી જૂની જૈન મૂર્તિઓ મળેલ છે. જે આજે જૂનાગઢ, રાજકોટ, ધોરાજીના દેરાસર ખાતે રાખવામાં આવેલ છે.....

અમે સવારથી માંડીને સાંજ સુધી આખો દિવસ આ ડુંગરની એક એક પહાડી પર ફર્યા...કુદરત જાણે નૃત્ય કરતો હોય તેમ પ્રકૃતિ ખીલી હતી....બપોરનું ભોજન પણ અમે પહાડી પર વડલા નીચે લીધું અને ઝાડ નીછે જ થોડો આરામ ફરમાવ્યો.

વળતી વેળાએ દૂરની પહાડી પરના એક જૈન મંદિર અને ભીમકુંડ સુધી ગયા....ત્યાં એક ભગત બાપુ ૧૫ વર્ષથી એકલા ભજન કીર્તન કરે છે તેની સાથે ભેટો થયો અને તેઓએ અમને ચા પીવડાવી....તેઓ અહી કેમ આવ્યા અને અહી કેમ પોતાનું ગુજરાન ચલાવે છે તેની આખી વાત કહી.....મને થયું વર્ષો બાદ હું પણ અહી જ આવી જાવ.....કુદરતના ખોળે....વળતી વેળાએ અમે ગંગાસતીના ભજન ગાતા ગાતા પહાડી પરથી નીચે ઉતર્યા ત્યારે રાત થઇ ચુકી હતી.....

આ અનોખી મુલાકાત માટે  ઈશ્વરનો મનોમન આભાર  માન્યો.....

પોતાની  જાતને રીચાર્જ કરવા એક  વાર અચૂક મુલાકાત લેવા જેવી આ જગ્યા છે......

એકસ્ટ્રા શોટ્સ -

રીતે પહોંચવું ?? - આ સ્થળ ધોરજી-ઉપલેટાથી ઘણું નજીક છે. આથી રાજકોટ/જુનાગઢ થી બસ/કાર દ્વારા  સરળતાથી જઈ શકાય છે.  

ક્યા રોકાવું ?- હાલ આ સ્થળ પર કોઈ રોકાવની સુવિધા ઉપલબ્ધ નથી..આજુ બાજુના મુખ્ય સ્થળ- ધોરાજી-ઉપલેટા-જુનાગઢમાં રોકાઈ શકાય.

અન્ય માહિતી - http://patanvav.com પર ઓસમ ડુંગરની સમગ્ર માહિતી ઉપલબ્ધ છે..







No comments:

Post a Comment