21 February, 2020

પરબ ધામ - સંત પરંપરાનું છોગું

હમણાં જુનાગઢનો  શિવરાત્રીનો  મેળો પૂરો કરીને હું અને મારી પત્ની એમ જ આયોજન વિના બસ સંત-પરપરના સ્થળોની મુલાકાત લેવું છે તેમ નક્નીકી કરીને નીકળી પડ્યા.....અને સૌથી પહેલા આવી પહોંચ્યા પરબ....ત્યારબાદ ઈશ્વરીય સંકેત મુજબ પરબથી  થી લઈને તુલસીશ્યામ અને ત્યાંથી પોરબંદર સુધીના પટ્ટા પર આવતા સંત પરંપરાના આધ્યાત્મિક સ્થળોની યાત્રા કરી....એક બાજુ ગીરનું જંગલ અને એક બાજુ ચૈતન્ય...અંતરાત્મા આનંદ વિભોર થઈ ઉઠ્યો....
સૌરાષ્ટ્રની સંત પરંપરા અદભુત છે...એમાંના એક સંત એટલે સંત દેવીદાસ. તેમણે 18મી સદીમાં પરબ ધામની સ્થાપના કરેલી....

                         


◆◆ પરબધામ વિશે◆◆
આ જગ્યા જાણે હિન્દૂ-મુસ્લિમ પરંપરાનું મિલન સ્થાન છે...અહીં પીરની દરગાહ પણ આવેલ છે. અને સંત દેવીદાસ અને અમરમાં ની સમાધિ પણ છે ગમી. હિંદુ- મુસ્લિમ બંને અહી આવે છે એ વાત જ મિલનસાર છે. થોડી વાર આંખ બંધ કરીને બેઠા ત્યારે  ચૈતન્ય સંત તત્વ આજે પણ આ જગ્યામાં અનુભવી શકાયું...


                           
સૌરાષ્ટ્રના સંતની જગ્યા હોય અને ભોજન વિના કોઈ પાછું જાય નહીં એ સૌરાષ્ટ્રની પરંપરા....
અહીંની ભોજન વ્યવસ્થા કાબિલેદાદ છે....હજારો લોકો જમવા આવે પણ મેનેજજમેન્ટ એવું અદભુત કે જરા પણ અવ્યવસ્થા ન થાય. આજુ બાજુના ગામના લોકોનો રોજ સ્વયંસેવક તરીકે વારો હોય જે નિયમિત સેવા આપે છે. તેઓનો  સેવા કરવાનો ઉત્સાહ જોતા જ આપણને જોમ ચડે કે વાહ ભાઈ વાહ.....
કલેકટર હોય કે અભણ ખેડૂત અહી  બધા એક જ પંગતમાં સાથે જમવા બેસે ને પછી થાળી જાતે ધોવાની એટલે અમીર-ગરીબના કોઈ ભેદ રહે નહીં અને આપણને પણ કોઈ અભિમાન ના રહે.
હરિ સામે તો સૌ સરખા એ સ્પષ્ટ સંદેશ આ વ્યવસ્થા આપે છે....

સૌરાષ્ટ્રની સંત પરંપરા પ્રત્યે મને ખુબ માં હતું પણ આ જગ્યાથી તેમાં ઓર વધારો થયો...મોટાભાગે લોકો જુનાગઢ ગીરનારમાં ફરવા આવે ત્યારે અહી આવતા હોય છે કારણ કે આ સ્થળ જુનાગઢ થી માત્ર ૩૫ કિમી અંતરે જ આવેલ છે....

●● સંત દેવીદાસ અને અમરમાં વિશે●●
સંત દેવીદાસે 18મી સદીમાં પરબ ધામની સ્થાપના કરેલી....દેવીદાસનો જન્મ પુંજા ભગત અને સાજણબાઈ નામના એક શ્રદ્ધાળુ રબારી દંપત્તિને ઘેર થયો હતો. સંતજીવન પૂર્વેનું નામ દેવો ભગત અથવા દેવાયત હતું. દેવીદાસ પરબધામ ખાતે રક્તપિત્તના દર્દીઓની સેવા કરી ભૂખ્યા લોકોને ભોજન આપતા હતા.
દેવા ભગતની શ્રદ્ધા અને માનવસેવાથી પ્રસન્ન થઈ ગિરનારી સંત જેરામભારથીએ દેવા રબારીમાંથી તમને દેવીદાસ નામ આપ્યું. દેવીદાસે આજુબાજુનાં ગામમાંથી ભોજન લાવવા માટે કાવડ ચાલુ કરી અને ભૂખ્યાઓને ખવડાવવા લાગ્યાં. રક્તપિત્તિયાઓને લીમડાના પાણીથી નવડાવી સેવા કરી નવું જીવન આપવા લાગ્યા.
દેવીદાસના સેવા યજ્ઞની વાત દૂર દૂરનાં ગામો સુધી પહોંચી ગઈ હતી.
અમર મા પણ તેમની સાથે સેવા કાર્યમાંજોડાયાં. અમરબાઈ આહીર જ્ઞાતિનાં હતાં અને તેઓ વીસાવદરના શોભાવડલા ગામે રહેતાં હતાં. તેના વિશે કહાની એવી છે કે લગ્ન પછી તેઓનું આણું જઈ રહ્યું હતું.
રસ્તામાં પરબધામે આ લોકો બપોરનું ભોજન કરવા માટે રોકાયા હતા. અમરમા તેમના નણંદ સાથે પરબના પીરનાં દર્શન કરવા ગયા. અમરમાએ દેવીદાસ બાપુને રક્તપિત્તના દર્દીઓની સેવા કરતા જોયા. આ જોઈ અમરમાનું મન સંસારમાંથી ઊઠી ગયું. તેઓએ પતિ સાથે જવાના બદલે પરબની જગ્યામાં રહેવાનું નક્કી કર્યુ.
દેવીદાસ બાપુએ તેમને જવા માટે બહુ મનાવ્યા પણ તેઓ માન્યા નહીં. પછી તેઓને શિષ્યા બનાવ્યાં. અમરમા ઝોળી ફેરવી દેવીદાસને મદદ કરવા લાગ્યાં. સમય જતાં દેવીદાસ બાપુએ સમાધિ લીધી. ત્યારપછી સમય જતાં અમરમાએ પણ સમાધિ લીધી હતી. જે સમાધિ આજે પણ ત્યાં હયાત છે....

એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે પહોંચવું ?? - જુનાગઢથી ૩૦ કિમી અંતરે છે. જુનાગઢ થી ભેસાણ જતા રોડ પર આ સ્થળ આવેલ છે. બસ કે કાર દ્વારા સહેલાઈથી પહોંચી શકાય છે....

ક્યા રોકાવું ? - અહી વિશાળ ધર્મશાળા આવેલ છે તેમાં પરિવાર સાથે રાત રોકાઈ શકાય છે...ઉપરાંત નજીકના મુખ્ય સ્થળ જુનાગઢ ખાતે પણ રોકાણ કરી શકાય છે..
                                                                                                                                                            

No comments:

Post a Comment